વડોદરાની ઓળખ બની ગયેલા મગર હવે શહેરના એક નવા લેન્ડમાર્કનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. શહેરના કમાટીબાગ (સયાજીબાગ)માં વિશ્વામિત્રી નદી પર મગરની થીમ આધારિત 57 મીટર લાંબો ફૂટ ઓવરબ્રિજ બનાવવાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને (VMC) યોજના બનાવી છે.અંદાજે રૂ. 12.7 કરોડના ખર્ચે બનનારો આ પુલ માત્ર અવરજવર માટે નહીં, પરંતુ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ અને જાહેર સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. હાલ બર્ડ હાઉસને સિંહ અને વાઘનાં પાંજરાં તરફ જોડતો જે પુલ છે, તેની જગ્યાએ આ નવો પુલ બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
નવા પુલ પર એક સમયે ઓછામાં ઓછા 200 લોકો સરળતાથી ઊભા રહી શકશે. પ્રવાસીઓ માટે અહીં રોકાઈને વિશ્વામિત્રી નદીનો નજારો માણી શકાય તેવી અલગ જગ્યા પણ બનાવવામાં આવશે. પુલની વચ્ચે 3 મીટર પહોળો સાઇકલ ટ્રેક અને ચાલવાનો માર્ગ હશે. તેની બંને બાજુ રાહદારીઓ માટે 2-2 મીટર પહોળા ફૂટપાથ બનાવાશે.
પુલની ડિઝાઇન સંપૂર્ણપણે મગરથી પ્રેરિત હશે. મગરમચ્છના માથા અને પૂંછડી જેવી આકૃતિ તૈયાર કરાશે. રેલિંગમાં મગરમચ્છની ચામડી પર જોવા મળતી ભીંગડાં જેવી ડિઝાઇન (સ્કેલ પેટર્ન) હશે. આ ઉપરાંત થીમ આધારિત ફ્લોરિંગ અને આકર્ષક શણગારેલી લાઇટિંગ પુલને વિશિષ્ટ દેખાવ આપશે.
બાંધકામમાં સ્ટીલ બોક્સ અને સ્ટીલ આર્ચનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર માળખાને 1,200 મિમી વ્યાસના પાઇલ્સનો આધાર મળશે. પુલ લાંબા સમય સુધી મજબૂત અને સ્થિર રહે તે માટે વિશ્વામિત્રી નદીના તળિયે ઊંડો પાયો બનાવવામાં આવશે.
સલામતીના માપદંડોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. પુલની રચના ભારે વાહનોના માળખાકીય ભારના ધોરણો ઉપરાંત રાહદારીઓ અને મુલાકાતીઓના વજનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાશે. પુલનો આખો ડેક પ્રતિ ચોરસ મીટર 500 કિલોગ્રામનો ફૂટપાથ લોડ સુરક્ષિત રીતે સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવશે. આથી મોટી સંખ્યામાં લોકો એકસાથે હાજર હોય ત્યારે પણ પુલની સલામતી જળવાઈ રહેશે.
સયાજીબાગમાં ફરવા આવતા લોકો માટે આ પુલ નવો અનુભવ બની રહેશે. અહીંથી પ્રવાસીઓ વિશ્વામિત્રી નદી અને તેમાં વસતા મગરમચ્છોને નવા અને સુરક્ષિત દૃષ્ટિકોણથી જોઈ શકશે. આ પ્રોજેક્ટથી શહેરના લોકપ્રિય સયાજીબાગ પરિસરમાં વધુ એક મોટું પ્રવાસન આકર્ષણ ઉમેરાશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો હેતુ વડોદરાના ઇતિહાસ, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય સાથે જોડાયેલો એક વિશિષ્ટ પુલ બનાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે આ પુલ શહેર માટે નવું આકર્ષણ બનશે, જ્યાં લોકો પુલની સુંદરતા માણવાની સાથે નીચે વહેતી વિશ્વામિત્રી નદીમાં વસતા મગરને પણ જોઈ શકશે.
