વીમાની રકમ પચાવવા શ્રમજીવી પરિવારના 6 સભ્યોને કેનાલમાં ફેંકી 3નો ભોગ લેવાયો; સુરત SPએ ખોલ્યું નકલી વીમા પોલિસીનું રહસ્ય

Spread the love

બારડોલી પંથકમાં સેજવાડ નજીક ઉકાઈ-ડાબા કાંઠા કેનાલમાં શ્રમજીવી પરિવારના 6 સભ્યોને ફેંકી દઈ 3 લોકોનો ભોગ લેનાર ચકચારી બારડોલી કેનાલ હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. સુરત ગ્રામ્ય પોલીસ વડા (SP) રાજેશ ગઢીયાના સત્તાવાર નિવેદન મુજબ, આ સમગ્ર હત્યાકાંડ પાછળ નકલી વીમા પોલિસીનું કનેક્શન સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, બારડોલી પંથકમાં સેજવાડ નજીક અજાણી કારમાં સવાર થઈને આવેલા ચાર અજાણ્યા શખ્સોએ શ્રમજીવી પરિવારના તમામ 6 સભ્યોને કારમાંથી સીધા ઉકાઈ-ડાબા કાંઠા કેનાલના ઊંડા અને ધસમસતા પાણીમાં ધકેલી દીધા હતા.એકસાથે 6 લોકોને કેનાલમાં ફેંકી દેવાતા ભારે અફરાતફરી સર્જાઈ હતી, જેમાં પરિવારના 6 સભ્યો પૈકી 3 વ્યક્તિઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા.આ જીવલેણ હુમલા વચ્ચે પરિવારના 13 વર્ષીય કિશોરે અદભુત હિંમત દાખવી કેનાલમાં રહેલી પાઇપ પકડી રાખી હતી અને પોતાનો જીવ બચાવી લીધો હતો, જેના કારણે સમગ્ર હત્યાકાંડનો ભાંડો ફૂટ્યો હતો.

 

SP રાજેશ ગઢીયાનું નિવેદન, નકલી વીમા પોલિસીનું કનેક્શન અને 8 દિવસના રિમાન્ડ

 

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બારડોલી પોલીસે તુરંત તપાસનો ધમધમાટ શરૂ કરીને એક આરોપી દયાનંદ ઉર્ફે ખાંડ્યાની ધરપકડ કરી હતી. સુરત SP રાજેશ ગઢીયાએ તપાસ અંગે મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસના નિવેદનમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ હત્યા પાછળ નકલી વીમા પોલિસીનું કનેક્શન ખુલ્યું છે.ઝડપાયેલા સહ-આરોપી ખાંડ્યા ઉર્ફે દયાનંદના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને તેની આકરી પૂછપરછ શરૂ કરાઈ છે.

 

ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ

 

ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ બનાવાઈ છે. અલગ-અલગ 6 ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે તેમજ જલગાંવ પોલીસ સાથે સંકલન કરવામાં આવ્યું છે.પોલીસ તપાસમાં આગામી સમયમાં હજુ વધુ મોટા ખુલાસા અને નવા વળાંકો સામે આવવાની પૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *