ઓડિશાના પુરીમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરનો સદીઓ જૂનો રત્ન ભંડાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મંદિરના ખજાનામાં સંગ્રહિત સોના-ચાંદીના ઘરેણાં, હીરા, નીલમ, મોતી અને માણેક સહિતનાં અમૂલ્ય રત્નોની ગણતરી ચાલી રહી છે. ખાસ વાત એ છે કે લગભગ 48 વર્ષ બાદ આટલી વિગતવાર ઇન્વેન્ટરી તૈયાર કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં અત્યાર સુધી 103 કલાકથી વધુનો સમય વીતી ગયો છે, છતાં હજુ ત્રણ મોટી પેટીઓની તપાસ બાકી છે.મંદિર વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 27 નવેમ્બર સુધીમાં 19 દિવસમાં કુલ 103 કલાક અને 50 મિનિટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લે વર્ષ 1978માં રત્ન ભંડારની યાદી તૈયાર કરવામાં આવી હતી. માર્ચ 2026માં ફરી શરૂ થયેલી આ પ્રક્રિયામાં દરેક ઘરેણાંની ઓળખ, વજન, સ્થિતિ અને જૂના રેકોર્ડ સાથે સરખામણી કરવામાં આવી રહી છે.
દરેક ઘરેણાની તપાસમાં લાગે છે એક કલાક
આ ગણતરી સામાન્ય નથી. દરેક ઘરેણામાં જડેલા હીરા, નીલમ, મોતી અને માણેકની ઓળખ માટે અનુભવી રત્નશાસ્ત્રીઓની મદદ લેવામાં આવી રહી છે. દરેક વસ્તુની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને 3D મેપિંગ પણ કરવામાં આવી રહ્યું છે. મંદિરના મુખ્ય વહીવટકર્તા અરવિંદ પાધીના જણાવ્યા અનુસાર, એક ઘરેણાની તપાસમાં ઓછામાં ઓછો એક કલાક લાગી શકે છે.
ત્રણ મોટી પેટીઓમાં શું છે?
રત્ન ભંડારના આંતરિક ખંડમાં ત્રણ મોટી લાકડાની પેટીઓ હજુ ખોલવાની બાકી છે. અંદાજે 15 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા ઓરડામાં જગ્યા ઓછી હોવાથી પેટીઓની તપાસ માટે રત્ન ભંડાર વિસ્તારના બીજા રૂમમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે જરૂરી મંજૂરી પણ મળી ગઈ છે. રત્ન ભંડારના મૂવિંગ સ્ટોક અને બહારના ભંડારની યાદી તૈયાર થઈ ચૂકી છે. હાલમાં આંતરિક ભંડારની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી તપાસાયેલા રત્નો 1978ના જૂના રેકોર્ડ સાથે મેળ ખાતા હોવાનું વહીવટીતંત્રે જણાવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે આ કામગીરી દરમિયાન ભક્તોને ભગવાન જગન્નાથનાં દર્શન કરવાની વ્યવસ્થા પણ ચાલુ રાખવામાં આવી છે. હવે સૌની નજર બાકી રહેલી ત્રણ પેટીઓ પર છે. આ પેટીઓમાં શું છે અને સમગ્ર ખજાનાની ગણતરી ક્યારે પૂર્ણ થશે તે જોવું રસપ્રદ રહેશે.
