નવનીત દલવાડી, ભાવનગર: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ દ્રશ્યો ભાવનગર જિલ્લાના સિહોરના સોનગઢ માર્ગના છે. જ્યાં ફરજ પર તૈનાત એક મહિલા GRD સત્તાના નશામાં ભાન ભૂલી હોય તેમ જાહેર માર્ગ પર દાદાગીરી પર ઉતરી આવી હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મહિલા GRDએ હાથમાં રહેલી લાઠી વડે બે યુવાનો પર સપાટો બોલાવી દીધો.ચોંકાવનારી વાત એ છે કે, મહિલા GRDએ કાયદાની તમામ મર્યાદાઓ નેવે મૂકીને એક-બે નહીં, પરંતુ બે યુવાનો પર ઉપરાછાપરી 12 જેટલા ધોકા વરસાવી દીધા. એટલું જ નહીં, ગુસ્સામાં લાલચોળ થયેલી આ મહિલાએ બંને યુવાનોને રોફ છાંટીને કારમાં બેસાડ્યા અને કાર પર પણ 4 ધોકા ફટકારી પોતાનો પાવર બતાવ્યો.
જાહેર માર્ગ પર મુસાફરો અને વાહનચાલકો સાથે અવારનવાર આ પ્રકારે અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, જો કોઈ વાહનચાલકે નિયમનો ભંગ કર્યો હોય તો દંડ ફટકારવા કે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે, પરંતુ જાહેર રસ્તા પર આ રીતે લાઠી ઉગામીને સજા આપવાની સત્તા આ મહિલા GRDને કોણે આપી?
લાઠી ઉગામનાર મહિલા GRD ફરજ મોકૂફ
આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ ભાવનગર પોલીસ તંત્રએ ગંભીર નોંધ લઈને લાલ આંખ કરી છે. બેજવાબદારીભર્યા વર્તન અને શિસ્તભંગ બદલ મહિલા GRDને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવા માટે GRD કમાન્ડરને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.
ખાખીનો રોફ જમાવવો આ મહિલા GRDને ભારે પડી ગયો છે, પરંતુ આ ઘટનાએ પોલીસની શિસ્ત અને GRD જવાનોની સત્તાની મર્યાદા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
