જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરજ બજાવતા પટાવાળાને જામનગર એસીબીની ટીમે રૂપિયા 500ની લાંચ લેતા પકડી પાડ્યો હતો. એસીબીની ટીમે આ સરકારી કર્મચારીને કોર્ટ સમક્ષ રજૂ કરી જેલ હવાલે કર્યો છે.
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ફૂડ-ડ્રગ્સ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીએ એક આસામી પાસેથી લગત શાખાનું લાયસન્સ કઢાવવા માટે લાંચ માંગી હતી.
જેને લઈને આસામીએ એસીબીને જાણ કરી હતી. સુરેન્દ્રનગર એસીબીએ લાંચ માટેનું છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં આ કર્મચારી રૂપિયા 500ની લાંચ લેતા આ શખ્સ આબાદ પકડાઈ ગયો હતો.
ડાયા કરસનભાઈ હુણ નામના પટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીને એસીબીએ કાલાવડનાકા બહાર આવેલ દીપ વસ્તુ ભંડાર નામની દુકાનમાંથી ફૂડ શાખાનાં લાયસન્સ પેટે રૂપિયા 500 સ્વીકારતા પકડી પાડ્યો હતો. ફૂડ શાખાના અધિકારીઓ રૂપિયા 500 થી 5000 લઇ લાયસન્સ ઇસ્યુ કરતા હોવાની ફરિયાદ મળતા એસીબીએ ડીકોય તરીકે એક આસામીને તૈયાર કર્યો હતો અને આ છટકામાં પટાવાળાને લાયસન્સ માટે એવેજ રૂપે રૂપિયા 500 સ્વીકારતા પકડી પાડયો હતો.
ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ દાખલ કરી એસીબીએ ગઇકાલે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. જ્યાં કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.