નવા UGC નિયમો સુપ્રીમ કોર્ટે સ્થગિત કર્યા

Spread the love

 

સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર આગામી આદેશ સુધી સ્થગિત કર્યા છે. CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યાની બેન્ચે કહ્યું હતું કે આની જોગવાઈઓ અસ્પષ્ટ છે અને એનો દુરુપયોગ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિયમોનો ડ્રાફ્ટ ફરીથી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. CJI સૂર્યકાંતે કેન્દ્રને પૂછ્યું, “આપણે જાતિવિહીન સમાજની દિશામાં કેટલું હાંસલ કર્યું છે? શું હવે આપણે ઊલટી દિશામાં ચાલી રહ્યા છીએ?” કોર્ટે કહ્યું, “અમને જનરલ કેટેગરીની ફરિયાદોથી કોઈ ફેર પડતો નથી. મુદ્દો એ છે કે જે ખરેખર જરૂરિયાતવાળા ને પીડિત છે તેને ન્યાય મળવો જોઈએ. અમારી ચિંતા એ છે કે જે લોકો અનામતમાં આવે છે તેમના માટે નિવારણ પ્રથા યથાવત્ રહેવી જોઈએ.” આ કેસની હવે પછીની સુનાવણી 19 માર્ચે થશે. UGCના નવા નિયમો વિરુદ્ધ મૃત્યુંજય તિવારી, એડવોકેટ વિનીત જિંદાલ અને રાહુલ દીવાને અરજીઓ દાખલ કરી છે. આ અરજીઓમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે UGCએ જાતિ આધારિત ભેદભાવની ‘બિન-સમાવેશક’ વ્યાખ્યા અપનાવી છે અને અમુક સમુદાયોને સંસ્થાકીય સંરક્ષણમાંથી બહાર રાખ્યા છે.
અરજદારે UGCના રેગ્યુલેશનને રદ કરવાની માગ કરી અને એેના પર તાત્કાલિક રોક લગાવવા માટે વિનંતી કરી. અરજદારે એમ પણ કહ્યું હતું કે જો અમને પરવાનગી મળે તો અમે આનાથી વધુ સારું રેગ્યુલેશન બનાવીને આપી શકીએ છીએ. આના પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે “અમે ઈચ્છીએ છીએ કે કેટલાક કાયદાવિદોની સમિતિ આના પર વિચાર કરે.”
એક અરજદારના વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે “જો હું સામાન્ય કેટેગરીનો વિદ્યાર્થી હોઉં તો કોઈપણ સિનિયર મને જોઈને ઓળખી જશે કે હું ફ્રેશર છું. ત્યાર બાદ મારી રેગિંગ થશે. જો તે સિનિયર અનુસૂચિત જાતિનો હશે તો ઊલટું મારે જ કાર્યવાહીનો સામનો કરવો પડશે.”
આના પર કોર્ટે પૂછ્યું કે “શું આ જોગવાઈ હેઠળ તમારી રેગિંગની ફરિયાદ પર વિચાર કરવામાં આવશે?” વકીલે જવાબ આપ્યો, “ના. પરંતુ મારી પાસે અન્ય કોઈ સહારો પણ નથી. આગોતરા જામીન પણ કોઈ વિકલ્પ નથી, કારણ કે સરકારે એમાં સુધારા કર્યા છે. આ છોકરાની કારકિર્દી ખતમ થઈ જશે. એક છોકરો જેને રેગિંગનો સામનો કરવો પડ્યો છે તેના માટે રેગિંગની વ્યાખ્યાને નિયમોમાંથી કેમ હટાવવામાં આવી? આ વિનિયમો માત્ર જાતિ આધારિત મુદ્દાઓને જ સંબોધિત કરે છે. એ જમીની હકીકતને ધ્યાનમાં લેતા નથી. એ સિનિયર અને જુનિયર વચ્ચેના ભેદને સંબોધિત કરતા નથી.”
UGCના નવા નિયમોનો વિરોધ કેમ?ઃ UGCએ 13 જાન્યુઆરીએ તેના નવા નિયમોને સૂચિત કર્યા હતા. એેનું નામ છે- ‘પ્રમોશન ઑફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન્સ, 2026.’ આ અંતર્ગત કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે વિશેષ સમિતિઓ, હેલ્પલાઇન અને મોનિટરિંગ ટીમ બનાવવાની સૂચના આપવામાં આવી હતી.
નિયમો મુજબ, આ ટીમ SC, ST અને OBC વિદ્યાર્થીઓની ફરિયાદોની તપાસ કરશે. સરકારનું કહેવું છે કે આ ફેરફારો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નિષ્પક્ષતા અને જવાબદારી લાવવા માટે કર્યા છે, જોકે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ આ નિયમોને પોતાના વિરુદ્ધ ગણાવી વિરોધ કરી રહ્યા છે.
જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોનું કહેવું છે કે સવર્ણ વિદ્યાર્થીઓને ‘સ્વાભાવિક અપરાધી’ બનાવી દેવામાં આવ્યા છે. નવા નિયમો કોલેજ કે યુનિવર્સિટી કેમ્પસમાં તેમના વિરુદ્ધ ભેદભાવને પ્રોત્સાહન આપી શકે છે. એનાથી કોલેજોમાં અરાજકતા પેદા થશે.

UGCએ કોલેજમાં જાતીય ભેદભાવને લઈને નવા નિયમ કેમ બનાવ્યા?
17 જાન્યુઆરી 2016ના રોજ હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ રોહિત વેમુલાએ જાતીય ઉત્પીડનને કારણે આત્મહત્યા કરી લીધી. આવી જ રીતે 22 મે 2019ના રોજ મહારાષ્ટ્રમાં દલિત ડોક્ટર પાયલ તડવીએ પણ આત્મહત્યા કરી લીધી હતી.
29 ઑગસ્ટ 2019ના રોજ રોહિત વેમુલા અને પાયલ તડવીના પરિવારજનોએ કોલેજમાં જાતીય ભેદભાવના નિયમોને કડક બનાવવા અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી. આ જ વર્ષે IIT એ એક સ્ટડી કરી, જેમાં જાણવા મળ્યું કે ‘ઐતિહાસિક રીતે વંચિત જાતિઓના 75% વિદ્યાર્થીઓ કોલેજમાં ભેદભાવનો સામનો કરે છે.’
જાન્યુઆરી 2025માં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે UGCને જાતીય ભેદભાવની ફરિયાદોનો ડેટા એકત્ર કરવા કહ્યું, સાથે જ નવા નિયમ બનાવવાનો નિર્દેશ આપ્યો. ફેબ્રુઆરી 2025માં ફીડબેક લેવા માટે આ નવા નિયમોનો એક ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો.
‘ઓલ ઈન્ડિયા OBC સ્ટુડન્ટ યુનિયન’નું કહેવું હતું કે ડ્રાફ્ટ હેઠળ યુનિવર્સિટીઓમાં જાતિગત ભેદભાવની વ્યાખ્યામાં OBCને સામેલ કર્યા નથી, સાથે જ કોલેજમાં ભેદભાવના કેસો પર કાર્યવાહી માટે જે ઈક્વાલિટી કમિટી બનાવવાની છે, તેમાં પણ OBC મેમ્બર સામેલ કરવાની જોગવાઈ નથી.
ડ્રાફ્ટમાં જાતીય ભેદભાવની ખોટી ફરિયાદ કરવા પર દંડની જોગવાઈ હતી. આ બાબતે કહેવામાં આવ્યું કે એનાથી ભેદભાવનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા ડરશે. ડ્રાફ્ટમાં જાતીય ભેદભાવની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા પણ નહોતી.
સંસદની શિક્ષણ, મહિલા, બાળ અને યુવા સંબંધી બાબતોની સંસદીય સમિતિએ ડ્રાફ્ટની સમીક્ષા કર્યા બાદ એને 8 ડિસેમ્બર 2025ના રોજ કેન્દ્ર સરકારને સોંપ્યો. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહ આ સમિતિના ચેરમેન હતા.
સમિતિએ UGCને પોતાની ભલામણો આપી, જેમાં કહેવામાં આવ્યું કે ભેદભાવવાળા નિયમની વ્યાખ્યા અને ઈક્વિટી કમિટીમાં OBCને પણ સામેલ કરવામાં આવે. ત્યાર બાદ UGCએ ડ્રાફ્ટમાં ઘણા ફેરફારો કરીને 13 જાન્યુઆરી 2026ના રોજ નવા નિયમો નોટિફાય કરી દીધા. 15 જાન્યુઆરીથી આ નિયમો UGCથી માન્યતા પ્રાપ્ત તમામ કોલેજ અને યુનિવર્સિટીઓમાં લાગુ થઈ ગયા છે.

તામિલનાડુ CM એમકે સ્ટાલિને UGCના નવા નિયમોનું સમર્થન કર્યું
એક તરફ, દેશભરમાં સવર્ણ જાતિના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોનો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમોને લઈને વિરોધ ચાલુ છે. ગુરુવારે દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસની બહાર વિદ્યાર્થીઓએ વિરોધપ્રદર્શન કર્યું. ઉત્તરપ્રદેશની લખનઉ યુનિવર્સિટીના ન્યૂ કેમ્પસમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરતાં રસ્તા પર બેસી ગયા. વિદ્યાર્થીઓનો હોબાળો ચાલુ છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બળ તહેનાત છે. કાનપુરમાં ભરત શુક્લા નામની એક વ્યક્તિએ UGCના વિરોધમાં માથું મુંડાવીને અનોખો વિરોધપ્રદર્શન કર્યું. તો બીજી તરફ, તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને UGCના નવા નિયમોનું સમર્થન કરતાં કેન્દ્રની પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું – UGC નિયમ 2026 ભલે મોડું ઉઠાવેલું પગલું હોય, પરંતુ ભેદભાવ અને ઉદાસીનતામાં ડૂબેલી ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં સુધારાની દિશામાં સારો નિર્ણય છે.

બ્રિજભૂષણ શરણે કહ્યું, એકતરફી કાયદા પર વિચાર કરવાની જરૂર છે
ભાજપના નેતા અને પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે UGC બિલની નવી જોગવાઈઓનો વિરોધ કર્યો છે. તેમણે એને સમાજને વિભાજિત કરતો નિયમ ગણાવ્યો. તેમણે કહ્યું- એક સમુદાયને શોષિત અને બીજાને પીડિત માનવામાં આવી રહ્યો છે, જ્યારે સમિતિમાં શોષિત સમુદાયનો કોઈ પ્રતિનિધિ નથી. બ્રિજભૂષણે કહ્યું, મને ખબર નથી કે આ કાયદો કોણે બનાવ્યો, પરંતુ એનાથી સમાજમાં તણાવ પેદા થઈ રહ્યો છે. આ ફક્ત ઉચ્ચ જાતિના સમુદાયનું દર્દ નથી; આ બધા સમુદાયોનું દર્દ છે. OBC અને દલિત સમુદાયોના જે બાળકો પરિસ્થિતિને સમજે છે, તેમને તેના વિરોધમાં આગળ આવવું જોઈએ.

2 દિવસ પહેલાં ગુજરાતમાં પણ UGCના નવા નિયમોનો વિરોધ થયો હતો…
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો. યુપી, નવી દિલ્હી સહિતનાં રાજ્યોમાં સવર્ણોનાં વિવિધ સંગઠનો રસ્તા પર ઊતરી આવ્યાં છે. હવે ગુજરાતમાં પણ નવા નિયમો સામે વિરોધના પડઘમ સંભળાવવા લાગ્યા છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન પાઠવી નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી છે. જ્યારે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માગણી કરવામાં આવી છે.

UGCના નવા નિયમો
*દરેક કોલેજમાં ‘ઈક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર’ (EOC) બનશે
*EDC પછાત અને વંચિત વિદ્યાર્થીઓને અભ્યાસ, ફી અને ભેદભાવ સંબંધિત મદદ આપશે.
*દરેક કોલેજમાં ઈકવાલિટી કમિટી (સમતા સમિતિ) બનાવવી પડશે.
*આ કમિટીના અધ્યક્ષ કોલેજના પ્રમુખ હશે.
*કમિટીમાં SC/ST, OBC, મહિલાઓ અને દિવ્યાંગો સામેલ થશે.
*કમિટીનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે.
*કોલેજમાં એક ઇક્વાલિટી સ્ક્વોડ પણ બનશે, જે ભેદભાવ પર નજર રાખશે.
*ભેદભાવની ફરિયાદ પર 24 કલાકમાં મીટિંગ કરવી જરૂરી છે.
*15 દિવસમાં રિપોર્ટ કોલેજ પ્રમુખને સોંપવાનો રહેશે.
*કોલેજ પ્રમુખે 7 દિવસમાં આગળની કાર્યવાહી શરૂ કરવી પડશે.
*EOC દર 6 મહિને કોલેજને રિપોર્ટ આપશે.
*કોલેજોએ જ્ઞાતિ આધારિત ભેદભાવ અંગેનો વાર્ષિક રિપોર્ટ UGCને મોકલવો પડશે.
*UGC નેશનલ મોનિટરિંગ કમિટી બનાવશે.
*નિયમ તોડવા બદલ કોલેજને મળતી ગ્રાન્ટ રોકી શકાય છે.
*કોલેજના ડિગ્રી, ઓનલાઈન અને ડિસ્ટન્સ કોર્સ ચલાવવા પર રોક લાગી શકે છે.
*ગંભીર કિસ્સાઓમાં UGCની માન્યતા પણ રદ થઈ શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *