વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ (gujarat bjp) નું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસ (congress) ના એક ધારાસભ્યને પોતાના પક્ષમાં આવવા ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. જાહેર મંચ પર પાટીલે આપેલા એક રાજકીય નિવેદનથી બંને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગણગણાટ શરૂ થયો છે.
આહીર સમાજના બાબરીયા ધાર સમૂહ લગ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરિષ ડેર (amrish der) પ્રત્યે લાગણી વ્યક્ત કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે તેવુ સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું છે. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા આમે સાથે હતા, એટલે થોડીથોડી ભૂલ થઈ જાય છે. આમ કહી તેમણે કાર્યક્રમમાં રમૂજી માહોલ બનાવ્યો હતો. મહત્વનું છે કે, હજુ બે દિવસ પહેલા જ રાજ્યના ઊર્જા મંત્રી મુકેશ પટેલ અને અમરીશ ડેર સાથે મુલાકાત થઈ હતી. જે બાદ પાટીલનું આ નિવેદન સૂચક માનવામાં આવે છે.