દેશમાં ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ દેશના ખેડૂત સંગઠનોમાં ખુશી જોવા મળી રહી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દેશના હિતમાં કરોડો ખેડૂતોના હિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી અનેક નિર્ણયો કર્યા છે. અબજો રૂપિયાની ગ્રાન્ટ ખેડૂતોની જરૂરીયાત માટે, ખેડૂતોના હિત માટે અને ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે કેન્દ્રની સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા ખેડૂતોના ઉત્પાદનને સરળતાથી વેચવા માટે, ખેડૂતોના હિત માટે અને ખેડૂતોની આવક વધારા માટે કરવામાં આવ્યા હતા. પણ કમનસીબે બે-ત્રણ રાજ્યના ખેડૂત સંગઠન દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો અને જે આંદોલન કરવામાં આવ્યું તે વખતે પણ PM મોદીએ કેન્દ્રના કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ત્રણ મંત્રીની કમિટી બનાવી હતી અને દેશના અગત્યના વિજ્ઞાન ભવનની અંદર ખેડૂતોની સાથે અનેક ચર્ચા કરીને ખેડૂતોના સુચન જાણવા માટે પ્રયાસ કર્યો. પણ ખેડૂતો કોઈ પણ વાતની સ્પષ્ટતા કરતા નહોતા અને બાંધ્યા ભારે ફક્ત ને ફક્ત જે માંગણી કરી હતી તે આપણે બધાએ જોયેલી છે. એક વર્ષ સુધી ખેડૂતો સાથે લિમિટેડ વિસ્તારના આગેવાનો સાથે જે ચર્ચા કરી તેમાં તે લોકોએ કોઈ સહકાર ન આપ્યો અને ફક્ત પોતાની વાતમાં વળગ્યા રહ્યા.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દિલ્હીને બાનમાં લેવાનો પ્રયાસ થયો. લાલ કિલ્લા પર ભારતના રાષ્ટ્ર ધ્વજથી ઉપર બીજો ધ્વજ ફરકાવી દેવાનું કામ કેટલાક લોકોએ આંદોલન સમયે કર્યું અને કરોડો દેશવાસીની લાગણી દુભાય તે આપણે જોઈ છે. આ બાબતને આખા દેશે વખોડી કાઢી. ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી છે. આ ફક્ત જાહેરાત નહીં પણ આગામી લોકસભા સત્રમાં આ બાબતનો કાયદો લાવીને કૃષિ કાયદાને રદ્દ કરવાનો કાયદો લાવીને તેને અમલમાં મુકવાનું શિડ્યુલ પણ જાહેર કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પહેલીવાર નથી જ્યારે લોકડાઉન કરવાનું હતું તે સમયે દેશને સુરક્ષિત રાખવાનો કડક નિર્ણય હતો તે નિર્ણયને અમલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમલમાં મૂકીને દેશને ખૂબ મોટું રક્ષણ આપ્યું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, લોકશાહી દેશમાં અનેક રાજ્ય ધરાવતા દેશમાં સતત ચૂંટણી આવતી જ હોય છે. હમણાં જ કેટલાક રાજ્યોની ચૂંટણી પછી દેશના કેટલાક રાજ્યોમાં ચૂંટણી આવવાની છે. બંધારણીય પરંપરા પ્રમાણે દેશમાં ચૂંટણી થાય છે. ચૂંટણીને લક્ષીને આ નિર્ણય કર્યો છે તે કહેવું વ્યાજબી નથી.