મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, નાના-લઘુ અને મધ્યમ ઊદ્યોગો, MSME સેક્ટર અને બેન્કર્સ વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ઊદ્યોગો અને બેન્ક બેય સાથે મળીને તાલમેલથી ચાલે તે રાજ્યના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસ માટે આવશ્યક પણ છે.
મુખ્યમંત્રીશ્રી રાજ્યના MSME કમિશ્નરેટ અને નાણાં વિભાગ આયોજિત અગ્રણી બેન્કર્સ સાથેની MSME સેક્ટરના પ્રશ્નો-સમસ્યાઓ લોન-ધિરાણ અંગેની સમીક્ષા બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.
તેમણે ઊમેર્યુ કે, કોરોના મહામારીને પગલે ખાસ કરીને નાના ઊદ્યોગો, ધંધા વ્યવસાયીકોને આર્થિક માર પડયો છે તેમાંથી તેમને પૂન: પગભર કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે સહાય યોજના પેકેજ આપેલું છે તેનો લાભ રાજ્યના આવા ઊદ્યોગ-વેપાર વ્યવસાયિકોને સુપેરે મળે તેવું દાયિત્વ બેન્કોએ નિભાવ્યું છે તે અભિનંદનીય છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, બેન્કસનો ઓવર ઓલ પરફોમન્સ લોન-ધિકાણ સહાયમાં સકારાત્મક છે. આમ છતાં, ઊદ્યોગકારોના નાના-મોટા પ્રશ્નો, સૂચનો સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ S.L.B.Cમાં વિચારણામાં લઇ તેનું સત્વરે યોગ્ય નિવારણ થાય તેવું સૂચન તેમણે કર્યુ હતું.
નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, ઊદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તેમજ આર.બી.આઇ ના રિજીયોનલ ડિરેકટર શ્રી પાણિગ્રહી, એસ.એલ.બી.સી-કન્વીનર શ્રી બંસલ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, રાષ્ટ્રિયકૃત બેન્કસના ચીફ જનરલ મેનેજરશ્રીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.
રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ, રાજકોટ એન્જીનીયરીંગ એસોસિયેશનના પદાધિકારીઓએ આ બેઠકમાં MSMEને સ્પર્શતી વિવિધ રજૂઆતો કરી હતી.
એસ.એલ.બી.સી ના કન્વીનર શ્રી બંસલે રાજ્યમાં રાષ્ટ્રિયકૃત બેન્કો સહિતની ૪૦૪૮ શહેરી, ર૩૩૭ અર્ધ શહેરી અને ૩પ૯ર ગ્રામીણ મળી કુલ ૯૯૭૭ શાખાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ગ્રાહક અને ઊદ્યોગલક્ષી સેવાઓનું અને લોન, ધિરાણ સહાયની વિવિધ બાબતોનું વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ MSME ઊદ્યોગો માટેની ગાઇડ લાઇન્સ અને યોજનાઓના સંકલન સાથેના કોમ્પોડીયમનું વિમોચન કર્યુ હતું.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના ચીફ જનરલ મેનેજર શ્રી સમશેરસિંઘે સૌનો આભાર વ્યકત કર્યો હતો.