પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યુ કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સૌથી શ્રેષ્ઠ વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ- ૨૦૨૨નું સુદ્રઢ આયોજન કરાયુ છે. આવતી કાલે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્હી ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ-૨૦૨૨ સંદર્ભે રોડ શોમા સહભાગી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકર પણ સહભાગી થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ધદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે.આગામી જાન્યુઆરી 2022 માં યોજાનારી આ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની ગાથાને વધુ ગતિથી આગળ વધારશે.ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની 10મી શ્રૃંખલાના પ્રારંભમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારે રૂ. 24 185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે 19 જેટલા
MOU (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે.આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે. આગામી સમયમા પણ સમિટ સુધી એમ.ઓ.યુની આ શૃંખલા ચાલુ રહેશે.
તેમણે ઉમેર્યુ કે,વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ વિદેશમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે., ફ્રાન્સ, જાપાન, દુબઈ, અબુધાબી તથા મિડલ-ઇસ્ટના દેશોમાં વિવિધ વિભાગના સચિવશ્રીઓ રોડ શો માટે જશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૮ અને ૯મી ડિસેમ્બરના રોજ દુબઇ અને આબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થશે. જ્યારે દેશભરના વિવિધ ૬ જેટલા રાજ્યોના મેટ્રોપોલિટન શહેરમાં પણ રોડ શોનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૫મી નવેમ્બરના રોજ દિલ્હી ખાતેના રોડ શોમાં સહભાગી થશે તે ઉપરાંત મુંબઇ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલોર ખાતે યોજાનાર રોડ શોમાં મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.
તેમણે કહ્યું કે એમએસએમઇ ઉધોગ ક્ષેત્રે લોકોને માહિતી મળે એ માટે તા.૧૦મી જાન્યુઆરીથી ત્રિદિવસીય ગ્લોબલ ટ્રેડ શોનું હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે. આ ટ્રેડ ફેર શોની થીમ ‘‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ રાખવામાં આવી છે.
મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં ૪૦ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોની કેટેગરીમાં ગુજરાતનું અમદાવાદ પ્રથમ ક્રમાંકે, વિવિધ રાજ્યોના પાટનગરની શ્રેણીમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર પ્રથમ ક્રમાંકે જ્યારે સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર પ્રથમ ક્રમાંકે જ્યારે સુરત બીજા ક્રમાંકે રહ્યું છે. ટીમ ગુજરાતના અથાગ પ્રયત્નો અને નાગરિકોના સહયોગથી આજે ગુજરાતે સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મંત્રી શ્રી વાઘાણીએ આદિજાતિ વિભાગ સંદર્ભે જણાવતા કહ્યું કે, આદિજાતિ વ્યક્તિઓ માટે નવા ૫૦૦૦ આવાસો વધારી કુલ ૧૦,૦૦૦ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલે ૪૫૦૦ જેટલા આવાસોની માહિતી કેબિનેટ બેઠકમાં આપી હતી.
મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું કે, રાજ્યનો ખેડૂત ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ સ્માર્ટ બને તે હેતુ તેમને સ્માર્ટ ફોન માટે ૧૫૦૦ રૂપિયાની મર્યાદામાં સ્માર્ટ ફોનની કિંમતના દસ ટકા આપવાની પહેલ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ અરજીઓ આવશે તો કૃષિ વિભાગ દ્વારા ડ્રો કરી રાજ્યના ખેડૂતોને લાભ આપવામાં આવશે.
મંત્રી શ્રી વાઘાણીએ મહેસૂલ વિભાગ સંદર્ભે માહિતી આપતા કહ્યું કે, ૯,૧૭,૨૨૦ ચો.મી. સરકારી પડતર જમીનની જાહેર હેતુસર ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં જે પડતર જમીનની ફાળવણીના પ્રશ્નો હતા તેનું ઝડપી નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.