બોપલ ડ્રગ્સ કાંડમાં નવો ખુલાસો થયો છે. નશાના રવાડે ચડેલા 600 નબીરાના નામ ખુલ્યા છે. સલૂન સંચાલક વંદિત પટેલના હાઈ પ્રોફાઈલ ડ્રગ્સ રેકેટની ખૂબ ચર્ચા હાલ ચાલી રહી છે. ડાર્ક વેબથી ચાલતા આ ડ્રગ્સ કેસમાં વંદિતના કોલ-ડિટેલ રેકોર્ડ્સમાંથી 600 જેટલાં નામ ખૂલ્યાં છે. જેમાં જાણીતા ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, અધિકારીઓ અને પ્રતિષ્ઠિત પરિવારના નબીરાઓ સામેલ છે.
તપાસમાં એ પણ ખુલ્યું છે કે અમેરિકાથી મારિજુઆના અને મેજિક મશરૂમ સહિત 100 કિલોથી વધુ હાઈ પાર્ટી ડ્રગ્સ વંદિત મંગાવી ચૂક્યો છે. ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને પ્રતિષ્ઠિત કહી શકાય તેવા પરિવારોનાં સંતાનોનાં નામો ખૂલ્યાં છે. જોકે આનાથી કશું પુરવાર નથી થતું, પરંતુ પોલીસે આમાંના ઘણા નબીરાઓના પરિવારોનો સંપર્ક કર્યો હોવાનું પણ આંતરિક સૂત્રોએ જણાવ્યું છે.
જોકે કોઈ પોલીસ અધિકારીઓએ આ અંગે પુષ્ટિ કરી નથી પરંતુ અગાઉ ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી ચુક્યા છે કે, મારી પાસે ડ્રગ્સ લેનારા નબીરાઓનું 1000 જણનું લિસ્ટ છે, પરંતુ આ બધાને પહેલી ભૂલ માફને ધોરણે એક તક આપીએ છીએ. આમ છતાં કોઈ આવા યુવાનોના પરિવારને હેરાન કરે તો તરત મારો સંપર્ક સાધવો. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા નબીરોના પરિવારો, મોટા ગજાના લોકોને ફોન કરવામાં આવ્યા છે, એક બિલ્ડરનો પુત્ર ચાર દિવસ અગાઉ દુબઈ ભાગી ગયો છે, જ્યારે બીજાએ ‘પતાવટ’ની પ્રક્રિયા શરૂ કરી છે.