ગાંધીનગર
ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ફુટતા રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા છે. રાજ્યના યુવાનોના સરકારી નોકરીઓ મેળવવાના સપનાઓ રોળાયા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડીને શિક્ષિત યુવાનોને રોજગારીના સપનાઓ દેખાડવામાં આવે છે, પરંતુ હકીકતે તેનો અમલ કરવામાં આવતો નથી, ભરતી કેલેન્ડર માત્રને માત્ર ચોપડા પર જ રહી જાય છે.
હેડ કલાર્કની પરીક્ષાનું પેપર રૂપિયા ૩૦ લાખમાં વેચાયાનું બહાર આવ્યું છે અને ખાનગી પ્રેસના માણસ દ્વારા પણ રૂપિયા ૯ લાખમાં પેપર વેચાયાનું બહાર આવ્યું છે, તેમછતાં આ અંગે મુખ્યમંત્રીશ્રી અથવા ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસીત વોરા દ્વારા શિક્ષિત યુવાનો માટે કોઈ સંવેદના વ્યક્ત કરવાની તસ્દી લેવાઈ નથી કે કોઈ બાંહેધરી પણ આપવામાં આવી નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે.
રાજ્ય સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પૂરાવો છે. પહેલેથી બેકારીનો ભોગ બનેલા રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવા પડે છે. બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં એક વખત વધુ વધારો કરવાનું રાજ્યની ભાજપ સરકારમાં બન્યું છે જે અત્યંત નીંદનીય છે.
ગૌણ સેવા પસંદગી મંડળ ફકત્ત ભ્રષ્ટાચારીઓ માટે જ કામ કરતું હોઈ તેવું લાગે છે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મળતિયાઓને પાછલા બારણે ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સરકાર દ્વારા પહેલાં તો પરીક્ષામાં ૭૨ કલાક સુધી પેપર નથી.૨૦ ફૂટ્યાનું રટણ ચાલુ રાખ્યું હતું, ત્યારબાદ દબાણ વધતાં પેપર ફુટ્યાનું સ્વીકારવામાં આવેલ. પેપર ફુટ્યાનું સ્વીકાર્યા બાદ નાની માછલીઓને પકડીને મોટા મગર-મચ્છને છોડી દેવામાં આવે છે. પેપર ફુટવાના સમગ્ર કૌભાંડમાં દેખાડા પૂરતી જ કલમો ઉમેરવામાં આવી છે. સરકારની આવી કામગીરીના લીધે સરકાર ઉપર શંકા ઉભી થાય છે. દર વખતે જયારે-જયારે પેપર ફુટે છે ત્યારે ઔપચારીકતા પુરતી ફરીયાદ દાખલ થાય છે અને માત્ર લાભાર્થી અથવા તો પેપરનો ફેલાવો કરવાવાળા લોકો પકડાય છે પરંતુ સમગ્ર ઘટનાના મુળ સુધી જવાનો પ્રયત્ન કયારેય થયો નથી. ભૂતકાળમાં જેટલી વખત પેપર ફુટવાની ઘટનાઓ બની છે તેમાંથી બોધપાઠ લઈ કૌભાંડના મુળ સુધી પહોંચ્યા હોત તો કૌભાંડકારીઓ ઉપર દાખલો બેસાડી શકાયો હોત પરંતુ તેવું ન થવાના લીધે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થયા કરે છે.
સરકારના પોતાના પ્રિન્ટીંગ પ્રેસ હોવા છતાં ખાનગી પ્રેસમાં પરીક્ષાઓના પેપર છપાવવાનું શું કારણ છે તે સમજી શકાતું નથી, શું સરકારને પોતાના પ્રેસ પર વિશ્વાસ નથી ? ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની પરીક્ષાના પેપર છાપવાની કામગીરી જે પ્રિન્ટીંગ પ્રેસને સોંપવામાં આવી છે તે પ્રિન્ટીંગ પ્રેસની સામે અગાઉ પેપર ફુટવાની ઘટનામાં સંડોવણી સામે આવેલ છે, તેમછતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસીત વોરા દ્વારા ભૂતકાળમાં પેપર ફુટવાના ગુનાહિત ઈતિહાસ ધરાવતા પ્રિન્ટીંગ પ્રેસને કામગીરી સોંપવામાં આવી છે તે દર્શાવે છે કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષની ભૂમિકા શંકાસ્પદ છે.
ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં વર્ષ-૨૦૧૪માં રેવન્યુ તલાટી, વર્ષ ૨૦૧૫-ચીફ ઓફીસર-પંચાયતી તલાટી, વર્ષ-૨૦૧૮માં પોલીસ રક્ષક દળ, વર્ષ-૨૦૧૮ શિક્ષકોની ભરતી પુર્વેની કસોટી-ટાટ, વર્ષ-૨૦૧૯માં બિન સચિવાલય કલાર્ક, વર્ષ ૨૦૨૧-ડીજીવીસીએલમાં વિદ્યુત સહાયકના પેપર ફુટવાની સાથે તાજેતરમાં હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફુટયું છે. ગુજરાતમાં ભાજપના શાસનમાં પેપર ફુટવાની ઘટનાઓ વારંવાર બને છે જેના કારણે બરોજગાર યુવાનોને અન્યાય થઈ રહ્યો છે અને સરકાર જેની જવાબદારી છે તેની સામે કડક પગલાંઓ લેવામાં આવતા નથી ત્યારે સરકારની નીતિ અને નૈતિકતા ઉપર અનેક સવાલો ઉભા થાય છે.
ગુજરાતમાં ૨૦ લાખ કરતાં વધુ શિક્ષિત બેરોજગારો છે. પેટે પાટા બાંધીને મા બાપ સંતાનોને ભણાવતા હોય છે. આજની શિક્ષણ નીતિના કારણે રાજ્યમાં ગરીબ પરીવારોને સંતાનોને ભણાવવા માટે દેવું કરવું પડે છે. નોકરી માટે દિકરા-દિકરીને ટયુશન કલાસમાં મોકલીને વર્ષો સુધી પરીક્ષાઓ અપાવી સરકારી નોકરી મળવાની આશા રાખીને બેઠા હોય છે ત્યારે સરકારની અને ગૌણ સેવા પસંદગી મંડળની મીલીભગતના કારણે આવા આશાસ્પદ યુવાનોના મા-બાપની આશાઓ પર પાણી ફરી વળે છે અને વિદ્યાર્થીઓ પોતે પણ વર્ષો સુધી માનસિક યાતના ભોગવી સતત પરીક્ષાના, દબાણમાં રહે છે અને આવા યુવાનો આપઘાત કરવા સુધીના પગલાંઓ ભર્યાના બનાવો પણ સામે આવે છે.
કોંગ્રેસની માંગણીઓ
(૧) પરીક્ષાનું પેપર ફુટવાની તપાસ નામદાર હાઈકોર્ટના સીટીંગ જજ મારફત કરાવવામાં આવે.
(૨) પેપર ફુટવાની નૈતિક જવાબદારી સ્વીકારીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસીત વોરા રાજીનામું આપે.
(3) નૈતિક જવાબદારી સ્વીકારી અસીત વોરા રાજીનામું આપવા તૈયાર ન હોઈ તો રાજ્ય સરકાર તેઓના પાવર વાપરીને હકાલપટ્ટી કરે.
(૪) પેપર ફુટતા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવે તે જ દિવસે પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરવામાં આવે.
(૫) વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે લાખો રૂપિયાની ફી ભરી-ટયુશન કલાસ, મોટા શહેરોમાં રહેવા-જમવાના ખર્ચાઓ કરીને તૈયારી કરી હોઈ છે, ત્યારે પરીક્ષા રદ થતાં મહિનાઓ સુધી પુનઃ પરીક્ષા ન લેવાતા પુનઃ કલાસ અને તૈયારી કરવા લાખો રૂપિયાના ખર્ચાઓ થાય છે તેથી પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને વ્યાજબી વળતર આપવામાં આવે.
(૬) પુનઃ પરીક્ષા ન લેવાય ત્યાં સુધી ઉમેદવારોને માસિક રૂ.૫,૦૦૦/- ટયુશન કલાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ખર્ચ પેટે ચૂકવવામાં આવે.