સુરત
આજ રોજ તારીખ 21 ડીસેમ્બર, મંગળવારના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે શિક્ષણ સમિતિની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને શિક્ષણ સમિતિમાં વિરોધ પક્ષના નેતા રાકેશ હિરપરાએ નીચેની બાબતોને ઉજાગર કરીને એનો વિરોધ કર્યો હતો તેમજ સાથે સાથે ગુણવત્તાસભર શિક્ષણ માટે એકદમ અત્યંત જરૂરી એવી રજૂઆતો પણ કરી હતી.
1. 13 ડીસેમ્બરના રોજ યોજાયેલી બજેટની સામાન્ય સભાના અહેવાલ(રેકોર્ડ)માંથી મોટાભાગના સભ્યોના નિવેદનોને ગાયબ કરી દેવામાં આવ્યા હતાં. મીડિયા મિત્રો સાક્ષી છે કે 13 ડીસેમ્બરની આ બજેટ સભા લગભગ 4-5 કલાક ચાલી હતી અને એમાં સત્તાપક્ષ-વિપક્ષના તમામ સભ્યોએ પોતાના મંતવ્યો રાખ્યા હતાં પણ અહેવાલ(રેકોર્ડ)માં ફક્ત એક-બે સભ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા હતાં. સત્તા પક્ષના જ સમિતિના સભ્યો એવા રંજના ગોસ્વામી, રાજેન્દ્ર કાપડિયા, રાજેન્દ્ર પટેલ, નિરંજના જાની, સંજય પાટીલ, અરવિંદ કાકડીયાના એક પણ નિવેદનો રેકોર્ડ પર લેવામાં આવ્યા નહોતા. આ ઉપરાંત, જે એકાદ-બે સભ્યોના નિવેદનો રેકોર્ડ પર લેવામાં આવ્યા હતાં એ પણ કાપ-કૂપ કરીને લેવામાં આવ્યા હતાં. આ લોકશાહી અને સભાની મર્યાદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.
2. શિક્ષણ સમિતિના અહેવાલ પ્રમાણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કુલ મળીને લગભગ 7150 બેંચ(પાટલીઓ)ની અછત છે પણ આની ખરીદીમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે, જે સૂચિત કરે છે કે સમિતિની પ્રાથમિકતા બાળકોને પાયાની સુવિધાઓ આપવાની નથી.
3. દરેક બાળકને એક જોડી યુનિફોર્મ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે બાળકના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ એ બાબતે કોઈ ચર્ચા આગળ વધારવામાં આવી નહી.
4. શાળાઓમાં યોજવામાં આવનાર વાલીદિન નિમીત્તે ફક્ત ધારાસભ્યો અને સાંસદોને જ આમંત્રણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જે બતાવે છે કે સમિતિ શિક્ષણનું ભાજ્પીકરણ કરવા માંગે છે. સૌ જાણે છે કે સાંસદો અને ધારાસભ્યો ભાજપના છે. કોર્પોરેટર, શિક્ષણ વિદો કે શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવોને બોલાવવાની કોઈ વાત પેટા સમિતિની મિટીંગમાં કરવામાં આવી નથી.
5. શાળાઓની ટાંકી સફાઈ દર 15-20 દિવસે થવી જ જોઈએ પણ આ સમય મર્યાદા લંબાવીને 45 દિવસની કરવાનો નિર્ણય પેટા સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે જે બાળકો અને શિક્ષકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા છે.
6. “ગુરુ વિના જ્ઞાન નહી” શિક્ષક વગર શિક્ષણ કેવી રીતે સંભવ છે ? પણ શિક્ષકોની અછતના મુદ્દે સમિતિએ કોઈ નિર્ણય ન કર્યો. નિર્ણય તો ન કર્યો પણ ચર્ચા પણ કરી નહી. રાકેશ હિરપરા દ્વારા પૂછવામાં આવ્યું કે આ મુદ્દે અત્યાર સુધી સમિતિએ ક્યાં ક્યાં પગલાઓ લીધા છે અને ભવિષ્યમાં શું તૈયારી છે એ અંગે માહિતી આપવામાં આવે પણ એનો કોઈ જવાબ અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યો નહી.
ઉપરના તમામ મુદ્દે વિરોધ પક્ષના નેતા શ્રી રાકેશ હિરપરા દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી પણ વિરોધ પક્ષના નેતા દ્વારા કરવામાં આવેલા વિરોધ બાબતે તેમજ આપવામાં આવેલા સૂચનો બાબતે કોઈ પણ ચર્ચા અધ્યક્ષ દ્વારા ચાલવા દેવામાં આવી નહી કે પૂછવામાં આવેલા સવાલોના જવાબો પણ અધ્યક્ષ તરફથી આપવામાં આવ્યા નહી, જે એકદમ ગંભીર, નિંદનીય અને અલોકતાંત્રિક બાબત છે.