શાંતિપૂરા બ્રીજ અકસ્માત અમદાવાદ
છેલ્લા સાત વર્ષમાં બ્રિજ બાંધકામ / અકસ્માતમાં બે નાગરિકોના મોત અને ૧૪થી વધુ નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અમદાવાદ
ગુજરાતમાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની વારંવાર બનતી ઘટનાઓને પરિણામે ગુજરાતના લાખો નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે. તેમ છતાં ભાજપ સરકારના માર્ગ મકાન વિભાગ અને ભાજપ શાસિત કોર્પોરેશનનું સમગ્ર ઘટનામાં ગુનાહિત મૌન ચિંતાજનક છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવકતા ડૉ. મનિષ દોશી
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, સહિતના જિલ્લામાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની ઘટનાની તટસ્થ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં વારંવાર બનતી બ્રિજ દુર્ઘટનાઓમાં ગુનાહિત બેદરકારી આચરનારા જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટર પર ભાજપ સરકારના આશીર્વાદ હોવાને કારણે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. બ્રિજ બાંધકામ સહિત કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટની લ્હાણી કરતી ભાજપ સરકાર બ્રિજ અકસ્માત / દુર્ઘટના મુદ્દે મૌન કેમ છે ? છેલ્લા સાત વર્ષમાં બ્રિજ બાંધકામ / અકસ્માતમાં બે નાગરિકોના મોત અને ૧૪થી વધુ નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રાજ્યમાં વારંવાર બનતી બ્રિજ દુર્ઘટના બાદ પણ ભાજપ સરકાર જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આડા કાન કરે છે. અમદાવાદમાં શાંતિપુરામાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની ગંભીર ઘટનામાં પણ બ્રિજ નિર્માણની કામગીરી બ્લેકલિસ્ટ કંપની કેમ આપવામાં આવી ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે. ભાજપ સરકારના ‘‘ભ્રષ્ટાચારી મોડલ’’ થી ગુજરાતના સામાન્ય નાગરિકો પરેશાની ભોગવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ, રાજકોટ, મહેસાણા જિલ્લામાં પાંચ જેટલી બ્રિજ અકસ્માતની ઘટનામાં બે નાગરિકોના પોતાનો જીવ ગુમાવ્યો છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે ગુજરાતમાં સાત જેટલા બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની ઘટનાઓમાં થયેલી ગુનાહિત બેદરકારી માટે જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર સામે તાત્કાલીક તટસ્થ તપાસ કરવામાં આવે અને નક્કર પગલા ભરવામાં આવે.
………………
1. ૨૦૨૨ માધાપર ચોકડી. રાજકોટ – માધાપર
2. ૨૦૨૧ શાંતિપુરા – મુમતપુરા. અમદાવાદ
3. ૨૦૨૦ ફ્લાય ઓવર (દિવાલ) આજી ડેમ ચોકડી. રાજકોટ
4. ૨૦૨૦ મહેસાણા બાય પાસે, પોદાર સ્કુલની બાજુમાં. મહેસાણા
5. ૨૦૧૯ સટોડાક ગામ, જામનગર – જુનાગઢ રોડ. રાજકોટ
6. ૨૦૧૬ પીપલોદ ફ્લાય ઓવર Anuvratdwar ઉધના રોડ. સુરત
7. ૨૦૦૭ ઉધના દરવાજા, મજુરા ગેટ અને આઠવા લાઈનને જોડતો બ્રીજ. સુરત