ગ્રામ પંચાયતોને જાહેર વહિવટમાં પ્રાધાન્ય આપવાનો ગુજરાતનો ઇતિહાસ છે:-મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
અમદાવાદ
ગ્રામીણ વિકાસએ પૂજ્ય બાપુનું મહત્વનું સ્વપ્ન હતું. લોકતંત્રને મજબૂત કરવામાં પંચાયતી રાજ વ્યવસ્થાનું ખુબ મહત્વ છે તેમાં પરિણામલક્ષી ગતિ, પરિવર્તન લાવવાનું કામ સરપંચો – જનપ્રતિનિધિઓ કરે છે ત્યારે ગુજરાત રાજ્યની પંચાયતી રાજ વ્યવસ્થા સમગ્ર દેશ માટે પ્રેરક બનશે તેવો વિશ્વાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્ત કર્યો છે.
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં જનપ્રતિનિધિઓને સંબોધતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતએ ગાંધી અને સરદારની ભૂમિ છે. પૂજ્ય બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભરતાની વાત કરી છે. આપણે જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે પૂજ્ય બાપુના ગ્રામ વિકાસ અને આત્મનિર્ભરતાના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ કટિબદ્ધ બનીએ.
રાજ્યભરમાંથી ઉપસ્થિત રહેલા જનપ્રતિનિધિઓનું અભિવાદન કરતા શ્રી મોદીએ કહ્યું કે કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો, પરંતુ દેશભરના ગામડાઓની સ્વયં જાગૃતિએ કોરોનાને હરાવ્યો છે. ગામડાઓએ કોરોના નિયંત્રણ માટે પોતે અનેક નિયમો બનાવ્યા. તેને પગલે કોરોનાના કાળખંડમાં ગામડાઓ કોરોનાને સફળતાપૂર્વક દુર રાખી શક્યા તે માટે સૌ અભિનંદનના અધિકારી છે.
રાજ્યની પંચાયત વ્યવસ્થામાં મહિલાઓના યોગદાનનો ઉલ્લેખ કરી વડાપ્રધાન શ્રી મોદીએ કહ્યું કે રાજ્યની પંચાયત વ્યવસ્થામાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર છે. સાથેસાથે રાજ્યમાં સમરસ પંચાયતનો અભિગમ સફળતાપૂર્વક અમલી બન્યો છે. એક સમયે ગામડાઓમાં ચુંટણીના પગલે કુસંપ વધવાની સ્થિતિને કારણે વેરઝેર જોવા મળતું હતું. વડાપ્રધાન શ્રીએ શ્રી વિનોબા ભાવેનું સ્મરણ કરતા કહ્યું કે તેઓ હંમેશાં કહેતા કે બધા સહમતીથી ગામના પ્રતિનિધિ નક્કી કરે તો ગામમાં સંપ જોવા મળે તે વાત આજે ગુજરાતે સાચા અર્થમાં સાકાર કરી છે.
શ્રી મોદીએ કહ્યું કે મુખ્યમંત્રી તરીકે તેમના કર્તવ્યકાળમાં રાજ્યની પંચાયતી વ્યવસ્થામાં મહિલાઓના યોગદાનને બળ પૂરું પાડવાનો નવતર અભિગમ તેમણે અપનાવ્યો હતો. “ગામમાં કોઈને ગરીબ નથી રહેવા દેવા” તેવો સંકલ્પ લેવા જનપ્રતિનિધિઓને તેમણે આહ્વાન કર્યું હતું. કોઇપણ જવાબદારીને સામુહિક રીતે વહન કરવાની સક્ષમતા જ આપણી તાકાત છે તેમ તેમણે ઉમેર્યું હતું.
યોજાયેલા પંચાયતી રાજ મહાસંમેલનમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જનમેદનીને હાકલ કરતા કહ્યું હતું કે, રાજ્યના ૧.૫ લાખ જનપ્રતિનિધિઓ સમુહમાં વિકાસનું ચિંતન કરે તે જ સૌથી મોટું કામ છે. આપણી શાળાઓ ગામની પ્રાણ શક્તિ છે ત્યારે શાળામાં ભણેલા લોકોને સામુહિક ચિંતન માટે ભેગા કરવાનો અનુરોધ કરી શ્રી મોદીએ કહ્યું કે, રાજ્યનું દરેક ગામ ઓગસ્ટ – ૨૦૨૩ સુધી ઓછામાં ઓછી ૭૫ દિવસ પ્રભાતફેરી યોજી રાષ્ટ્ર ભક્તિની જનચેતના જગાવવાનું કામ કરે તે સમયની માંગ છે. આ ફેરી દરમ્યાન ગાંધી-સરદાર-ભગતસિંહ સહિતના અનેક નામી અનામી વીરોના બલિદાનોને યાદ કરીએ તો નવી પેઢીમાં પણ રાષ્ટ્ર ભક્તિના સંસ્કારનું સિંચન કરી શકીશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને સાર્થક બનાવવા શ્રી મોદીએ પ્રેરક સુચન કરતા કહ્યું કે ગામ આખુ ભેગું થાય અને ગામમાં ૭૫ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ કરીને આપણે પર્યાવરણ જાળવવાનું પણ કામ કરી શકીશું. ગામમાં બહારથી આવનાર વ્યક્તિને ગામ પ્રત્યે લગાવ-રૂચિ વધે, સુંદરતા વધે તેવા પ્રયાસ ચુંટાયેલા જનપ્રતિનિધિઓ કરશે તો વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરી શકીશું. આવું નાનકડું વન નિર્માણ કરવા શ્રી મોદીએ સૌને અનુરોધ કર્યો હતો.
ગુજરાતના રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ ધરતીમાતાને સામર્થ્યવાન બનાવવા પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે ગામના ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કરતા શ્રી મોદીએ કહ્યું કે ધરતીમાતાને આપણે રસાયણિક તત્વોથી પીડા આપીએ છીએ પણ હવે આપણે ધરતીમાતાને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી પીડામુક્ત કરીએ અને તેનાથી પર્યાવરણ સુરક્ષા સાથે નાણાં પણ બચશે એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી મોદીએ કહ્યું કે એક સમય હતો કે ગુજરાત બે ત્રણ વર્ષના અંતરાલે દુષ્કાળનો સામનો કરતુ હતું. ત્યારે આપણે જળસંચય માટે ખેતતલાવડી – બોરીબંધ – ચેકડેમના નિર્માણનો નવતર અભિગમ અપનાવ્યો હતો. અને ૧ લાખથી વધુ બોરીબંધનું નિર્માણ કર્યું હતું.
શ્રી મોદીએ કહ્યું કે આજરીતે જળસંચય દ્વારા ભૂર્ગભજળ ઊંચું લાવવાનો આપણે સૌ સંકલ્પ કરીએ. ગામડાઓમાં જ્યાં પણ નાના વહેળા-વહેણ હોય ત્યાં ૭૫ ખેતતલાવડી બનાવવાની જનપ્રતિનિધિઓને તેમણે હાકલ કરી હતી.
પશુધનને બચાવવા માટે રસીકરણનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ કહ્યું કે આપણા ગામડાઓમાં પશુઓને ખડ્પગાનો રોગ થતો હોય છે ત્યારે જીવદયાના મહત્વના કાર્યક્રમ માટે ભારત સરકારે ૧૩ હજાર કરોડ રૂપિયા પશુઓના રસીકરણ માટે ફાળવ્યા છે. ત્યારે રાજ્યના પશુધનને આ રોગથી મુક્ત કરવાનું કરુણામય કામ કરવું જરૂરી છે. કેન્દ્ર સરકાર આ માટે ચિંતિત છે પણ રાજ્યના સૌ પશુપાલકો તેના લાભ લેવા જાગૃત બને તે સમયની માંગ છે.
ગામડામાં સ્ટ્રીટ લાઈટ કે ઘરવપરાશમાં એલ.ઈ.ડી.બલ્બ લગાવાની હાકલ કરી શ્રી મોદીએ કહ્યું કે વીજળી બચાવવી એ આપણી ફરજ છે. ગામના નિવૃત સરકારી કર્મચારીઓ મહિનામાં એક વખત મળીને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના વધુને વધુ લાભો પોતાના ગામને કેવી રીતે મળે તે માટે સક્રિય બને તે જરૂરી છે. સાથેસાથે ગામનો જન્મદિવસ ઉજવી ગામની બહાર અન્ય સ્થળોએ રહેતા લોકોને નિમંત્રણ આપીએ તો ગામ વિકાસનું નવું સીમાચિહ્નન પ્રસ્થાપિત કરશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
ટેકનોલોજીના વ્યાપના પગલે ઓપ્ટીકલ ફાઈબર આજે ગામડાઓ સુધી પહોચ્યા છે ત્યારે ટેલી મેડીસીન, ટેલી એજ્યુકેશનનો લાભ લેવા જનપ્રતિનિધિઓ સક્ષમ બને. ગામડામાં કોમન સર્વિસ સેન્ટરનો અભિગમ કાર્યવિન્ત કર્યો છે. તેનો ગામની નાનામાં નાની વ્યક્તિ લાભ લઇ સમય – નાણાની બચત કરી શકશે તેમ પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી મોદીએ કહ્યું કે, રાજ્યનું કોઇપણ બાળક શાળા છોડીને ન જાય, પ્રત્યેક બાળક આંગણવાડી – શાળામાં દાખલ થાય તે માટે સંકલ્પબદ્ધ બની સમયદાન કરે તેવો જનપ્રતિનિધિઓને અનુરોધ કરી તેની નિયમિત મુલાકાત લેવા સુચન કર્યું હતું. મહિલાઓ સમાજનું સામર્થ્યવાન અને અભિન્ન અંગ છે ત્યારે રાજ્યના ૫૦%થી વધુ ગામમાં મહિલાઓ ચુંટાઈને પ્રતિનિધિત્વ કરે છે સમાજમાં ગામ માટે મમતા જાગે તે માટે મહિલાઓ આગળ આવે. પુ. લાલબહાદુર શાસ્ત્રીએ જે ગામ ચોક્કસ શરત પૂર્ણ કરે ત્યાં રાત્રી નિવાસ કરવાનો સંકલ્પ કર્યો હતો તે પુરવાર કરે છે કે ગામડા કેટલા સામર્થ્યવાન બની શકે છે. ચૂંટાયેલી મહિલાઓ – પ્રતિનિધિઓ લોકતંત્રની શક્તિઓને પરિણામલક્ષી રીતે ઉજાગર કરે.
ચુંટણીના પરિણામોને ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું કે ગઈકાલે ચાર રાજ્યોમાં લોકતંત્રની શક્તિએ નવા પરિમાણો પ્રસ્થાપિત કર્યા છે ત્યારે “પંચાયતી રાજ” દિવસની પરિણામલક્ષી રીતે ઉજવણી કરીને લોકતંત્રમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવા સૌને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરપંચોને દેશના સર્વોચ્ચ નેતૃત્વનું સીધું માર્ગદર્શન-સંવાદની આ ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે કહ્યું કે, ગ્રામ પંચાયતોને જાહેર વહિવટમાં પ્રાધાન્ય આપવાનો ગુજરાતનો ઇિતહાસ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગામડાઓના વિકાસને વેગવંતો બનાવવા પ્રધાનમંત્રીશ્રીએ નાણાપંચ દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કર્યો તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ આત્મનિર્ભર ગ્રામ યાત્રા અને ગાંધીજયંતિ અવસરે આયોજીત ગ્રામસભાઓની સફળતાની ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન નિયમિત ગ્રામસભાઓનો જે ઉપક્રમ હાથ ધરેલો તેના જ પદચિન્હો પર રાજ્ય સરકાર ચાલી રહી છે. ગામડાઓમાં લોકો વચ્ચે જઇને એમના પ્રશ્નો સમસ્યાઓ જાણી તેનું નિવારણ લાવવામાં આવે છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ નાગરિકોને ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓ સરળતાથી મળે તે માટે ૧, હજારથી વધુ ગામોમાં ઇ-ગ્રામ કેન્દ્રો બ્રોડબેન્ડ કનેક્ટીવીટી સાથે શરૂ કર્યા છે તેની પણ વિગતો આપી હતી.
તેમણે ગુજરાતમાં ૮પ લાખ ગ્રામીણ ઘરોમાં નળ જોડાણ, ૩ લાખ ૮ હજાર ગ્રામીણ આવાસોની પૂર્ણતા સહિતના ગ્રામીણ ક્ષેત્રે થયેલા જનહિતકારી વિકાસ કામોની છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રીને એવો વિશ્વાસ પણ આપ્યો કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ગુજરાતની પ્રત્યેક ગ્રામ પંચાયત આત્મનિર્ભર પંચાયત બનીને સહયોગ આપશે.
પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજા જણાવ્યું હતું કે, મજબૂત ગ્રામ પંચાયતો આત્મનિર્ભર ગામનો આધાર છે ત્યારે સરપંચ સહિતના તમામ પદાધિકારીઓ સાથે વડાપ્રધાનશ્રીના પરિસંવાદનું આ મહાસંમેલન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આલેખાશે. ત્રિસ્તરીય પંચાયતી માળખું ગુજરાતના વિકાસ રથનું ચક્ર છે જે વિકાસની ગતિને વિશેષ વેગ આપે છે.
મંત્રીશ્રી મેરજાએ ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ગ્રામ પંચાયતોને દેશના વિકાસ માટે પાયાનું એકમ ગણી તેના પર વિશેષ ફોકસ કર્યું હતું અને ગ્રામ પંચાયતોમાં ચેતના લાવવા અનેક પ્રયત્નો કર્યા હતા. ગુજરાતમાં ઈ-ગ્રામના બીજ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રોપ્યા હતા જે આજે વાઇફાઇયુક્ત ગ્રામ થવાની દિશામાં છે. રાજ્યના યુવાનોની શહેર તરફની દોડ અટકાવવા ગામડાઓને જ અદ્યતન અને સુવિધાસભર બનાવવાનો સરકારનો સંકલ્પ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન પદ ઉપર શ્રી નરેન્દ્રભાઇ મોદી બિરાજ્યા, ત્યાર બાદ તેમણે ૧૪માં નાણાં પંચમાં રૂ.૮,૧૩૨ કરોડ ફાળવ્યા અને ૧૫માં નાણાં પંચમાં રૂ. ૧૫,૬૫૦ કરોડ ફાળવી પંચાયતી માળખાને વધુ મજબૂત બનાવ્યા છે.
આ પ્રસંગે પંચાયતીરાજને લગતી કોફીટેબલ બુકનું વડાપ્રધાન શ્રીના હસ્તે વિમોચન કરાયું હતું. તેમજ રાજ્યમાં સતત પાંચ વર્ષથી સમરસ થયેલા મહિલા સરપંચોનું પ્રતીકરૂપે સન્માન પણ વડાપ્રધાનશ્રીના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી નરહરિભાઈ અમિન, શ્રી હસમુખભાઈ પટેલ, મેયરશ્રી કિરીટભાઇ પરમાર, ભાજપા અધ્યક્ષશ્રી સી આર પાટીલ, ગુજરાત પંચાયત પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી નયનાબેન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, રાજ્ય મંત્રી મંડળના સભ્યો શ્રી, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ગામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલભાઈ મિત્રા ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા