વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું રાજભવન ખાતે હાર્દિક સ્વાગત કરતા રાજ્યપાલ
અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાનનું આગમન થયું ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનો ભાવભર્યો સત્કાર કર્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ સચિવો અને મુલ્કી અધિકારીઓએ પણ પ્રધાનમંત્રીનું અભિવાદન કરીને તેમને આવકાર્યા હતા.વડાપ્રધાનના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મોદીના સ્વાગત પેહલા જણાવ્યું હતું કે ગુજરાત અને ભાજપ એ એક સિક્કાનિ બે બાજુ છે. ગુજરાત અને ભાજપના કર્યકતાઓના જે સંબંધ છે એ અતૂટ છે. ગુજરાતે યુવાનોને સૌથી વધુ રોજગારી આપવાનુ કામ કર્યું છે.
મોદીના રોડ શોના રૂટ પર 50 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેના પર ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખીઓ અને વિવિધ લોકનૃત્યો દર્શાવવામાં આવી રહ્યા છે.
એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયુર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિ માટેની તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીના રોડની સુરક્ષા માટે 4 DIG, 23 DCP, 5 હજાર 550 પોલીસ જવાનનો કાફલો તૈનાત છે. કમલમ ખાતે મોદીનું કમળના ફૂલો વડે તેનો શણગાર કરવામાં આવ્યો છે. ઉપરાંત વડાપ્રધાન મોદીની વિશાળ રંગોળી બનાવવામા આવી છે. તેઓ જ્યારે ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી અને હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ્ય આપ્યું હતું. કમલમ ખાતેની રંગોળીમાં વડાપ્રધાનના તે મિજાજને અનેરો રંગ આપવામાં આવ્યો છે.
વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી કમલમ જવા માટે રવાના થયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પણ પીએમ મોદીની સાથે ખુલ્લી જીપમાં સવાર થયા હતા. વડાપ્રધાન મોદી ઉપરાંત બંને નેતાઓએ માથામાં કેસરી રંગની ટોપી પહેરી છે જે તેમના ભગવા મેજિકની સાક્ષી પૂરી રહેલી જણાય છે.
વડાપ્રધાનના અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન બાદ કમલમ સુધીનો ભવ્ય રોડ શો યોજાયો જેમાં લાખો લોકોની ભીડ જોવા મળી હતી .રસ્તાની બંને બાજુ કેસરીયા શણગારની વચ્ચે વડાપ્રધાનનો કાફલો આગળ વધી રહ્યો હતો ત્યારે લોકો પણ કેસરી રંગના ફુગ્ગાઓ અને બેનર્સ વગેરે સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું .ખુલ્લી થાર જીપમાં સવાર થઈને કેસરી ટોપી પહેરેલા વડાપ્રધાન મોદી જ્યાં જ્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. જીપમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનની સાથે હતા. લોકોની ભારે ભીડ વચ્ચે વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા.આ ઉપરાંત તેઓ વિક્ટરીની સાઈન પણ બતાવી રહ્યા છે.PM ના સ્વાગત માટે અમદાવાદ અને ગાંધીનગરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું. રસ્તાની બંને તરફ કેસરી રંગનો શણગાર જોવા મળી રહ્યો છે અને સમગ્ર વાતાવરણ કેસરીયા રંગમાં રંગાઈ ગયું છે. ગાંધીનગર ખાતે કોબા સર્કલની આસપાસ 2 કિમી વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો .
એરપોર્ટથી કમલમ સુધીના 10 કિમી લાંબા રોડ શો બાદ આશરે 2 કલાકે વડાપ્રધાન મોદીનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો .કમલમના પ્રવેશ દ્વાર ખાતે ફૂલોનો વરસાદ કરીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નીતિન પટેલ સહિતના નેતાઓએ કમલમ ખાતે ફૂલ અર્પણ કરીને વડાપ્રધાન મોદીની ચરણ વંદના કરી હતી. કમલમમાં પ્રવેશ કરતી વખતે વડાપ્રધાન મોદીએ વિક્ટરી સાઈન બતાવી હતી. આ સાથે જ કમલમમાં શંખનાદ કરવામાં આવ્યો હતો, જેની ગુંજ આખા પ્રદેશ કાર્યાલયમાં સંભળાઈ હતી.PM મોદીનાં રોડ શોમાં મોટી સંખ્યામાં મહિલા સમર્થકો પણ જોવા મળી હતી.તેમણે ગરબા પણ શરૂ કર્યા હતા. તેઓ પણ ઉત્સાહથી પ્રધાનમંત્રીના સ્વાગતમાં હાજર રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ રોડ શોમાં લોકો જય શ્રી રામનાં નારા લગાવતા જોવા મળ્યા હતા. લગભગ 50 મિનિટથી આ લોકો ઉત્સાહથી બૂમો પાડીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરી રહ્યા હતા.
એરપોર્ટથી કમલમ સુધીના ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન મોદી કમલમ ખાતે ભાજપના ધારાસભ્યો, સાંસદો, પક્ષના હોદ્દેદારો સાથે સંવાદ સાધ્યો હતો .બેઠક માટે પદાધિકારીઓ સહિત માત્ર 430 આગેવાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું . સુરક્ષાના કારણોસર સૌ આગેવાનોને ડિઝિટલ કિયોસ્કથી જ કમલમમાં પ્રવેશ મળવાનો હોવાથી પોતાના કોઈ વ્યક્તિને ન લાવવા અને પ્રદેશ કાર્યલાયમાં સામૂહિક વાહનમાં આવવા આદેશ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન સાથે સ્ટેજ પર ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ સહિતના 10 નેતાઓ જ બેઠા હતા .વડાપ્રધાનનો આ કાર્યક્રમ એવા સમયે બન્યો છે કે જ્યારે ભાજપને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. ચૂંટણીના પરિણામો પછી મોદીની ગુજરાતની મુલાકાતને ભવ્ય બનાવવા માટે પ્રદેશ નેતાઓ કામે લાગ્યા છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન રાજભવન, ગાંધીનગર ખાતે આવી પહોંચતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજભવનના વરિષ્ઠ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને વડાપ્રધાનનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન, ગાંધીનગર ખાતે કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું હાર્દિક સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સહભાગી થવા કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજભવન, ગાંધીનગર આવી પહોંચ્યા હતા. અત્યારે મોદી રાજભવન પહોચ્યા છે અને રાત્રી રોકાણ પણ કરશે.