અમદાવાદ બાપુનગરના કાઁગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ
સર્વર ડાઉન અને બાયોમેટ્રીક ફીંગર મેચીંગના પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવો.
રેશનકાર્ડમાં સુધારો-વધારો કરવા માટે કચેરીઓમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ તથા કોમ્પ્યુટરની વ્યવસ્થા કરી કામગીરી ઝડપી કરાવો.
ગાંધીનગર
આજે વિધાનસભા ગૃહમાં અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં અમદાવાદ શહેરના બાપુનગરના કાઁગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૧,૨૨૪ કરોડની જોગવાઈ કરી હતી અને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૧,૫૨૬ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. નાણાંકીય જોગવાઈ વધારવામાં આવે છે પરંતુ પ્રજાને સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ રહી છે.
હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની વિચારધારા હરહંમેશ લોકો માટેની રહી છે. કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો લાવવામાં આવ્યો હતો. રાજ્યમાં NFSA (રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા) હેઠળ નોંધાયેલા કુટુંબોની સંખ્યા ૭૦ લાખ જેટલી છે. બીપીએલ કાર્ડ માટે છેલ્લે વર્ષ ૨૦૦૨-૦૩માં સર્વે કરવામાં આવ્યો હતો, એ પછી ૨૦ વર્ષ થયા છતાં સર્વેની કામગીરી કરવામાં આવેલ નથી. કોરોના કાળ પછી ઘણા કુટુંબોની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ગયેલ છે, ત્યારે આવા કુટુંબોને મદદરૂપ થવું સરકારની ફરજ છે. સરકારે બીપીએલ કાર્ડ માટે નવેસરથી તાત્કાલિક સર્વે કરાવી, જરૂરિયાતમંદ લોકોને લાભ આપવો જોઈએ. ગંભીર બિમારીઓ ધરાવતા અને વિધવા બહેનોને પણ બીપીએલ કાર્ડનો લાભ આપવો જોઈએ તેવી માંગણી હિંમતસિંહ પટેલે કરી હતી. NFSA (રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા) હેઠળ સર્વે કરીને લાભાર્થીઓની સંખ્યા વધારવી જોઈએ.
સસ્તા અનાજની દુકાનોની બહાર લાંબી લાઈનો જોવા મળે છે, તપાસ કરતાં ખબર પડે છે કે, સર્વર ડાઉન છે. વડીલ કે વૃદ્ધ વ્યક્તિ હોય તેમના બાયોમેટ્રીક ફીંગર મેચ થતા નથી, જેથી અનાજનો પુરવઠો મેળવી શકતા નથી કે ઘણી મુશ્કેલીઓ બાદ મેળવે છે. સરકારે આ પ્રશ્નનો સત્વરે નિકાલ લાવવો જોઈએ.
પટેલે જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગ દ્વારા દર મહિને મળતા અનાજની મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે પરંતુ અનાજનો પુરવઠો સસ્તા અનાજની દુકાનમાં સમયસર ન પહોંચતો હોવાના કારણે કાર્ડધારકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણના બનાવ બને છે. પુરવઠા વિભાગ દ્વારા એક કિલો તુવેરદાળ મળશે તેવી જાહેરાત કર્યા બાદ તેનો જથ્થો દુકાનોમાં સમયસર પહોંચેલ નહીં, જેના કારણે લોકો અને દુકાનદારોને પણ મુશ્કેલી ભોગવવી પડેલ. વળી, સસ્તા અનાજની દુકાનેથી મળતા અનાજના જથ્થાની ગુણવત્તા નબળી અને નિમ્નકક્ષાની હોય છે. કાર્ડધારકોને માનવતાના ધોરણે ગુણવત્તાયુક્ત અનાજનો પુરવઠો સમયસર મળે તેવી કાર્યવાહી સરકારે કરવી જોઈએ.
હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, રેશનકાર્ડમાં સુધારો-વધારો કરવા માટે ઝોનલ ઓફિસો અદ્યતન હોવી જોઈએ. આવી કામગીરી માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા હોય છે, તેઓ માટે બેસવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, મહિલાઓ માટે બાથરૂમની વ્યવસ્થા કરવી જોઈએ. આવી કચેરીઓમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ તથા કોમ્પ્યુટરની વ્યવસ્થા કરી કામગીરી ઝડપી કરાવવી જોઈએ. હાલ ગુજરાતી ભાષામાં રેશનકાર્ડ આપવામાં આવે છે. આયુષ્યમાન કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવે છે, જેના માટે રેશનકાર્ડની ખાસ જરૂરિયાત હોય છે, રેશનકાર્ડ ગુજરાતીમાં હોઈ અંગ્રેજી ભાષામાં માંગવામાં આવે છે, જેથી નાગરિકોને પુરવઠા કચેરી કે ઝોનલ ઓફિસોમાં ધક્કા ખાવા પડે છે. સરકારે લોકોને સરળતા થાય એવા નિયમો બનાવવા હિંમતસિંહ પટેલે માંગણી કરી હતી.