આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારી
એપ્રિલ 2021થી એપ્રિલ 2022માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો વધારો થયો
કોલસાની કિંમત ઓછી થતી હોવા છતાં જનતાને તેનો લાભ મળ્યો નથીઃ આપ પાર્ટી
અમદાવાદ
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ અમદાવાદમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે સરકારે ગુજરાતની જનતા માથે પ્રાઇવેટ કંપનીના લાભાર્થે બોજ વધારી દીધો ! એટલે દરેક ઘરે વપરાતી વીજળીમાં પ્રતિ યુનિટ વધતો ફ્યુઅલ સરચાર્જ.
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં થયેલો ફ્યુઅલ સરચાર્જ વધારો, જે દરેક પરિવારને અસર કરે છે
એપ્રિલ 2021માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 1.80 રૂપિયા હતો,
જુલાઈ 2021માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 1.90 રૂપિયા થયો,
ઓક્ટોબર 2021માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.00 રૂપિયા થયો,
જાન્યુઆરી 2022માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.10 રૂપિયા થયો,
માર્ચ 2022માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.20 રૂપિયા થયો,
એપ્રિલ 2022માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.30 રૂપિયા થયો.
આમ, એપ્રિલ 2021થી એપ્રિલ 2022માં પ્રતિ યુનિટ 50 પૈસાનો વધારો થયો.
2016 માં ફ્યુઅલ સરચાર્જ 1.20 રૂપિયા હતો તે વધીને એપ્રિલ 2022માં 2.30 રૂપિયા થયો છે. જો આપણા પરિવાર 2 મહિનામાં 200 યુનિટ વાપરે છે તો આપના લાઈટ બિલમાં ક્રમશ વધતા વધતા એક વર્ષમાં 100 રૂપિયાનો વધારો થઇ ગયો છે! 100 રૂપિયાના વધારા ઉપર વધેલો જી.એસ.ટી. અલગ!!
આ ફ્યુઅલ સરચાર્જ કેમ વધી રહ્યો છે:
ગુજરાત સરકારે વર્ષ 2000થી લઈને અત્યારસુધીમાં સરકારી પાવર પ્લાન્ટોને ધીરે ધીરે બંધ કરી દીધા છે. ખાનગી પાવર પ્લાન્ટોએ ગુજરાત સરકારે સાથે 2007માં 25 વર્ષ સુધી ફિક્સ ભાવે પાવર સપ્લાય કરવાના કરારો કર્યા હતા. એટલે કે 2032 સુધી પાવર પ્લાન્ટોએ નક્કી કરેલા ભાવે ગુજરાત સરકારને નક્કી કરેલો વીજ પુરવઠો પૂરો પાડવાનો હતો.
કોલસાના આંતરરાષ્ટ્રીય ભાવો વધ્યા છે એવું બહાનું આગળ ધરીને પાવર પ્લાન્ટ સીઆરસી માં ગયા, સીઈઆરસીએ તા. 2 એપ્રિલ, 2013 અને 15 એપ્રિલ 2013ના હુકમથી પાવર પ્લાન્ટોને રાહત આપી.આ સમયે ગુજરાત સરકાર પાસે અધિકાર હતો કે, પાવર પ્લાન્ટોને પોતાના કરારનું પાલન કરવા ફરજ પડે. એને બદલે સરકારે હુકમ માની લીધો. ગ્રાહક મંડળ અને સ્વૈચ્છિક સંસ્થાએ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, સુપ્રીમ કોર્ટે પાવર પ્લાન્ટોને પોતાનું કમિટમેન્ટ પાળવા કહ્યું, ભાવવધારો માન્ય ના રાખ્યો.ગુજરાત સરકારે પાવર પ્લાન્ટનાં હિતમાં સમિતિની રચના રસ્તો કાઢવાનો નિર્ણય કર્યો,સમિતિએ ભાવવધારો આપવા ભલામણ કરી જે ગુજરાત સરકારે માની લીધી અને સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થયાની એફિડેવિટ કરી સરકારે ગુજરાતની જનતા માથે પ્રાઈવેટ કંપનીના લાભાર્થે બોજ વધારી દીધો ! સેન્ટ્રલ ઇલેકટ્રીસિટી રેગ્યુલરટરી કમિટીએ પાવર પ્લાન્ટોએ માંગેલા ભાવવધારા માટે દિપક પારેખ કમિટીની રચના કરી અને કમિટીએ ભાવધારાની ભલામણ કરીએ એ સ્વીકારીને રેગ્યુલેટરી કમિટીએ ભાવવધારો આપ્યો. મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે રેગ્યુલેટરી કમિટીનો ભાવવધારી આપવાનો હુકમ રદ કર્યો.ગુજરાત સરકાર બિચારા પાવર પ્લાન્ટોને બચાવી લેવા મેદાને આવી અને એક હાઇપાવર કમિટીની રચના કરી. હાઇપાવર કમિટીએ બેન્કોને પૈસા માંડી વાળવા અને કરારોમાં સુધારો કરી ફ્યુઅલ સરચાર્જ વધારવા ભલામણ કરી.એ કમિટીની ભલામણો માની લીધી અને ગુજરાતના દરેક પરિવાર માથે બોજ વધારીને પાવર પ્લાન્ટોને ઘી-કેળા કરી આપ્યા ! ગુજરાતના 1,22,48,428 પરિવારો પૈકી 31.54 લાખ પરિવારો બીપીએલ છે એમના માથે પ્રાઈવેટ કંપનીઓ માટે બોજ નાખ્યો…!
2013 માં કોલસાનો પ્રતિ ટન ભાવ 84 અમેરિકન ડોલર હતો,
2014 માં કોલસાનો પ્રતિ ટન ભાવ ઘટીને 70 અમેરિકન ડોલર થયો,
2015 માં કોલસાનો પ્રતિ ટન ભાવ ઘટીને 58 અમેરિકન ડોલર થયો,
2016 માં કોલસાનો પ્રતિ ટન ભાવ વધીને 66.1 અમેરિકન ડોલર થયો,
2017 માં કોલસાનો પ્રતિ ટન ભાવ વધીને 88.5 અમેરિકન ડોલર થયો,
2018 માં કોલસાનો પ્રતિ ટન ભાવ વધીને 107.0 અમેરિકન ડોલર થયો,
2019 માં કોલસાનો પ્રતિ ટન ભાવ ઘટીને 77.9 અમેરિકન ડોલર થયો,
2020 માં કોલસાનો પ્રતિ ટન ભાવ ઘટીને 60.8 અમેરિકન ડોલર થયો,
ભાવો ઘટ્યા ત્યારે તમારા ઘરના લાઈટ બિલ ઘટ્યા??
જયારે પાવર પ્લાન્ટોએ ગુજરાત સરકાર સાથે કરારો કર્યા ત્યારે એમને ખબર જ હતી કે કોલસાના આંતર-રાષ્ટ્રીય ભાવો રોજે રોજ વધ-ઘટ થતા હોય છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરેલા કરારોમાં નીચા ભાવે ઊંચો નફો ઘર ભેગો કર્યા પછી, સરકારના સહારે ભાવ-વધારો મતદારોને માથે નાખ્યો.
એક અંદાજ અનુસાર ગુજરાતમાં રોજના 169.2 મિલિયન એટલે કે, 16920 લાખ યુનિટ વપરાશ છે. ગણી લો કે ગુજરાતના માથે પ્રાઇવેટ કંપનીઓના લાભાર્થે કેટલો બોજ વધારાયો. રોજના કરોડો રૂપિયા જનતાના ખિસ્સામાંથી સેરવાઈ રહ્યા છે.