920 સ્કવેર કિ.મી.માં પથરાયેલું ઘોલેરા SIR ફયુચરિસ્ટીક સિટી ગુજરાત અને ભારતમાં આવનારા સમયનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન NICDC દ્વારા ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગુજરાતના નાગરિકોને જન્માષ્ટમી પર્વના સવિશેષ અભિનંદન આપતા કહ્યું કે, ભારત આગામી 25 વર્ષમાં વિકાસ અને વિશ્વાસ સાથે આગળ વધશે એમાં સૌ દેશવાસીઓ સંકલ્પબદ્ધ બનશે તો ચોક્કસ આપણા દેશને વિશ્વ ગુરુ બનવાથી કોઈ રોકી શકશે નહીં એવો દૃઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ધોલેરાના વિકાસ માટે અબજો રૂપિયાનું મૂડી રોકાણ આવી રહ્યું છે હાલ 22 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં દશકો સુધી વિકાસ થશે અને જેમાં સિક્સ લેન નેશનલ હાઈવે અમદાવાદથી ધોલેરા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિશ્વનું મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. આ બંને પ્રોજેક્ટ વર્ષ-2024માં શરૂ થશે. ધોલેરા ખાતે વિવિધ માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં વીજળી, પાણી, રિસાયકલ વોટર પ્લાન્ટ અને સ્માર્ટ સિટીની કલ્પના કરાઈ છે જે આગામી સમયમાં સાકાર થતાની સાથે જ ધોલેરા-SIR વિશ્વનો સૌથી મોટો અને શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ ઈન્વેસ્ટમેન્ટ ઝોન બની જશે.ધોલેરા-SIR એ વિશ્વનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે તેનો વિકાસ જોવા માટે આગામી સમયમાં વિશ્વભરના દેશો સહિત વિવિધ રાજ્યોના પ્રતિનિધિ મંડળો આવશે એવો મને વિશ્વાસ છે.
ગોયલે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશી વિચાર PM-ગતિ શક્તિ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન એક અદભૂત વિચાર છે જેમાં 1000 જેટલા વિવિધ જીઓ સ્પેશિયલ મેપ્સથી ફોરેસ્ટ, વાઇલ્ડ લાઇફ, હાઇવે, પાવર પ્લાન્ટ્સ અને 927 મેપ્સ સાથે વિવિધ રાજ્યોનો પણ સમાવેશ થાય છે. દેશમાં પુરા આયોજન થકી BISAGમાં સ્પેશિયલ મેપિંગ દ્વારા ઇન્ટર કનેક્ટ કરવામાં આવ્યું છે જેના કારણે ભવિષ્યનું ઇન્ફ્રાસ્ટ્રકચરનું આયોજનપૂર્વક વિકસાવી શકાય. ગતિ શક્તિ માસ્ટર પ્લાનના કારણે રોડ, હાઇવે અને રેલ્વે ટ્રેકનું પૂર્વ આયોજન સાથે બાંધકામ કરી શકાશે. નિકાસ ક્ષેત્રે દેશ આગળ વધે તે માટે પ્રધાનમંત્રીના નેતૃત્વવાળી સરકાર તત્પર છે તેમ જણાવી મંત્રીએ કહ્યું કે, ભારતે વર્ષ-2021માં રૂ. 50 લાખ કરોડનો નિકાસ કરી છે જે સૌથી વધુ છે અને આવનારા 7-8 વર્ષોમાં બે ટ્રિલિયન ડોલર સુધીની નિકાસ કરવાનો અમારો લક્ષ્યાંક છે જેમાં એક ટ્રિલિયન ડોલર સેવા ક્ષેત્રમાં અને બીજો ટ્રિલિયન ડોલર વેપારી માલ સામાનના નિકાસ પર કેન્દ્રિત કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી ટૂંક સમયમાં નેશનલ લોજિસ્ટિક પોલિસી પણ જાહેર કરાશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 920 સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું ઘોલેરા SIR ફયુચરિસ્ટીક સિટી ગુજરાત અને ભારતમાં આવનારા સમયનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ છે.ભારત સરકારના લોજિસ્ટિક્સના વિશેષ સચિવ તેમજ NICDCના CEO અને MD અમ્રીતલાલ મીણાએ સ્વાગત પ્રવચન આપતાં કહ્યું હતું કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સમગ્ર દેશમાં વિશ્વકક્ષાના મોડેલ ઔદ્યોગિક શહેરોનો વિકાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૪ ઔદ્યોગિક શહેરોનો વિકાસ કરવામાં આવ્યો છે જેમાં ધોલેરા, ઓરિક, વિક્રમ ઉદ્યોગપુરી અને ગ્રેટર નોઈડાનો સમાવેશ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 18 રાજ્યોમાં આવા 32 શહેરોને વિકસિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.આ પ્રસંગે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, NICDCના મુખ્ય કારોબારી અધિકારી શ્રી હારિત શુક્લ તથા અન્ય સ્માર્ટ સિટીના વહીવટી સંચાલકો તથા રોકાણકારો ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન દ્વારા સવિસ્તૃત માહિતી આપી હતી.
કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે ગાંધીનગરમાં ભારત સરકારના ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ યુઝ એન્ડ લેન્ડ ઇન્ફોર્મેટિક્સ (BISAG)ની મુલાકાત લીધી હતી.આ સાથે શ્રી ગોયલે સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે દેશભરના દરેક શહેરમાં ગતિ શક્તિ પ્રોજેક્ટને ખૂબ જ ઊંડાણપૂર્વક અમલમાં મૂકવાનું પણ સૂચન કર્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આગામી દિવસોમાં આ ગતિ શક્તિ પ્રોજેકટ લોકો સુધી સરળતાથી પહોંચે, જેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.દરેક રાજ્યના ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા અધિકારીઓને આગામી દિવસોમાં BISAGની મુલાકાત લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મુલાકાત દરમિયાન BISAGના અધિકારીઓની સાથે ગુજરાત સરકારના અધિકારીઓ પણ જોડાયા હતા.