ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર તેમજ AMC ને અલ્ટીમેટમ આપી સોમવાર સુધીમાં શહેરમાં રખડતા ઢોર હટાવવાનું જણાવ્યું છે. રખડતા ઢોરને કારણે ત્રાસ ભગવતા શહેરીજનોની ચિંતા કરી હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે તંત્રને આડે હાથે લેતા જણાવ્યું છે કે તંત્ર મગરમચ્છ ના આંસુ સારવાનું બંધ કરીને અમદાવાદના રસ્તા ઢોરમુક્ત કરી બતાવે. આમ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ઉધડો લીધો છે.
બુધવારે આ કેસની સુનાવણીમાં ઉધડો લેતા જણાવ્યું છે કે રસ્તે રખડતા અને રઝળતા ઢોરના બેફામ અને નિરંકુશ ત્રાસના મામલે અગાઉ છેલ્લા પાંચ વર્ષથી કોર્ટ આદેશો કરે છે. તેમ છતાંય રખડતા ઢોરનો ત્રાસ સહેજેય ઓછો થયો નથી. નિર્દોષ નાગરિકો ઢોરના હુમલાનો ભોગ બની ઇજાગ્રસ્ત થાય છે. પરંતુ તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે. સરકાર અને તંત્રના તમામ દાવા પોકળ અને માત્ર કાગળ પર વાઘ જેવા છે.જમીન પર કોઈ એક્શન પ્લાન દેખાતો નથી તેમ જ નાગરિકો પર ત્રાસના સાચા જવાબદાર ઢોરના માલિકો સામે પણ પગલાં લેવા જાેઈએ જેથી. હવે કોર્ટને ચોક્કસ સમય નક્કી કરી બતાવે કે અમદાવાદના રસ્તા ક્યારે ઢોર મુક્ત થશે તેમ જ કોર્ટ બપોરે ૪ઃ૦૦ વાગ્યા સુધીમાં તેઓ ઢોરના નિયંત્રણ માટે શું કરવા માંગે છે, તેનો પ્રસ્તાવિત પ્લાન પણ રજૂ કરવાનું ફરમાન કરેલું હતું. આ બાબતે રાજ્ય સરકાર તેમજ AMC ના તંત્રે લૂલો બચાવ કરતા જણાવેલ કે માખી – મચ્છર હેરાન કરતા હોવાથી ઢોર રસ્તા પર આવી જાય છે તેમજ ચાર માસમાં ઢોરના માલિકો સામે ૩૬૩ ફરિયાદો કરી છે, જેથી કોર્ટે તંત્રને જણાવેલ કે શું માત્ર ૩૬૩ તો રસ્તા પર છે? વધુમાં કોર્ટે જણાવેલ કે હવે રસ્તા પર રખડતા ઢોરના લીધે કોઈને ઈજા કે મોત થવા જાેઈએ નહીં.આવતી કાલથી જ યુદ્ધના ધોરણે કામગીરીની તૈયારી કરો. અમે હવે બીજી કોઈ વ્યક્તિ ઢોરના હુમલાને કારણે ઈજાગ્રસ્ત કે મૃત્યુ પામે નહીં ,નહિતર કોર્ટ નવો હુકમ કરશે. અમદાવાદ જેવા શહેરમાં આશરે ૬૭,૦૦૦ ઢોર છે એને માત્ર ૩૦૦ ફરિયાદો જ કરાઈ હોય તો શું તે પૂરતું છે ? શું સરકાર અને તંત્ર ૨૪ થી ૩૦ કલાકમાં એક્શન લેશે ? કોર્ટ કોઈ ઢોરની વિરુદ્ધમાં નથી ,જે કોઈ જવાબદાર છે તે ઢોરના માલિક છે. જેથી તેઓની પાછળ પડીને કાર્યવાહી કરવી જાેઈએ. આ માટે ચોક્કસ સમય આપો કે રસ્તાઓ ઢોર મુક્ત થશે. કોર્ટે તંત્રને વધુમાં પૂછ્યું કે ઢોરને પકડતા કેમ નથી ? જેથી તંત્ર એ લૂલો બચાવ કરતાં લમ્પી રોગચાળો હોવાનું જણાવેલ. જેથી ઢોરને પકડીને એક જ જગ્યાએ સમૂહમાં રાખવાથી રોગચાળો વધુ ફેલાવવાની શક્યતા હોઇ , ઢોર પકડતા નથી. જેથી જવાબમા કોર્ટે ઢોરના માલિકોની સામે કાર્યવાહી કરવા જણાવેલ હતું તેમજ વધુ સુનાવણી ૩૦ ઓગસ્ટે રાખી છે.