GJ-18 ના ક – 7 વીડિયોકોન સર્કલ પર ટ્રકના ચાલકે બાઈક સવાર ટ્રાફિકના હોમગાર્ડ જવાનને અડફેટે લીધો હતો. જેનાં કારણે હોમગાર્ડ જવાન રોડ પર પટકાતા એજ સમયે ટ્રકનું ટાયર પગ પરથી ફરી વળ્યું હતું. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ હોમ ગાર્ડ જવાનને ગાંધીનગર સિવિલમાં પ્રાથમિક સારવાર આપી ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડી ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગાંધીનગરના ક – 7 સર્કલ પાસેના પોઈન્ટ ઉપર આજે ટ્રાફિક શાખાના હોમગાર્ડ જવાન વિષ્ણુભાઈ રબારી પોતાની ફરજ ઉપર હાજર હતા. એ દરમિયાન એક ડમ્પર ટ્રકનો ચાલક પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારીને નિકળ્યો હતો. આથી વિષ્ણુભાઈ બાઈક લઈને ટ્રકનો પીછો કરવા લાગ્યા હતા.
ત્યારે આગળ જઈને ટ્રકના ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. જેનાં કારણે વિષ્ણુભાઈ બાઈક સાથે રોડ પર પટકાયા હતા. એજ ઘડીએ ટ્રક ચાલકે વિષ્ણુભાઈનાં પગ પરથી ટાયર ફરાવી દઈ પૂરપાટ ઝડપે નાસી ગયો હતો. આ બનાવના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગયા હતા.ત્યારે નજીકમાંથી ટ્રાફિક સ્ટાફના જવાન પણ સ્થળ પર દોડી ગયા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે વિષ્ણુભાઈને બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે તેઓને હાઈટેક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં ટ્રાફિક પીઆઈ દેસાઈ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. આ અંગે તેમણે જણાવ્યું હતું કે વાવોલનાં વિષ્ણુભાઈ હોમગાર્ડ તરીકે ફરજ પર હાજર હતા. જેઓ ગંભીર હાલતમાં હોવાથી બનાવની વધુ વિગતો જાણવા મળી નથી.