દેશમાં નેતા બનવા માટે કોઇ લાયકાતની જરૂર નથી.પણ ડ્રાઇવર કંડકટર માટે ૮, ૧૦ કે પછી બહુ બહુ તો ૧૨ ધોરણ પાસ હોવું જરૂરી છે. હવે વિચારો કે જે જગ્યા પર ૮ , ૧૦ કે પછી ૧૨ સુધીની જરૂર હોય તે ડ્રાઇવર કંડકટરની ભરતી માટે ગ્રેજ્યુએટ જ નહીં પરંતુ માસ્ટર ડીગ્રી ધરાવતા યુવાનો લાઇનો લગાવે છે. એટલે કે એમબીએ, એમએ, એમ.ફીલ જેટલો અભ્યાસ કરતા યુવાનો ભરતીમાં લાઇનો લગાવે તો વિચારી શકાય છે કે બેરોજગારીનો દર કેટલો હશે? અને રોજગારી મેળવવા માટે માસ્ટર ડીગ્રી સુધી અભ્યાસ કરી ચૂકેલું આ યુવાધન કોઇપણ કામ કરવા તૈયાર થઇ જાય છે.
આંકડાઓની વાત કરીએ તો થોડા સમય પહેલા જ એસટી વિભાગે ડ્રાઇવર માટે ૨૨૦૦અને, કંડકટર માટે ૨૩૭૯ પદની ભરતી માટે જાહેરાત કરી. જેમાં ૬૦ ટકા એટલે કે ૨૭૦૦ જેટલા ઉમેદવારો માસ્ટર ડીગ્રીવાળા હતા. અહીં નોંધવા જેવી વાત એ છે કે આ માસ્ટર ડીગ્રી ધરાવતા યુવાનો માનો કે ડ્રાઇવર કંડકટર બની પણ જાય તો પણ તે જે જગ્યા પર નોકરી કરે છે ત્યાં તો તેની ડીગ્રીની કોઇ વેલ્યૂ જ નથી થવાનીતેઓની બઢતી તો પેલી ધો.૧૦ , ૧૨ જેટલી જ લાયકાત ગણીને કરવામા આવે છે. એટલે સાદી સરળ ભાષામાં કહીએ તો અહીં ઘોડો ગધેડો બધા જ સરખા ગણવામા આવે છે.સરકારે જાહેર કરેલા આંકડાઓની વાત કરીએ તો આપણે ત્યાં ૩,૪૬,૪૩૬ શિક્ષિત બેરોજગારો, ૧૭,૮૧૬ અર્ધ શિક્ષિત બેરોજગારો છે. જેમાંથી વર્ષ ૨૦૨૦-૨૧માં માત્ર ૧૨૭૮ લોકોને જ સરકારી નોકરી મળી છે.આ છે વરવી વાસ્તવિક્તા, સલામત સવારી ગણાતી એસટીમાં મુસાફરી કરતા મુસાફરો હવે કદાચ એ વાતનો ગર્વ લઇ શકશે કે તેમને મંજિલ સુધી પહોંચાડનાર ડ્રાઇવર સાહેબ માસ્ટર સુધીનો અભ્યાસ કરી ચૂકેલા હશે.પરંતુ તેમની એ માસ્ટરી ડ્રાઇવિંગમાં નહીં પરંતુ તેમના જે તે ચોક્કસ વિષયમાં હશે. એટલે મુસાફરો માત્ર એટલી વાતનો ગર્વ લઇ શકશે કે હવે તો અમારે ત્યાં વિકાસના પર્યાય ગુજરાતમાં ડ્રાઇવર કંડકટર પણ હાઇલી ક્વોલિફાઇડ છે.પરંતુ આજ વિકાસને ઉંધી રીતે જાેઇએ તો બેરોજગારીના આંકડાઓથી વિકાસનું વસ્ત્રાહરણ થઇ જાય છે.