વડાપ્રધાનના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર વિશ્વમાં પાંચમા સ્થાને આવી ગયું છે. ગુજરાત અને કર્ણાટકનો પણ દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
અમદાવાદ
અમદાવાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કર્ણાટક સંઘ-અમદાવાદની 75મી વર્ષગાંઠ નિમિત્તે હીરક જયંતિ સમારોહના ભાગરૂપે યોજાયેલો ‘કર્ણાટક દર્શન 2022’નો શુભારંભ યોજાયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હેરિટેજ સિટી અમદાવાદના આંગણે આજે આયોજિત કર્ણાટક દર્શન- 2022ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહીને આનંદની લાગણી અનુભવું છું. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાની સાથે જ કર્ણાટક સંઘ-અમદાવાદની પણ 75મી વર્ષગાંઠ છે જે એક સુખદ યોગાનુયોગ છે. આજે આઝાદી પછી આટલા વર્ષે આપણને એવું સબળ નેતૃત્વ મળ્યું છે કે આજે આપણે બધા પોતાનું ગામ, પોતાનું શહેર કે પોતાના રાજ્ય કરતાં પોતાના દેશને વધુ મહત્ત્વ આપીએ છીએ અને ‘એક ભારત , શ્રેષ્ઠ ભારત’ ની સંકલ્પના સાકાર કરી રહ્યા છીએ. કર્ણાટકથી વર્ષો પહેલા આવીને અહી વસેલા લોકો આજે અહીંયા દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે. માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતના અવિરત વિકાસમાં આજે ગુજરાતમાં વસેલા આવા સવાયા ગુજરાતીઓનો પણ ફાળો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં હંમેશાં દરેક રાજ્ય એક થઈને દેશની વિકાસયાત્રામાં સહભાગી બને એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયત્નશીલ રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાતે નેશનલ ગેમ્સનું આયોજન કર્યું છે. આટલા ટૂંકા સમયગાળામાં પણ રાજ્યએ દેશભરના રમતવીરોને ઉચ્ચ કક્ષાની સુવિધાઓ પૂરી પાડીને નેશનલ ગેમ્સનું સફળ આયોજન કર્યું છે, જે ગુજરાતના ડેવલપમેન્ટ મોડલ અને સર્વક્ષેત્રે સર્વાંગી વિકાસને લીધે શક્ય બન્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કોવિડ પછી દુનિયાના ઘણા મોટા દેશોના અર્થતંત્ર મુશ્કેલીમાં મુકાયા હતા, પણ આજે આપણું અર્થતંત્ર નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વિશ્વમાં છઠ્ઠા સ્થાનેથી પાંચમા સ્થાને આવી ગયું છે. ગુજરાત અને કર્ણાટકનો પણ દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. આવનારા સમયમાં પણ બંને રાજ્યો આ જ રીતે એક થઈને દેશના વિકાસમાં સહભાગી થતા રહેશે.આ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબત તથા ખાણ ખનીજમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતુ કે, કર્ણાટક સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસની ભૂમિ છે. કર્ણાટકના વિકાસમાં ગુજરાતીઓ પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનના લીધે જ આજે દેશ વૈશ્વિક અર્થતંત્રમાં પાંચમા સ્થાને પહોચ્યું છે, જેમાં ગુજરાત અને કર્ણાટક બંનેનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. ‘હર ઘર તિરંગા’ પ્રસંગે આપણે આપણી અનેરી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. કોરોના સમયે આપણે આટલા બહોળા પ્રમાણમાં રસીકરણ કરીને આપણા સહિયારા પ્રયાસો થકી સફળતાનો વધુ એક પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે કર્ણાટક સંઘ તેના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ પણ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. ભલે આપણે બધા અલગ અલગ રાજ્ય કે શહેરમાં ધંધા રોજગાર માટે વસ્યા હોઈએ, આપણે દરેક રાજ્યોમાં અલગ અલગ જાતિ, જ્ઞાતિ કે સંસ્કૃતિના લોકો વસતા હોઈએ પણ ‘હર ઘર તિરંગા’માં આપણે સૌએ એકસાથે સહભાગી થઈને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું આગવું દૃશ્ય પ્રસ્તુત કર્યું, જે સમગ્ર વિશ્વએ નિહાળ્યું.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આઝાદી સમયે અમદાવાદમાં 100થી વધુ ટેકસટાઇલ મિલો હતી, જેમાં કામ કરવા કર્ણાટકમાંથી ઘણા લોકો આવીને વસ્યા હતા. આજે આ બધા જ લોકો કર્ણાટકના ઓછા અને ગુજરાતી વધુ બની ગયા છે. આજે તેઓ ‘સવાયા ગુજરાતી’ બની ગયા છે. આજે ગુજરાતમાં ટેકસટાઇલ, શિક્ષણ, બેન્કિંગ , સોફ્ટવેર જેવા વિવિધ ક્ષેત્રે કામોથી જોડાયેલા 4 લાખથી વધુ કર્ણાટકના લોકો ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન અર્પણ કરી રહ્યા છે. એ જ રીતે ગુજરાતના યુવાનો પણ આજે મોટી સંખ્યામાં શિક્ષણ માટે કર્ણાટકમાં જાય છે. ગુજરાત અને કર્ણાટકની આ નંબર 1 જોડી છે. ગુજરાતમાં વસેલા તમામ અન્ય રાજ્યોના પ્રજાજનો 2002થી ગુજરાતના સંઘર્ષ અને સાહસની વિકાસયાત્રામાં સહભાગી બન્યા છે અને ગુજરાતના વિકાસરથની યાત્રાના સારથી રહ્યા છે. ગુજરાત અને કર્ણાટકના સંબંધો આ જ રીતે એકમેકના વિકાસમાં યોગદાન આપનારા બની રહેશે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય તે માટે રાજ્ય સરકાર તમામ સહકાર પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ રહેશે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા કર્ણાટક સંઘ,અમદાવાદ-ગુજરાતના અધ્યક્ષ હનુમંત બેન્નુરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 5 લાખથી વધુ કર્ણાટકના લોકો વસી રહ્યા છે. ગુજરાતમાં તેમને હરહંમેશ પોતીકાપણું લાગ્યું છે અને દરેક ક્ષેત્રે તેમને સાથ સહકાર તેમજ અનેરો સ્નેહ સાંપડ્યો છે. આ ઉપરાંત, આ પ્રસંગે કર્ણાટકના મંત્રીશ્રીઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં તેમજ કર્ણાટક સંઘના 75 વર્ષ પૂરા થવા અંગેના સોવેનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે તારીખ 8 અને 9 ઓક્ટોબરના રોજ યોજાનાર બે દિવસીય કર્ણાટક દર્શન-2022 ફેસ્ટિવલમાં કર્ણાટક અને કન્નડ સંસ્કૃતિ, ખાન-પાન, ઉદ્યોગ-વેપાર અને રહેણીકરણીને ઉજાગર કરતાં વિવિધ શાસ્ત્રીય સંગીત, નૃત્ય, કલાઓ, લોકગીત-સંગીત તેમજ હાસ્ય ઉત્સવો સાથેના કાર્યક્રમો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં રાજ્યમાં વસતા કર્ણાટકના પ્રજાજનો તેમજ કર્ણાટક સાથે સંકળાયેલા લોકો ભાગ લેશે.
આ પ્રસંગે કર્ણાટક સરકારના મોટા અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી મુરુગેશ.આર.નીરાણી, કર્ણાટકના લોકસભા સાંસદ ઉમેશ જાદવ અને રાજ્યસભા સાંસદ જગ્ગેશ શિવલિંગપ્પા, કર્ણાટકના રાજ્યમંત્રી થરાનુરાધા, અમદાવાદના મેયર કિરીટ પરમાર, ભાજપના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી સી. ટી. રવિ, કર્ણાટક સરકારના ધારાસભ્યશ્રીઓ, કર્ણાટક સંઘના સભ્યો – હોદ્દેદારો, તેમજ મોટી સંખ્યામાં રાજ્યમાં વસતા કર્ણાટકના પ્રજાજનો તેમજ કર્ણાટક સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.