વર્ષો થી આપણે કહેતા હોઈએ છીએ કે કોઈ ને જમાડો તો પુણ્ય મળે પરંતુ આપણી વચ્ચે એક એવો શખ્સ છે અને રોજના લગભગ 8000 લોકોને માત્ર 2 રૂપિયામાં શુદ્ધ અને સાત્વિક કઢી-ખીચડી જમાડે છે. અમદાવાદમાં રહેતા મૂળ પાલનપુરના રાજેન્દ્ર જોશી (રાજુભાઈ) પાલનપુર અને ડીસામાં જુદી-જુદી જગ્યાએ અન્નપૂર્ણા રથ રવાના કરી રોજના લગભગ 8000 લોકોની જઠરાગ્નિ ઠારે છે. આ ગુજરાતી બ્રાહ્મણે ગરીબીમાં ભૂખ કેવી હોય તે જોઈ અને જાણી છે એટલે જ ભૂખ્યા દરિદ્રનારાયણોની જઠરાગ્નિ ઠારવામાં જરાય કચાસ છોડતાં નથી. સમગ્ર કહાણી અને તેમની નિષ્ઠાકાર્યને જાણી રાજુભાઈને સલામ ઠોકવાનું મન થઈ જશે.
કેશર સેવા ના માધ્યમથી અન્નપુર્ણા રથ ની શરૂઆત માતૃ-પિતૃઓના શ્રાધ્ધના છેલ્લા દિવસે તા. ૩૦/૦૯/૨૦૧૬ ના રોજ મારા માતાપિતાની યાદમાં શરૂ કરવામાં આવેલ છે. જેમાં ટોકન રૂ.૨ ના દરે ખીચડી-કઢી નાસ્તા સ્વરૂપે આપવામાં આવે છે.
નોકરી, ધંધો, કોર્ટ, કચેરી, દવાખાનું, ખરીદી તેમજ અન્ય કામે સમાજના દરેક વર્ગના મોભી, નોકરિયાત સભ્યોને બનાસકાંઠા જીલ્લાનું વડું મથક પાલનપુર છે જેથી ત્યાં અવરજવર રહે છે.હવે સવારે – સાંજે આ બે ટાઇમ કોઈ પણ માણસ ઘરેથી સવારે જમીને નીકળે છે અથવા સાંજે ઘરે જઈને જમે છે અને બપોરના સમયે દરેક ને ભૂખ લાગે છે.
પરતું આ મોઘવારીના જમાનામાં ૧૦ થી ૧૫ રૂપિયાના ખર્ચે સમોસા અથવા ભજીયા એક માણસના નાસ્તા સ્વરૂપે ખર્ચાય છે જે સામાન્ય પગારદાર ને કદાચ ના પણ પોષાય. જેથી આ નજીવી રકમ લઈને ભરપેટ જમાડવાની સેવા શરૂ કરવાનો વિચાર કર્યો.
રાજુભાઈ કહે છે કે “ભૂખ દરેક માણસને લાગતીજ હોય છે. મેં મારા જીવનમાં યુવાન મિત્રોને ઘરડા થતા જોયા છે. ભૂખ દબાવવા માટે કુબેર, તમાકુ, બીડી વગેરેનો ઉપયોગ વધે છે અને અન્ય રોગોની શરૂઆત થાય છે જેમકે બીપી, ડાયાબીટીસ, કેન્સર વિગેરે. અને યુવાધન અથવા મનુષ્ય માત્ર હેરાન થાય છે. સાથે સાથે એ પણ ધ્યાન રાખવા પ્રયત્ન કર્યો છે કે કોઈપણ લારી ઉપર ખીચડી-કઢી નું વેચાણ નથી એટલે કોઈના ધંધા પર અસર ના થાય તેની કાળજી રાખેલ છે.”
નાના ભૂલકા, વડીલો, બીમાર તેમજ તંદુરસ્ત સૌ કોઈ અબાલ વૃદ્ધ તમામ સુપાચ્ય, હેલ્ધી અને સાત્વિક ફૂડ મળી રહે તે હેતુસર સદર સેવા રૂ. ૨/-ના ટોકન સ્વરૂપે ચાલુ કરેલ છે. જેમાં ખુબ જ ચીવટ રાખીને ચોખ્ખાઈ ઉપર ભાર મુક્યો છે.
1000 સ્વચ્છ સરસ સ્ટીલની વાટકી, ચમચી, પીવાનું પાણી, ડસ્ટબિન અન્નપુર્ણા રથમાં રાખવામાં આવેલ છે. જે વપરાયેલા વાસણો ગરમ પાણીમાં ધોવાય અને ફરીથી ઉપયોગમાં લેવામાં આવેલ છે. સ્ટાફ મિત્રોને હાથમાં ગ્લવ્ઝ, એપ્રોન અને માથા ઉપર કૅપ પહેરવાની હોય છે.
સાથે સાથે બે રૂપિયામાં જેટલી વખત પ્રસાદ લેવો હોય તો છૂટ છે પરંતુ બે રૂપિયા તો મુકાવાના જ. સદર સેવામાં મારા વડીલ મિત્ર બાબુભાઈ કાઠયાવાડી રોજ તેમના તરફથી ૧ કિલો દેશી ચોખ્ખું ધી પણ સેવામાં પુરા બાર મહિના સુધી આપેલ છે જે અભિનંદન ને પાત્ર છે.
દરરોજ ૧૦૦૦ માણસને નાસ્તો મળી રહે તેટલું ફૂડ બનાવી અન્નપુર્ણા રથ પાલનપુર શહેરમાં કોઝી સિનેમા, હીરાબઝાર, કોર્ટ કોમ્પ્લેક્ષ, ડોક્ટર હાઉસ, સિવિલ હોસ્પિટલ, જીલ્લા પંચાયત ગેટ પાસે, હાઇવે ડોક્ટર હાઉસ વિગેરે સ્થળે દર કલાકે રૂટ પ્રમાણે અન્નપુર્ણા રથ ફરે છે અને નાસ્તા સ્વરૂપે ખીચડી-કઢી પીરસવામાં આવે છે.તેમજ ડીસા શહેર માં પણ બીજો રથ ચાલુ કરેલ છે.જે સાઈ બાબા મંદિર,ગાયત્રી મંદિર,ફુવારા વિગેરે સ્થળે જાય છે.ત્યાં પણ દરરોજ ૧૦૦૦ માણસો ને નાસ્તો પીરસાય છે.
રથની અંદર મ્યુઝીક સીસ્ટમ ના માધ્યમથી સતત ભક્તિભાવ થી ભરપુર ગીતો, ભજનો ચાલુ રાખવામાં આવે છે જેથી ખીચડી કઢી ભગવાનના એક પ્રસાદ ની અનુભૂતિ કરાવે છે.
રાજુભાઈ જોષીનું બાળપણ ગરીબીમાં ગુજર્યુ હતું. એક સમયે મુઠ્ઠી દાળિયા ખાઈ પાણી પીને ગુજરાન કર્યા હોય તેવા દિવસો પણ તેમણે જોયા છે. જો કે ધીરે ધીરે આ બ્રાહ્મણના ઘરે લક્ષ્મીજીની મેર થઈ. આજે રાજુભાઈ એક સુખી-સમૃદ્ધ જીવન જીવે છે. આ સેવા શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તેની માટે તે કહે છે કે “સમજણ નહોતી ત્યારે પિતા સ્વર્ગલોક સિધાવ્યા અને સમજણ વાળા થવાની તૈયારી હતી ત્યારે માતાનું અવસાન થયું. માં-બાપ નો સહવાસ ઓછો રહ્યો, પણ સંસ્કાર જીવનભર મળ્યા.”
તેમણે કહ્યું કે “જિંદગીની ભાગદોડ માં સતત માં-બાપ દિલ-દિમાગમાં રમ્યા કરતા. અંતે વિચાર્યું કે મારા માં-બાપ ને શું ગમતું હતું – તો નાનપણ ના સ્મરણોમાં ઘરે ઘણાં મહેમાનોની અવરજ-જવર રહેતી. અમે અમદાવાદ રહેતા હોવાથી બનાસકાંઠા જીલ્લામાંથી સગા-વ્હાલા, સંબધી જે કોઈ અમદાવાદ સિવિલમાં, વી.એસ. માં આવતા તેમના માટે મારા માતા-પિતા ટીફીન લઈને ત્યાં પહોંચી જતા.
તેઓ અગવડ ભરી, અછતભરી તેમની જીવનયાત્રામાં પણ ખાવાનું પહોચાડતાં. ત્યારે આજે તેમના આશીર્વાદથી અમે સુખી થયા છીએ તો તેમને ગમતું કરવાનો વિચાર આવ્યો અને સદનસીબે માતૃ-પિતૃઓના તહેવાર એવા શ્રાદ્ધના છેલ્લા દિવસે તા. ૩૦/૦૯/૨૦૧૬ ના રોજ સેવાનો પ્રારંભ કર્યો હતો અને ઈશ્વર કૃપા હશે ત્યાં સુધી સેવા ચાલુ રાખવા પ્રયત્ન કરીશ.
હાલમાં આ સેવા માટે રોજના 5000 રૂપિયાનો ખર્ચ થાય છે. કેટલીક વખતે તેમને અન્ય જીલ્લાઓમાંથી પણ ડોનેશન મળે છે. સેવા માટે લોકો એક રથ માટે રોજના 2100 રૂપિયા જેટલું દાન આપતા હોય છે. સદર અન્નપુર્ણા રથ નો ખર્ચ – લગભગ સરભર થઇ રહે છે. કારણ મોટાભાગના મિત્રો રૂ. ૨/-થી પણ વધારે રકમ દાનપેટી માં મુકે છે જે માટે મારા જીલ્લાની ખુમારીભરી પ્રજાને હું સલામ કરું છું, નમસ્કાર કરું છું. અન્નપૂર્ણા રથ ચાર લોકોને રોજગારી પૂરી પાડે છે. જેમાં એક ડ્રાઈવર અને રસોઈયો પણ શામેલ છે.
પાલનપુરમાં આ સેવા શરૂ કર્યા બાદ તેમણે 12 એપ્રિલ 2017એ ડીસામાં પણ અન્નપૂર્ણા રથ શરૂ કર્યો છે. આ ઉપરાંત હવે આ સેવા અમદાવાદમાં પણ રાજૂભાઈ દ્વારા શરૂ કરાઈ છે.
રાજુભાઈ આ અન્નપૂર્ણા રથ સિવાય વધુ એક પુણ્યનું કામ કરે છે. જેમાં માત્ર 251 રૂપિયાની ટૉકનરૂપે નજીવી રકમ લઈને મરણપ્રસંગે અંતિમયાત્રાની આખી કિટનું વિતરણ કરે છે. આ કીટની જો આમ બજાર કિંમત જોવા જઈએ તો લગભગ 2000 રૂપિયા થાય છે. અત્યાર સુધી આશરે 3000 જેટલી કિટનું વિતરણ કરી ચૂક્યાં છે. મરણ પ્રસંગે આખો પરિવાર શોકમય હોય અથવા તો બજારમાં દુકાનો બંધ હોય ત્યારે કઈ કઈ વસ્તુ લાવવી તેની તકલીફ પડતી હોય તેવા સમયે આ તૈયાર કિટ ઘણી આશીર્વાદરૂપ લાગતી હોય છે. રાજુભાઈની આ સેવા બારેમાસ 24 કલાક ચાલુ હોય છે. રાજુભાઈએ આવી તકલીફ પોતે ભોગવી ચૂક્યાં છે તેથી આ સેવાનો પણ પ્રારંભ કરવાનો વિચાર આવ્યો.