રાજકોટ એસ.ટી.વિભાગનાં વિભાગીય નિયામક યોગેશ પટેલે સપાટો બોલાવી દીધો છે અને કેફીપીણાનો નશો, સતત ગેરહાજરી અને ટીકીટ ચોરી સહિતનાં કારણોસર મોટાભાગનાં ફિકસ પગારવાળા મળી કુલ 30 ડ્રાઇવર-કંડકટરોને બરતરફ (ડિસમીસ) કરી દેતા રાજકોટ એસ.ટી. વિભાગમાં સન્નાટો પ્રસરી ગયો છે.
આ અંગે વિગતો આપતો રાજકોટનાં વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવેલ હતું કે કેફી પીણુ પીવા સબબ 2 ડ્રાઇવરો અને સતત ગેરહાજરી સબબ પ ડ્રાઇવરો અને 22 કંડકટરો તેમજ ટીકીટ ચોરી કરવા બદલ 1 ડ્રાઇવર મળી કુલ 7 ડ્રાઇવરો અને 23 કંડકટરોને નોકરીમાંથી બરતરફ કરી દેવાયા છે. જુદા-જુદા કારણોસર ઘરભેગા કરી દેવાયેલા 30 ડ્રાઇવર અને કંડકટરો પૈકી 6 રાજકોટ ડેપોનાં 1 લીંબડી ડેપોનાં ડ્રાઇવરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંડકટરોમાં રાજકોટ ડેપોનાં પ ગોંડલ ડેપોનાં 1, મોરબી ડેપોનાં 4, સુરેન્દ્રનગર ડેપોનાં 1, વાંકાનેર ડેપોનાં 1, જસદણ ડેપોનાં 3, ધ્રાંગધ્રા ડેપોનાં 2, તથા લીંબડી ડેપોનાં 1, ચોટીલા ડેપોનાં 2, અને વોલ્વોનાં 3નો સમાવેશ થાય છે. આમ વિભાગનાં જુદા-જુદા 10 ડેપોનાં કુલ 23 કંડકટરોને જુદા-જુદા કારણોસર ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. વિભાગીય નિયામકનાં આ કડક પગલાને પગલે રાજકોટ એસટી વિભાગમાં સન્નાટો પ્રસરી ગયો છે.