સાબરકાંઠા જીલ્લામાં પ્રાંતિજ વિસ્તાર એટલે કે કોબીજ અને ફલાવરના ઉત્પાદન માટે અગ્રેસર વિસ્તાર માનવામાં આવે છે, પરંતુ હાલ તો ફુલાવરનુ ઉત્પાદન કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતી છે. ખેડૂતો પોતાના ફુલાવરના ઉત્પાદનને માંડ દસ-વીસથી ચાલીસ રૂપિયા મણના ભાવે વેચી રહ્યા છે. બજારમાં મળતા શાકભાજી તમને ભલે મોંઘી મળતી હોવાનુ કકળાટ ગૃહીણીઓમાં જોવા મળતો હશે પરંતુ ખે઼ડૂતોની વાસ્તવિક સ્થિતિ જુદી જ છે. ખેતરમાં શિયાળામાં પણ પરસેવો પાડવા જેવી મહેનતે તૈયાર કરેલી શાકભાજીના ભાવ પાણી ના પ્રમાણમાં પણ સસ્તા છે. આમ હાલમાં આ સસ્તી ખરીદી ને લઇને ખેડૂતો હાલ તો માઠી દશા જેવી સ્થિતીનો સામનો કરી રહ્યા છે. ખેતરમાં ઉત્પાદન કરેલા ફુલાવરના પાકને જ્યારે ખેડૂત અમદાવાદ કે સુરતના બજારોમાં વેચવા પહોંચે છે ત્યારે માંડ દસ-વીસ કે ચાલીસ રૂપિયા નો ભાવ પ્રતિ વીસ કીલોનો મળી રહ્યો છે આમ માંડ પચાસ પૈસા જેટલો ભાવ પ્રતિ કીલોએ ખેડૂતો વેચી રહ્યા હોય છે જેની સામે ગૃહીણીઓ દસથી વીસ રૂપીયાના ભાવે કીલો ફુલાવર ખરીદતી હોય છે. જોકે આ અસમાન ભાવો વચ્ચે હાલ તો જાણે કે ખેડૂત કચડાઇ રહ્યો છે.
ખેડૂતો પ્રતિ કીલો 60 થી 70 હજાર રૂપીયાના ભાવના બીયારણ વડે ખેતરમાં ફુલાવરનુ ઉત્પાદન કરતા હોય છે અને સાથે જ તેના ઉત્પાદન પાછળ પાકના ઉછેર અને જતન માટે પણ વ્યાપક પ્રમાણમાં ખર્ચ કરતા હોય છે. આમ સરવાળે પ્રતિ એકર 80 હજાર જેટલો ખર્ચ વેઠીને તૈયાર કરેલો ફુલાવરનો પાક હવે પાણીના ભાવે વેચાવા લાગતા ખેડૂતોના આંખમાં હાલ તો અવદશાના પાણી આવી જાય તેવી નોંબત આવી પડી છે. ફુલાવરનો પાક છેલ્લા પચીસેક દીવસથી પ્રતિ વીસ કીલોના દસ-વીસથી માંડી ચાલીસ રૂપીયા જેટલા ભાવે બજારોમાં વેચાય છે અને તેના પરીણામે ખેડૂતોને લણણીની મજૂરીનો ખર્ચ પણ માથે પડતો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. જેના કારણે હાલમાં કેટલાક ખેડૂતો તો પોતાના ખેતરમાં રહ્યો સહ્યો પાક પણ ખેતરમાં જ ટ્રેકટર વડે નષ્ટ કરી રહ્યાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરી માસ દરમ્યાન લગ્નસરાની સિઝન હોવાને લઇને શાકભાજીની માંગમાં વધારો જોવા મળતો હોય છે અને જેને લઇને ભાવોમાં ઉછાળો આવતો હોય છે પરંતુ ઉલટાનુ હાલમાં માંગ વચ્ચે જ ભાવો નબળા રહેવાને લઇને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહ્યા છે. ફુલાવરના પાકમાં હાલ તો જોકે ખેડૂતો બેહાલ સ્થિતીનો અનુભવ કરી રહ્યા છે પણ માર્કેટયાર્ડથી બજારમાં પહોંચવા સુધીમાં જ આ ફુલાવરનો ભાવ ગુણાંકમાં વધી જતા વેપારીઓ માટે તો જાણે કે નફાકારક સમય વીતી રહ્યો છે તો બીજી તરફ ખેડુતો ની ચહેરાની લકીરો ફીક્કી પડી રહી છે.