જામનગરમાં પંચવટી સર્કલ પાસે આવેલી શહેર ભાજપના ઉપપ્રમુખની હોટલમાં ચાલતા દેહવિક્રયના ધંધામાં પોલીસે દરોડો પાડી બે શખ્સોને પકડી પાડયા છે. રાજકોટનો શખ્સ હોટલનો રૂમ ભાડે રાખી દેહવિક્રયનો ધંધો ચલાવતો હોવાની વિગતો સામે આવી છે. જામનગરમાં ચકચારી બનેલા પોલીસના દરોડાની વિગતો મુજબ, શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ પંચવટી સર્કલ સામેની હોટલ ગોલ્ડના ક્રાઉનમાં રાજકોટનો અને હાલ જામનગર રહેતો રાકેશ મગનલાલ ગાગળા નામનો શખ્સ હોટલનો રૂમ ભાડે રાખી બહારના રાજયમાંથી મહિલાઓ બોલાવી, શારીરીક શોષણ કરાવી, માનવ તસ્કરી કરી, શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી, વેશ્યાગીરીનો ધંધો કરાવતો હોવાની સીટી બી ડીવીઝન પોલીસને હક્કિત મળી હતી. આ હક્કિતના આધારે પી.આઇ. જે.વી.રાઠોડ અને પીએસઆઇ કે.વી.ચૌધરી સહિતના સ્ટાફે ગઇકાલે સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે આ હોટલ પર દરોડો પાડયો હતો. જેમાં રૂમ.નં.203માં પોલીસે અગાઉથી ડમી ગ્રાહક મોકલી આપ્યો હતો તે અને તેની સાથે એક મહિલા મળી આવી હતી. પોલીસે ડમી ગ્રાહક પાસેથી રૂપિયા વસુલનાર દિનેશ લક્ષ્મણભાઇ સાકટ નામના શખ્સને આંતરી લઇ મહિલાને મુકત કરાવી હતી. પોલીસ દરોડા દરમ્યાન રાજકોટનો શખ્સ હાજર નહી મળતા પોલીસે તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જે હોટલમાં દરોડો પાડયો તે હોટલ શહેર ભાજપના ઉપપ્રમુખ આશીષ કંટારીયાની ભાગીદારીવાળી હોવાની વિગતો જાણવા મળી છે.