સાત બ્રિજ તૂટવા અને ક્ષતિગ્રસ્ત થવાની ઘટના ઘટી, શું સરકાર એ કોન્ટ્રાકટર ઉપર કોઈ પગલાં લીધા? : માર્ગ અને મકાન વિભાગે બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાકટર નામ અને કંપનીના નામ પબ્લિક ડોમેનમાં મૂકવું જોઈએ
અમદાવાદ
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર મિત્રોને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો ભ્રષ્ટાચાર સરકારના ભ્રષ્ટાચારનો કોંક્રિટ બેનમૂન નમૂનો છે.શું સરકારનું નવું સૂત્ર “બ્રિજ ભ્રષ્ટાચારાય નમઃ” છે ?મોરબી દુર્ઘટનાથી શરમાયા વગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નો રિપોર્ટ ચૂંટણી સુધી સંતાડી રાખવામાં આવ્યો. વર્ષ ૨૦૨૨ માં મોરબી સાથે ગુજરાત રાજ્ય માં નિર્માણાધિન કે નવા બ્રિજ તૂટવાની-ક્ષતિગ્રસ્ત થવાની સાત જેટલી ઘટનાઓ બની હતી.સરકારને સવાલ થાય, અમદાવાદના બોપલમાં નવેમ્બર ૨૦૨૨, આણંદ બોરસદ ચોકડીમાં સપ્ટેમ્બર ૨૦૨૨, વડોદરાના સિંધરોટમાં માર્ચ ૨૦૨૨,લુણાવાડાના હાંડોડમાં ઓગસ્ટ ૨૦૨૨, નાંદેલાવ ભરૂચમાં જૂન ૨૦૨૨, મેહસાણા – ઊંઝા હાઇવેમાં એપ્રિલ ૨૦૨૨, સુરત ઓલપાડમાં ઓગસ્ટ ૨૦૨૨ માં બ્રિજ ક્ષતિગ્રસ્ત કે તૂટવાની ઘટના ઘટી હતી. શું આ કોન્ટ્રાકટરો ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ ખરી? બ્રિજ તૂટવા કે ક્ષતિગ્રસ્ત થવા કે તૂટવા નો ખર્ચ કોના માથે ? શું આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરોના સરકારમાં ચાલતા અન્ય પ્રોજેક્ટની સિકયુરિટી ડિપોઝિટમાંથી વસૂલવા ના જોઈએ?
ભાજપ સરકારની ભરોસા અને પારદર્શિતાની વાત પોકળ છે તે આ ઘટના ક્રમો દર્શાવે છે. ભાવનગર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એમના વેબ પોર્ટલ ઉપર બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરો નામ મૂકી શકે તો અમદાવાદ રાજકોટ, સુરત, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના વેબ પોર્ટલ ઉપર શું કામ ના મૂકી શકે? ભાજપ શાસિત કોર્પોરેશન અને રાજ્ય સરકાર કોને છાવરવા માંગે છે તે છાસવારે સવાલ થાય છે.