રાષ્ટ્રની સુરક્ષામાં ગુજરાતની દરિયાઈ સીમા સુરક્ષા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી : ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એ.ટી.એસ વચ્ચેના સુદ્રઢ સંકલન થકી રાજ્યની સરહદેથી ડ્રગ્સ પકડવામાં મહત્વપૂર્ણ કામગીરી : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
દરિયાઇ વિસ્તારોના પોલીસ-કલેકટર તંત્ર- મહેસુલ તંત્ર-ફિશરીઝ અને અન્ય સંલગ્ન વિભાગોની સંયુકત પરિષદ રાજ્યમાં પ્રથમવાર યોજાઇ
ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં દરિયાઇ માર્ગેથી થતી માદક દ્રવ્યોની ઘુસણખોરી સહિત રાષ્ટ્ર-રાજ્ય વિરોધી ગતિવિધિઓને રોકવાની રાજ્ય સરકારની સ્પષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવી છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આવી સમાજ વિરોધી પ્રવૃત્તિઓનું રૂપ રોજેરોજ બદલાતું રહે છે પરંતુ તેની સામે સંપૂર્ણ સજાગતા સાથે ગુજરાતનું પોલીસદળ, કોસ્ટલ સિક્યુરિટી માટે સજ્જ છે તેને વિવિધ વિભાગોના પરસ્પર સંકલનથી વધુ સંગીન અને સુદ્રઢ બનાવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પ્રથમવાર યોજાઇ રહેલી ઇન્ટરનલ સિક્યુરિટી, કોસ્ટલ સિક્યુરિટી રિવ્યુ અને પર્સપેક્ટિવની એક દિવસીય સંયુકત પરિષદના સમાપન અવસરે સંબોધન કરી રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં યોજાયેલી આ સંયુકત પરિષદમાં રાજ્યના દરિયાઇ વિસ્તારના જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રીઓ, કલેકટરશ્રીઓ, ફિશરીઝ અને રેવન્યુના અધિકારીઓ તેમજ એ.ટી.એસ મરિન પોલીસ કમાન્ડોના અધિકારીઓએ સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ સ્ટ્રેટેજિક વિષયોની ચર્ચા-મંથન કર્યા હતા. મુખ્યમંત્રીએ આ પરિષદનું સમાપન કરાવતાં કહ્યું કે, રાજ્યના યુવાધનને નશાખોરી-માદક દ્રવ્યોને રવાડે ચડાવનારા તત્વો સામે પોલીસદળે ઝૂંબેશ આદરી છે તેના ખૂબ સારા પરિણામો મળ્યા છે. ‘‘આપણે દરિયાઇ સુરક્ષાને પણ એટલી જ અહેમિયત આપી ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારાને આવી નાપાક ગતિવિધિઓથી પોલીસની સતર્કતાથી સુરક્ષિત રાખીને રાષ્ટ્રની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીએ છીએ. ભૂપેન્દ્ર પટેલે કોસ્ટલ સિક્યુરિટી અને ઇન્ટરનલ સિક્યુરિટી માટે સંબંધિત વિભાગો વચ્ચે પરસ્પર સંકલન વધુ સુદ્રઢ કરવા સાથે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગની પણ હિમાયત કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે તેમાં કોઇ અડચણ ન આવે તે માટે પોલીસ દળ, સહિતના સંબંધિત તંત્રો અને સરકાર સાથે મળીને સતત કર્તવ્યરત છે. તેમણે પોલીસ દળને રાજ્ય-રાષ્ટ્રની દરિયાઇ સુરક્ષા-આંતરિક સલામતી માટે અદ્યતન સાધન સામગ્રી પણ જરૂરિયાત મુજબ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવાની નેમ આ તકે વ્યકત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસની એ.ટી.એસ ના અધિકારીઓએ તાજેતરમાં એક વિદેશી બોટ દ્વારા એમ.ડી ડ્રગ્સની મોટા પાયે થતી ઘૂસણખોરી પકડી પાડી તે માટે અધિકારીઓનું પ્રસંશાપત્રથી ગૌરવ સન્માન પણ કર્યુ હતું. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, જે કાંઇ સારું કામ થાય છે તે દિપી ઉઠે છે અને તાજેતરમાં જેલ સર્ચ ઓપરેશન, ડ્રગ્સ સામેની ઝૂંબેશ વગેરે તેના ઉદાહરણો છે.
મુખ્યમંત્રીએ આ પરિષદમાં ઉપસ્થિત સૌ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તેમની નજરમાં કયાંય પણ આવી રાષ્ટ્ર-રાજ્ય હિત વિરોધી પ્રવૃત્તિ આવે તો તેને ઉગતી જ ડામી દેવાની કડક કાર્યવાહી થવી જરૂરી છે. મુખ્યમંત્રીએ દરિયાઇ સુરક્ષા અને આંતરિક સુરક્ષાને સ્પર્શતી આવી પોલીસ, મહેસુલ, જિલ્લા કલેકટરેટ, ફિશરીઝ અને મરિન પોલીસ તથા એ.ટી.એસ સહિતની એજન્સીઓની સંયુકત પરિષદ પ્રથમવાર યોજીને રાજ્યની સુરક્ષા-સલામતિ સંગીન બનાવવાના અભિગમને બિરદાવ્યો હતો. આ રિવ્યૂ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સુરક્ષામાં ગુજરાતની દરિયાઈ સીમા સુરક્ષા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે ત્યારે આ બેઠક ગુજરાતની કોસ્ટલ સિક્યુરિટીને વધુ મજબુત બનાવવા તથા કોસ્ટલ સિક્યુરિટી ચેલેન્જીસને બારીકાઈથી સમજીને ક્યાંય સરહદી વિસ્તારની સલામતીમાં કચાશ ન રહે તે માટે વધુ ગંભીરતા દાખવવાના ઉદ્દેશ સાથે યોજાઇ હતી. ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એ.ટી.એસ વચ્ચેના સુદ્રઢ સંકલન થકી રાજ્યની સરહદેથી ડ્રગ્સ પકડવામાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે તેની તેમણે સરાહના કરી હતી. ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, સરહદી સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે સરકારના અન્ય વિભાગો સાથે સંકલન રાખવું જોઈએ. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓના અનુભવના આદાનપ્રદાનથી અન્ય અધિકારીઓ શીખ લઈ રાજ્યની આંતરિક સુરક્ષા વધુ સુદ્રઢ કરવામાં મદદરૂપ બની રહેશે. તેમણે સરહદી વિસ્તારમાં હ્યુમન ઈન્ટેલિજન્સ માળખું મજબૂત કરવા પણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ, રાજ્યના ડીજીપી વિકાસ સહાય, અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ અધિક પોલીસ મહાનિદેશકશ્રીઓ, રેન્જ આઇ.જી.પી.શ્રીઓ, રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ, ફીશરીઝ વિભાગના અધિકારીશ્રીઓ, ઇન્ટેલિજન્સ બ્યુરો, સેન્ટ્રલ એજન્સીઓ તેમજ એટીએસના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.