ગુજરાતના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના જન્મદિવસની ઉજવણી શક્તિપીઠ અંબાજી ધામમાં કરી હતી. તેટલું જ નહીં સાથે પાંચ જેટલી વિવિધ 52 ગજની ધજાઓ સાથે અંબાજી મંદિરના શિખરે ધ્વજારોહણ કર્યું હતું. અંબાજીની ભગવતી વાટિકામાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અનેક દિગ્ગજ નેતાઓ સહિત ધારાસભ્યો અને પૂર્વ સાંસદો ઉપસ્થિત રહી અને ધજાની પૂજન વિધિ કરવામાં આવી હતી. ધજાની પૂજનવિધિ કર્યા બાદ પગપાળા યાત્રા સાથે મોટી સંખ્યામાં દિગ્ગજ નેતાઓ સહિત અનેક હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અંબાજી મંદિરે ધજા રોહણ કરવા પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિરમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય ચાવડાએ મંદિરમાં કપૂર આરતી કરી હતી અને સાથે માતાજીને ધજા પણ અર્પણ કરી હતી. ત્યારબાદ મંદિરના શિખરે અમિત ચાવડાએ ધજા રોહણ કર્યું હતું અને ચાચર ચોકમાં લગભગ 101 કિલો જેટલો મોહનથાળનો પ્રસાદ પણ યાત્રિકોને આપ્યો હતો.