વિજ્ઞાન દિવસે દિવસે આગળ વધી રહ્યું છે. માણસ પોતાની સગવડતાઓ માટે વિવિધ આવિસ્કારો કરતો રહે છે. જો કે હવે જે આવિસ્કારોની વાત કરવાના છીએ તે થોડી વિચિત્ર છે. અમેરિકાએ હાલમાં જ માણસના મળમાંથી તૈયાર થયેલી દવાને મંજુરી આપી દીધી છે.
આ દવાને સિરીઝ થેરાપ્યુટિક્સ નામની એક કંપની દ્વારા બનાવવામાં આવી છે. યુએસ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ પણ આ દવાને મંજૂરી આપી દીધી છે. અહેવાલો અનુસાર, આ દવા કેપ્સ્યુલ સ્વરૂપની હશે. આ દવા પેટના ચેપમાં અસરકારક સાબિત થશે. આંતરડામાં સારા અને ખરાબ ઘણા પ્રકારના બેકટેરિયા હોય છે. સી. ડિફિસિલ એક ખરાબ
બેક્ટેરિયા છે અને તે સારા બેક્ટેરિયાને મારીને પોતાની સંખ્યા વધારે છે. આંતરડામાં આ તકલીફથી ઝાડા થવાની સમસ્યા શરૂ થાય છે અને ક્યારેક મળમાં લોહી આવવા લાગે છે. ક્યારેક તેનો ચેપ જીવલેણ બની શકે છે. આનાથી અમેરિકામાં દર વર્ષે હજારો લોકો પોતાના જીવ ગુમાવે છે.
સી. ડિફિસિલને સામાન્ય રીતે એન્ટિબાયોટિક્સથી મારી શકાય છે. જો કે તેનાથી શરીરમાં રહેલા સારા બેક્ટેરિયાને પણ મરી જાય છે. સારા બેક્ટેરિયાની અછત સર્જાતા સી. ડિફિસિલ તેની જગ્યા લેવાનું શરૂ કરે છે. આવા કિસ્સામાં એન્ટિબાયોટિક્સ સાથે સફળતાપૂર્વક સારવાર ઘણી વખત શક્ય બનતી નથી.
હવે માણસના મળમાંથી બનેલી આ નવી દવા એવા દર્દીઓને અપાશે, જેને એન્ટીબાયોટીક્સનો કોર્સ આપ્યા બાદ પણ ઈન્ફેક્શન ખતમ નથી થતું. એક દાયકા પહેલા જ્યારે વ્યક્તિનો જીવ જોખમમાં હોય ત્યારે આત્યંતિક સંજોગોમાં ડોક્ટરોએ આ પ્રયોગ શરૂ કર્યો હતો. હવે ડોક્ટરોએ બીમાર વ્યક્તિના સ્વસ્થ સંબંધીનું મળ બિમારના આંતરડામાં નાખીને તેની સફળતાપૂર્વક સારવાર કરી છે.
હવે ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા આ સારવારને શુદ્ધ અને સરળ બનાવાઈ છે. એફડીએએ ગયા વર્ષે અન્ય કંપની ફેરિંગ ફાર્માના આવા ઈલાજને મંજૂરી આપી હતી. બંને વચ્ચેનો તફાવત એ છે કે ફેરીંગ ફાર્માની દવા ગુદા દ્વારા આપવામાં આવે છે, જ્યારે સિરીઝ થેરાપ્યુટિક્સની નવી દવા કેપ્સ્યુલ સ્વરૂપમાં મોઢાથી અપાશે.
આ દવા વાઉસ્ટ નામથી વેચાશે અને તેનો કોર્સ ત્રણ દિવસ સુધી ચાલશે. આમાં દરરોજ ચાર કેપ્સ્યુલ લેવાની રહેશે. આ કેપ્ચ્યુઅલ બનાવવા માનવ મળમૂત્રને સૌ પ્રથમ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાંથી લેવામાં આવે છે. પછી તેમના મળને સ્થિર કરવામાં આવે છે અને ચેપ, વાયરસ અને પરોપજીવીઓનું પરીક્ષણ કરવામાં આવે છે.
ત્યારબાદ કંપની આ સેમ્પલને તેમાંથી સ્વસ્થ બેક્ટેરિયાને અલગ કરવા શુદ્ધ કરે છે અને અન્ય બેક્ટેરિયાને ખતમ કરે છે.. માનવ મળના એક નમૂનામાંથી હજારો કેપ્સ્યુલ્સ બનાવી શકાય છે.