GJ-18 ના રક્ષા શક્તિ સર્કલ પર અંદાજે ૫૦ કરોડથી વધુના ખર્ચે નવ નિર્મિત બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે. બે દિવસ પહેલા વડાપ્રધાન નરેંદ્ર મોદીનું આગમન થતાં નવનિર્મિત બ્રિજનુ ઉદ્ઘાટન થઈ જશે એવી આશા નગરજનોમાં બંધાઈ હતી. કેમકે બ્રિજ આસપાસ તંત્ર દ્વારા ફૂલછોડ પણ ગોઠવી દેવાયા હતા. જાે કે બ્રિજનું ઉદ્ઘાટન નહીં થતાં નગરજનોની આશા પર પાણી ફરી વળ્યું છે. હવે અહીં ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા બ્રિજ ખુલ્લા મૂકવો અનિવાર્ય બન્યો હોવા છતાં તંત્ર દ્વારા મુહૂર્ત કાઢવામાં આવતું નથી.
રાજ્યના પાટનગર GJ-18 રોકેટ ગતિએ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગાંધીનગરનો વિસ્તાર વધવાની સાથે ગાંધીનગર – અમદાવાદનું અંતર ઘટી ગયું છે.ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યાનાં નિરાકરણ માટે સરકાર દ્વારા ગાંધીનગરમાં ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જે પૈકીનો રક્ષા શક્તિ સર્કલ પરનો બ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યો છે.
શહેરના પ્રવેશદ્વાર એવા રક્ષા શક્તિ સર્કલ રોડ પરથી હજ્જારો વાહનોની અવરજવર રહેતી હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની જતી હોય છે. એમાંય મેટ્રો રેલ અને બીજી તરફ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલતું હોઈ અહીં કલાકો સુધી ટ્રાફિક જામ થઇ જતો હતો. હવે અહીં બ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. પરંતુ કોઈ કારણસર ઉદ્ઘાટનનું તંત્રને મુહૂર્ત મળતું નથી.
શુક્રવારે વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં આવતાં નવ નિર્મિત બ્રિજ આસપાસ ફૂલછોડના કૂંડા ગોઠવી દેવાયા હતા. એટલે નગરજનોમાં નવ નિર્મિત બ્રિજનું ઉદ્ઘાટન થવાની આશા બંધાઈ હતી. જાે કે બ્રિજ નું ઉદ્ઘાટન થયું ન હતું. જ્યારે વડાપ્રધાનનાં ગયા પછી તંત્ર દ્વારા ફૂલછોડનાં કૂંડા ટપોટપ ઉઠાવી લેવામાં નગરજનોની આશાઓ પર પાણી વળ્યા છે. આમ છેલ્લા ઘણા મહિનાઓથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા નગરજનોમાં નવ નિર્મિત બ્રિજ સત્વરે ખુલ્લો મૂકવાની માંગ કરી રહ્યા છે.