એકતાનગર ખાતે નજરાણા સમાન જંગલ સફારી સહિત વિવિધ પ્રકલ્પોનો નજારો માણ્યો
સુંવાળા સૂર્યોદયના શાંત વાતાવરણમાં પક્ષીઓના સુમધુર કલરવની ગુંજ અને પ્રાકૃતિક સૌંદર્યને નિહાળી મંત્રમુગ્ધ થતા મહેમાનો
રાજપીપલા
સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના પૂર્વ સચિવ અમરજીત સિંહાએ ડેવલપમેન્ટ ઇસ્યુ વિષયક વિચારપ્રેરક પ્રવચન આપતા કહ્યું કે, વિકાસ એ સતત ચાલતી પ્રક્રીયા છે. વિકાસના તમામ ક્ષેત્રોમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રણી રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. અમૃત કાળમાં લોકોની અપેક્ષાઓ પણ વધી રહી છે ત્યારે, ગુજરાતે છેવાડાના માનવીના સમાવેશી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, વીજળી જેવી પાયાની અને માળખાગત સુવિધાઓ પૂરી પાડી સમગ્ર દેશમાં વિકાસના માપદંડોમાં અગ્રેસર છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ૧૦મી ચિંતન શિબિરે શિક્ષણ, આરોગ્ય અને પોષણ તથા સરકાર અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ,શહેરીકરણ અને માળખાગત સુવિધાઓ, ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને ક્ષમતાવર્ધન વિષયક વિવિધ પાંચ સમુહ ચર્ચા સત્રો યોજાયા હતા.આ ચર્ચા સત્રોમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ વિભાગના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.જૂથ 1 ના ચર્ચા સત્રમાં આરોગ્ય અને પોષણને લગતા જનહિતલક્ષી મુદ્દાઓ, વિવિધ ક્ષેત્રે રહેલી તકો અને પડકારો તથા અન્ય રાજ્યો- રાષ્ટ્રોના સફળ મોડેલ પર ચર્ચા અને વિષય નિષ્ણાતો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. રાજ્યના વરિષ્ઠ સચિવશ્રીઓ, સનદી અધિકારીઓ દ્વારા શહેરીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષય પર જૂથ ચર્ચા પણ યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર અને સ્માર્ટ સિટી એન્ડ અર્બન મિશનના ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. રાજયના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને ક્ષમતાવર્ધન વિષય પર જૂથ ચર્ચા યોજાઈ હતી. આ ચર્ચા સત્રમાં યુનિસેફ ઇન્ડિયાના સામાજિક નીતિ વિભાગના વડા સુશ્રી હ્યુન હી બાને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સર્વસમાવેશક ગ્રામ વિકાસ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ અંગેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત શિક્ષણ અને તથા સરકાર અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ વિષયક સત્રોમાં પણ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.મંત્રીઓએ શિબિરાર્થી બની રસપૂર્વક પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને પ્રશ્નોત્તરીમાં પણ ભાગ લીધો હતો. આ જૂથ ચર્ચાના નિષ્કર્ષ સંદર્ભે આવતીકાલે વિવિધ વિભાગના વડાઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.
એકતાનગર ખાતે યોજાઈ રહેલી ૧૦મી ચિંતન શિબિરના બીજા દિવસનો વહેલી સવારના ૧૭ એકરમાં બનાવાયેલા આરોગ્ય વનની પ્રકૃતિ મધ્યે યોગાભ્યાસથી પ્રારંભ થયો હતો. આ યોગાભ્યાસમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષક ક્રિષ્ના જાડેજાએ યોગમાં ઓમકારથી લઈ શાંતિ પાઠ સુધીના સમન્વયની સમજણ અને યોગમાં આસનો પ્રાણાયામ અને ધ્યાનનું મહત્વ સમજાવ્યું હતું.રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ અને શિબિરાર્થીઓ લગભગ એક કલાક સુધી યોગામાં જોડાયા હતા. આ યોગાભ્યાસનો પ્રારંભ સુક્ષ્મ યોગ પ્રાણાયામથી અને ધ્યાનથી સમાપન થયું હતું.આરોગ્ય વન ખાતે યોજાયેલ યોગાભ્યાસમાં અર્ધચક્રાસન, વૃક્ષાસન, પદ્માસન, અર્ધ-પૂર્ણ સર્વાસન, વિપરીત સર્વાસન, ધનુરાસન, મકરાસન, નૌકાસન, મુકતાસન, અર્ધપવન મુકતાસન, નટરાજાસન, સવાસન, પર્વતાસન, અનુલોમ-વિલોમ પ્રાણાયમ જેવી વિવિધ મુદ્રાઓમાં યોગાભ્યાસ કર્યો હતો.
રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે યોગાભ્યાસ બાદ આરોગ્ય વન ખાતે સર્વે વરિષ્ઠ અધિકારીઓ સાથે વિશ્રામ કરી મનોમંથન કરવા સાથે સખી મંડળની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.એકતાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં યોજાઇ રહેલી દસમી ચિંતન શિબિરના બીજા દિવસે પ્રભાત વેળાએ રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ, સચિવ સહિત વિવિધ જિલ્લાના સનદી અધિકારીઓએ વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતેના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી.
મહેમાનોએ સુંવાળા સૂર્યોદયના શાંત વાતાવરણમાં એકતાનગર ખાતેના પ્રખ્યાત પર્યટન સ્થળ સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક-જંગલ સફારીનો અદભુત નજારો માન્યો હતો. પક્ષીઓના સુમધુર કલરવથી મંત્રમુગ્ધ થતા સૌ મહેમાનોને ઇન્ચાર્જ નાયબ વન સંરક્ષકશ્રી ડો.રામ રતન નાલાએ પ્રેમાળ અને લાગણીશીલ પ્રાણી-પક્ષીઓની લેવામાં આવતી કાળજી, આરોગ્ય અને સુરક્ષા અંગે સૌ મહેમાનોને વાકેફ કર્યા હતા. જંગલ સફારીમાં દેશ-વિદેશના પક્ષી-પ્રાણીઓને નિહાળતા મહેમાનોએ મકાઉ પોપટ, ડુમખલ પોપટ સહિત સુડો પોપટ (શુલપાણેશ્વર પહાડી પોપટ) સાથે લાગણીશીલ ક્ષણો વ્યતિત કરીને પક્ષીઓને ગમતી વાનગી ખવડાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દિશા નિર્દેશમાં ફક્ત ૮ મહિનાના ટુંકા ગાળામાં ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવેલ નિર્માનાધિન મેઝ (ભુલભુલૈયા) ગાર્ડનની સૌ મહેમાનોએ પણ મુલાકાત લીધી હતી. માનવામાં આવે છે કે શ્રીયંત્ર વાતાવરણમાં પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઊર્જાનું સંચાર કરે છે. સનદી અધિકારીઓએ “વેલી ઓફ ફ્લાવર” ની મુલાકાત લઈને પ્રાકૃતિક સૌંદર્યની એક નાનકડી ઝલકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વેલી ઓફ ફ્લાવર્સના પટાંગણમાંથી જ મહેમાનોએ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ શિલ્પની ભવ્યતાના દર્શન કર્યા હતા. મહેમાનોએ ખાસ ડાયનો ટ્રેલની પણ વિઝિટ કરી હતી.
સરદાર સરોવર નૌકા વિહાર ખાતે બોટિંગ સાથે નર્મદા જિલ્લાને કુદરતે મન મુકીને આપેલી પ્રાકૃતિક સૌંદર્યને નિહાળીને પરમ આનંદનો અનુભવ કર્યો હતો. જે પંચમૂળી તળાવ તરીકે જાણીતું છે. મહેમાનોએ આ સફર દરમિયાન પ્રાકૃતિક સૌંદર્ય સહિત વિવિધ વનસ્પતિ અને પ્રેમાળ પક્ષીઓની સમૃદ્ધ સૃષ્ટિને જોઈને ધન્યતા અનુભવી હતી.”ટીમ ગુજરાત” એ વ્યૂહ પોઇન્ટ-૩ થી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમને નિહાળીને ગાઈડ મિત્ર પાસેથી ડેમની વિશેષતા અને નિર્માણ કાર્યની ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થયા હતા.સવારે રાજ્ય સરકારના વરિષ્ઠ સનદી અધિકારીઓએ વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સાયકલિંગ સાથે દિવસની શરૂઆત કરી ‘ફિટ ઈન્ડિયા’નો સંદેશ આપ્યો હતો. સાથે અધિકારીઓએ ફ્લેમ ઓફ ફોરેસ્ટ તરીકે ઓળખાતા કેસૂડા વનમાં વોકિંગ કરી પ્રકૃત્તિને નજીકથી નિહાળી હતી અને ત્રણ રાજ્યોની તરસ છીપાવતી, જળ વ્યવસ્થાપન અને ઈજનેરી કૌશલ્યના જીવંત ઉદાહરણ સમાન વિશાળ નેટવર્ક ધરાવતી નર્મદા કેનાલના ઝીરો પોઈન્ટને નિહાળી અભિભૂત થયા હતા. આ સમગ્ર રૂટ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસિસ્ટન્ટ પી.આર.ઓ. શ્રી સરલ પટેલની આગેવાનીમાં તેમની ગાઈડ ટીમ દ્વારા અધિકારીઓને માહિતગાર કરાયા હતા.અન્ય અધિકારીઓએ ખલવાણી કેમ્પ સાઈટ ખાતે ગિરીકંદરાઓ વચ્ચે ખળ-ખળ વહેતી નદીમાં રિવર રાફ્ટિંગ કરી એડવેન્ચરનો આનંદ માણ્યો હતો. સમગ્ર દેશનું પ્રવાસન કેન્દ્ર બિંદુ બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને આસપાસના આકર્ષણ કેન્દ્રો ખરેખર પ્રવાસીઓને આકર્ષે છે અને એક સંપૂર્ણ પ્રવાસન સ્થળની અનુભૂતિ કરાવે છે એમ સૌ અધિકારીશ્રીઓએ એકસૂરે અભિપ્રાય આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતને વિકાસની નવી ઉંચાઇઓ ઉપર લઇ જવા માટે ચિંતન શિબિરના માધ્યમથી સામુહિક મંથનનો પ્રયાસ અનુકરણીય છે.ગુજરાત અનેક ક્ષેત્રેમાં અગ્રેસર છે, તેમ કહેતા તેમણે જણાવ્યું કે, માથાદીઠ આવક, ઉત્પાદન, દેશની કુલ નિકાસમાં ૨૨ ટકા હિસ્સો, ૪૩ ટકા શહેરીકરણ, નલ સે જલનું સુદ્રઢ અમલીકરણ, દેશના કુલમાંથી ૪૦ ટકા પોર્ટ કાર્ગો હેન્ડલિંગ સાથે ગ્રામીણ વસ્તીના ૩૪ લાખ લોકોને સહકારી પ્રવૃત્તિ સાથે જોડવામાં આવ્યા છે. આ સિદ્ધિ નોંધનીય છે.સિંહાએ કહ્યું કે, ગુજરાતમાં કૃષિ ક્ષેત્રોનો પણ સાતત્યપૂર્ણ વિકાસ થઇ રહ્યો છે. છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. જે ગરીબ નિર્મૂલન માટે ખૂબ જ અગત્યની બાબત છે.તેમણે વિકાસના પાયામાં મહિલાઓની ભાગીદારી મહત્વની હોવા પર ભાર મૂકતા કહ્યું કે, વિશ્વના જે દેશો વિકસિત છે, તેના સ્ત્રી શિક્ષણનું પ્રમાણ જોઇએ તો માલૂમ પડશે કે ત્યાં સ્ત્રી શિક્ષણનો દર વધું છે. ભારતમાં આપણે હજુ ઉચ્ચ શિક્ષણમાં જેન્ડર ગેપ પૂરવાની જરૂર છે. વિકાસના પાયામાં ગરીબી નિર્મૂલન છે, તે દિશામાં કામ કરી રહેલા કેટલાક રાજ્યોના સંદર્ભમાં તેના કેટલાક માપદંડોની માહિતી આપતા તેમણે ઉમેર્યું કે, મહિલાઓને ઉચ્ચ શિક્ષણ, ફર્ટીલિટિમાં ઘટાડો, આરોગ્યક્ષેત્રમાં સુધારો, મહિલાઓના સ્વસહાય જૂથોની રચના કરી તેને પગભર કરવા, કૌશલ્યવર્ધન થકી આજીવિકાના વિવિધ સ્ત્રોતોનું નિર્માણ અને સ્વસહાય જૂથોનું બેંક સાથે જોડાણ જેવી બાબતો અગત્યની હોવાનું તેમણે કહ્યું હતું.અમરજીત સિન્હાએ ૧૦ મુદ્દા આધારિત વિકાસની વિભાવના આપી હતી. જેમાં કોમ્યુનિટી એકશન પ્લાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુપોષણ નિવારણ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, ખોરાક અને પોષણમાં વિવિધતા, ગ્રામ્ય કક્ષાએ જરૂરી દવાઓની ઉપલબ્ધી અને નવજાત બાળકોની કાળજી માટે ઘરગથ્થું ઉપાયો, બાળકોનું સંપૂર્ણ અને અસરકારક રસીકરણ જેવી બાબતોની વિભાવનાઓ ઉપર તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી.નારીશક્તિના નેતૃત્વમાં ગ્રામીણ વિકાસ કેવી રીતે કરી શકાય તે બાબતની પણ તેમણે સુંદર માહિતી આપી હતી અને માઇક્રોફાયનાન્સનું પ્રમાણ વધારવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો. શ્રી સિન્હાએ વિવિધ ઉહારણો આપીને મહિલાઓના શિક્ષણ અને આર્થિક સ્વનિર્ભરતાનું વાતાવરણ કેવી રીતે પૂરૂ પાડી શકાય અને તેમાં સ્થાનિક સંસ્થાઓ, સરકારો, સહકારી સંસ્થાઓના સમન્વયની આવશ્યક્તા હોવાનું જણાવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા માનવ વિકાસ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં સરકારી શાળાઓ, આંગણવાડીઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું સુદ્રઢીકરણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા એક તબક્કામાં ૪૧ કરોડ નાગરિકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં જળ સંચય ક્ષેત્રે થયેલી અદ્દભૂત કામગીરીની સિંહાએ પ્રશંસા કરતા કહ્યું કે, કોઇએ સ્વપ્નમાં પણ ના વિચાર્યું હોય કે આપણે એવા સ્થળે બેઠા છીએ જ્યાં જળ સંચયનું કામ પણ થયું છે અને સ્ટેચ્યું ઓફ યુનિટીનું નિર્માણ કરી પ્રવાસન સ્થળ પણ બનાવવામાં આવ્યું છે. જેના પરિણામે સ્થાનિક લોકોને માટે રોજગારીની તકોનું સર્જન થયું છે. ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રી મંડળના સદસ્યો, મુખ્ય સચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.