ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલના રૂમમાં રહેતા ત્રણ ભાવિ ડોક્ટરોનાં મોબાઇલ ફોન ચોરાઈ ગયાની ફરિયાદ સેકટર – ૭ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. હોસ્ટેલના રૂમમાંથી એકસાથે ૫૨ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોનની ઉઠાંતરીની ઘટના પ્રકાશમાં આવતાં કોઈ જાણભેદુએ ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં અપમૃત્યુની ઘટનાઓ અગાઉ ઘટી ચૂકી છે. ત્યારે હવે હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં હોસ્ટેલના રૂમમાં રહેતા ત્રણ વિધાર્થીઓનાં મોબાઇલ ફોન ચોરાઈ જતાં કોઈ જાણભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે. આ મામલે સેકટર – ૭ પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલના રૂમ નંબર – ૧૦૨ માં રહેતો મૂળ સિધ્ધપુરનો વતની શુભ રાકેશકુમાર પટેલ છેલ્લા પાંચ વર્ષથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છે. જેની સાથે રૂમમાં અન્ય વિધાર્થીઓ પણ રહે છે. ગત તા. ૨૩ મી મેનાં રોજ શુભ પટેલ તેનો મોબાઈલ ફોન બેડ ઉપર મૂકીને સૂઇ ગયો હતો.જ્યારે તેનો રૂમ પાર્ટનર દત્તકુમાર તેજસકુમાર ત્રિવેદી પણ પોતાનો મોબાઈલ બેડ ઉપર મુકી સુઇ ગયો હતો. આ દરમ્યાન વહેલી સવારે બીજાે એક રૂમ પાર્ટનર રૂપી ઘનશ્યામભાઈ પટેલ તાલીમ પુર્ણ કરી હોસ્ટેલ ખાતે રૂમ પર આવ્યો હતો. એ વખતે તેણે ઉક્ત બંને મોબાઇલ ફોન બેડ પર જાેયા હતા.બાદમાં રૂપી પણ રૂમના ટેબલ પર પોતાનો મોબાઈલ ફોન મૂકીને બેડ પર જઈને સૂઈ ગયો હતો. જાે કે ગરમી વધુ હોવાથી રૂમનો દરવાજાે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. બાદમાં સવારે સાડા સાતેક વાગે શુભ ઉઠયો હતો. એ વખતે ત્રણેયનાં મોબાઇલ ચોરાઈ ગયાની જાણ થઈ હતી. જેનાં પગલે હોસ્ટેલમાં અલગ અલગ જગ્યાએ મોબાઈલની તપાસ કરી અન્ય વિદ્યાર્થીઓને પણ પૂછતાંછ કરી હતી. પરંતુ મોબાઇલની ક્યાંય ભાળ મળી ન હતી. આ અંગે શુભની ફરિયાદના આધારે સેકટર – ૭ પોલીસે ૫૨ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.