જંત્રીના દરોમાં વધારો થવાની સીધી અસર ગુજરાત સરકારને જ થઇ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડે અગાઉ મૂકેલી ૧૩ ઇડબ્લ્યુએસ સ્કીમના દરેક યુનિટનો ભાવ સીધો દોઢ ગણો વધી જતાં હવે સરકારને આ માટેની પ્રક્રિયા નવેસરથી કરવી પડશે. આ સ્કીમો માટે આવેલી તમામ અરજીઓને રદ્દ કરીને અરજકર્તાઓને ડીપોઝિટ પરત આપવાનો ર્નિણય કરાયો છે. આ પ્રત્યેક મકાન યુનિટ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ૩ લાખ રૂપિયા સબસિડી પેટે આપે છે.
હાઉસિંગ બોર્ડે બોર્ડે અમદાવાદના ગોતા અને હાથીજણ, મહેમદાબાદ, બોરસદ, સૂરતના છાપરાભાઠા અને કોસાડ તથા કપડવંજ અને ડભોઇની કુલ ૧૩ સ્કીમો માટે ૨૦૧૯માં આવેદનો મંગાવ્યા હતા. દરેક સ્કીમોમાં સ્થળ પ્રમાણે મકાનની કિંમતો ૬ લાખથી લઇને ૧૨ લાખ નક્કી કરાઇ હતી. જેમાં અરજદારોને મકાનની કીંમતના ૧૦ ટકા રકમ ડિપોઝીટ તરીકે અરજી સાથે જમા કરાવવાની હતી. આ દરમિયાન કોવિડના સમયમાં માલસામાનની કીમતો વધી ગઇ અને તે સાથે હમણાં જ સરકારે જંત્રીનો ભાવ વધારતાં મકાનોની કીમતોમાં દોઢથી બે ગણો વધારો થઇ ગયો હોવાનું માલૂમ પડ્યું છે. આ કિસ્સામાં અગાઉ જાહેર થયેલી કિમતો પ્રમાણે અરજદારોને મકાન આપી શકાય તેવી સ્થિતિ નથી.
હાઉસિંગ બોર્ડે જાહેર કરેલા પત્રમાં માત્ર કોરોનાના કારણે થયેલા ભાવવધારાનું કારણ ટાંકીને કહેવાયું છે કે આ વધારાને કારણે ડીમાન્ડ સર્વે પ્રમાણે નક્કી કરાયેલી કીમત પ્રમાણે મકાન વેચવાનું બોર્ડને પરવડે તેમ નથી. આ સ્કીમોમાં હવેના માર્કેટભાવોને ધ્યાને રાખીને વેચાણ કીંમતમાં સુધારો કરવાની દરખાસ્ત સરકાર સમક્ષ કરવામાં આવી છે. આથી અરજદારોને ડિપોઝીટ રિફંડ કરવા ફોન કરીને જાણ કરવા અને તેના તમામ ચેક તૈયાર રાખવા માટે બોર્ડે સંબંધિત શહેરોના એસ્ટેટ મેનેજર અને કાર્યપાલક ઇજનેરોને જાણ કરી છે.આ સ્કીમો હેઠળ ૮,૦૦૦ મકાનો તૈયાર થવાના હતા, તેની સામે ૬,૦૦૦ અરજીઓ આવી હતી. અત્યાર સુધીમાં ૩૦૦૦ અરજદારોએ અરજી પાછી ખેંચી છે. મકાનોના ભાવ વધવાને કારણે ડિપોઝિટ પરત કરવા અંગેનો ર્નિણય પ્રક્રિયામાં છે | આર એસ નિનામા, કમિશનર, ગુજરાત હાઉસિંગ બોર્ડ