સાયક્લોન બિપર જોયને પગલે ગુજરાત રાજ્યમાં હાલમાં તંત્ર એલર્ટ મોડ પર છે અને જનતાના જીવ પણ તાળવે ચોંટેલા છે ત્યારે આ આફતનું ચક્કર ગણતરીના કલાકમાં ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતિ મુજબ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સૌથી વધારે અસરને લઈ અત્યારથી જ 1 લાખ જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આર્મી અને નેવીની ટીમો જીંદગી બચાવવા માટે જેહમત ઉઠાવી રહી છે.
પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાંથી ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. તે કરાચીથી માત્ર 410 કિલોમીટર દૂર છે. બિપરજોય 15 જૂને કરાચીની સાથે સિંધના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા છે. જોકે, 17-18 જૂન સુધીમાં તેની તીવ્રતા ઘટશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે આ 72 કલાક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય દરમિયાન 140-150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ સિવાય કેન્દ્રની નજીક 170 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં દરિયામાં 30 ફૂટ ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બિપરજોયને સૌથી વધુ નુકસાન થવાની ધારણા છે. સિંધના મુખ્ય પ્રધાન સૈયદ મુરાદ અલી શાહે કહ્યું કે કટોકટી જાહેર કરવામાં આવી છે અને સેના અને નૌકાદળને 80,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે.
શેરી રહેમાને જણાવ્યું કે બલૂચિસ્તાનમાં 43 કેમ્પ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 40,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં બીચની નજીક અને આસપાસ રહેતા લોકોને તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. પાકિસ્તાની હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બિપરજોય સિંધ અને બલૂચિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. ચક્રવાત બાયપરજોયની અસર કરાચીમાં દેખાઈ રહી છે, અહીં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.