ગુજરાતના મહાનગરોનો વ્યાપ વધી રહ્યો છે. જેની સાથે પ્રોપર્ટીના ભાવ પણ આસમાને આંબી રહ્યાં છે. ગુજરાતના મહાનગરોમાં ગ્રાહકોને લુભાવતી અનેક મસમોટી સ્કીમ બિલ્ડરો દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે. પરંતુ આ સાથે જ બિલ્ડરોના બખડજંતરની એક ફરિયાદ ઉઠી છે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ મેઈન્ટેનન્સના નામે લેવાતી ડિપોઝીટ સભાસદોને પરત કરવામાં બિલ્ડર આનાકાની કરી રહ્યાં છે. હાલ સામે આવ્યું છે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા ગુજરાતના સાત મહાનગરમોમાં ફ્લેટ અને કમર્શિયલ પ્રોપર્ટી એકવાર બંધાઈ જાય તો, બાદમાં બિલ્ડરો મેઈન્ટેનન્સની ડિપોઝીટ પરત કરવાના નિયમોને ઘોળીને પી જાય છે. આ રકમ આપવી ન પડે તે માટે તેઓ બહાનેબાજી કરે છે.
આ મામલે જાણવા મળ્યું કે, પ્રોજેક્ટ પ્રમોટર્સ દ્વારા સભાસદો પાસેથી લેવાતા મેઈન્ટેનન્સની ડિપોઝીટ અથવા એડવાન્સ મેઈન્ટેનન્સની ફી તરીકે મેળવેલી રકમ ન મળવાની ફરિયાદો મળી રહી છે.
શું છે મેઈન્ટેનન્સની ડિપોઝીટ અંગેના નિયમો
મેઈન્ટેનન્સની ડિપોઝીટ પરત લેવાના પણ ગુજરેરાના નિયમો છે. જે મુજબ બિલ્ડીંગ યુઝની પરવાનગી મળ્યા પછી જ મેઈન્ટેનન્સની ડિપોઝીટ નાણાં ઉઘરાવી શકાય છે
મેઈન્ટેનન્સની ડિપોઝીટ પ્રોજેક્ટના બાઁધકામ અંગેના ખર્ચ સ્વરૂપે મેળવવામાં આવેલી રકમ નહિ ગણાય અને તે રકમ ભવિષ્યમાં સોસાયાટીના સભાસદો દ્વારા સંચાલિત થઈ શકે તેવા અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે.
મેઈન્ટેનન્સની ડિપોઝીટ રોકડેથી નહિ, પરંતું ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ કે પછી ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમની મેળવી અલગ ખાતામાં જમા કરાવવાની રહેશે.
ભવિષ્યમાં વિવાદ ન થાય તે માટે મેઈન્ટેનન્સની ડિપોઝીટ લીધાની યોગ્ય રિસિપ્ટ દરેક સભાસદને આપવાની રહેશે.