ડાયમંડ નગરી સુરતમાં જીમ જતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિણીતા પર જીમ ટ્રેનરે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. શહેરના સલાબતપુરાની પરિણીતા પર જીમ ટ્રેનરે આ કૃત્ય કર્યું, એટલું જ નહીં જીમ સંચાલકની પત્નીએ પણ પરણીતાને ગાળો બોલી ફટકારી હતી. પરિણીતાની ફરિયાદ બાદ પોલીસે જિમ ટ્રેનર કૌશરઅલી કુબ્બાવાલાની ધરપકડ કરી હતી. સલાબતપુરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં બે સંતાનની માતાને જીમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પતિ સાથે છુટાછેડા લેવડાવ્યા બાદ લીવ ઇનમાં રહેતા હતા. પરંતુ ગણતરીના દિવસોમાં જ નાની-નાની વાતોમાં ઝઘડા કરી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ સલાબતપુરા પોલીસમાં દુષ્કર્મ અને માર માર્યાની ફરીયાદ જીમ ટ્રેનર અને તેની પત્ની વિરૂધ્ધ નોંધાવી છે. બેગમપુરા વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાનો રહેણાંક વિસ્તારના એકસ્ટ્રીમ ફીટનેસ જીમમાં તેનો પરિચય કૌશરઅલી શબ્બીરઅલી કુબ્બાવાલા સાથે થયો હતો.જીમ ટ્રેનર તેને પર્સનલ ટ્રેનીંગ આપતો હતો તે દરમિયાન બંને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાનમાં કૌશરની ઓફિસ અને ઘરે બંને વચ્ચે અનેક વખત એકાંત માણ્યું હતું. તેણી કૌશર સાથે જીવન વીતવવા ઇચ્છતી હોવાથી જાન્યુઆરી 2022 માં પતિને છુટાછેડા આપી કૌશરના ઘરે લીવ ઇનમાં રહેતી હતી. બંનેએ રમઝાન પછી લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ થોડા દિવસો બાદ કૌશર અને તેની વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા અને શારિરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી સ્વેચ્છાએ માતા-પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી. પરંતુ કૌશર અને તેની પત્ની તેને મારી નાંખવાની ધમકી આપતા હતા. જેથી તેણે દુષ્કર્મ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય અને માર માર્યાની ફરીયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે કૌશર જીમ ટ્રેનર ઉપરાંત બેગમપુરા વિસ્તારમાં કેબલ નેટવર્કનો પણ ધંધો કરે છે.