રાજકોટમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ દિનરાત જોયા વગર મહેનત કરી રહી છે. ત્યારે ગઈકાલે રામનાથપરામાં એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકીંગમાં હતો ત્યારે ગોંડલ રોડ પુનીતનગર હા.બોર્ડ કવાર્ટરમાં રહેતો શખ્સ ગુજરાત પોલીસના લોગો વાળુ ટીશર્ટ પહેરીને નીકળતા તેની પૂછપરછ કરતા પોતે પોલીસમાં હોવાનું જણાવ્યું હતું. જો કે બાદમાં પોલીસે તેની પોલ ખોલી ગુનો નોંધ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રામનાથપરામાં એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ વી.એમ. ડોડીયા, એએસઆઈ ધર્મેશભાઈ ખેર, મેરૂભા, ભરતસિંહ ગોહીલ, અને મૌલીકભાઈ સહિતનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો ત્યારે ત્યાંથી હિતેન્દ્રસિંહ ગગુભા જાડેજા (રહે. ગોંડલ રોડ પુનિતનગર હાઉસીંગ બોર્ડ કવાર્ટર) વાળાએ ગુજરાત પોલીસનો લોકો વાળુ ટીશર્ટ અને બાઈકમાં પ્રેસ લખેલું હતું. તેને રોકતા ચાલક હિતેન્દ્રસિંહે પોલીસમાં હોવાનું જણાવ્યું હતું. જેથી ઓળખકાર્ડ માંગતા ચાલક ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો અને પીએસઆઈ વી.એચ. ડોડીયા સહિતના સ્ટાફે ખરાઈ કરતા હિતેન્દ્રસિંહ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું માલુમ પડયું હતું. જેથી હિતેન્દ્રસિંહ વિરૂધ્ધ રાજય સેવકની ઓળખ આપવા બદલ ગુનો નોંધ્યો હતો. તેણે રાત લોકઅપમાં વિતાવી હતી.