ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. જે અન્વયે રોજનો ૧૦૦ કિલોથી વધુનો કચરો ઉત્પન્ન કરતા હોટલ, શોપિંગ કોમ્પ્લેક્સથી માંડીને ખાનગી-સરકારી કચેરીઓએ સ્થળ પર જ કચરાના પ્રોસેસ-નિકાલની વ્યવસ્થા કરવાની રહેશે.ગાંધીનગર સ્વચ્છ સુંદર બનાવવાની સાથે કચરાના નિકાલની પણ સુવિધા વધુ સુદ્રઢ બનાવવાનું મનપાએ આયોજન ઘડી કાઢ્યું છે. જે અન્વયે રોજ ૧૦૦ કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા બિન રહેણાક એકમોએ સૂકા અને લીલા કચરાનો અલગ-અલગ સંગ્રહ કરીને સ્થળ પર જ પ્રોસેસ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકારના પબ્લિક હેલ્થ બાયલોઝ-૨૦૧૮ મુજબ બલ્ક વેસ્ટ જનરેટર નોટિફિકેશનનો ગાંધીનગરમાં અમલ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આ નોટિફિકેશનમાં તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ક્લબ રિસોર્ટ, માર્કેટ એસોસિએશન, મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, છાત્રાલય, શૈક્ષણિક-ધાર્મિકસંસ્થા, ખાનગી કે સરકારી ઓફિસ, બાગ-બકીચા, હોસ્પિટલ નર્સિંગ હોમ, પાર્ટી પ્લોટ, લગ્નવાડી જેવા એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ નોટિફાય થયેલા તમામ બલ્ક વેસ્ટ જનરેટરે ભીના કચરાના નિકાલ માટે વર્મીકમ્પોસ્ટ, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન કે બાયોગેસ પ્લાન્ટ જેવી સુવિધા ઊભી કરવાની રહેશે. જ્યારે સૂકા કચરાને રીસાયકલ કરવો પડશે. કોઈ સંસ્થા પાસે સુવિધા અથવા જગ્યાનો અભાવ હોય તો કોર્પોરેશન દ્વારા એમ્પેનલ થયેલી એજન્સી પાસે આ કામગીરી કરાવવાની રહેશે.
ઉપરાંત કચરાના નિકાલ અને પ્રોસેસ માટે મનપા દ્વારા એજન્સીઓને એમ્પેનલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એજન્સીઓ દ્વારા નિયત થયેલી રકમ ચૂકવીને બલ્ક વેસ્ટ જનરેટર એકમો કચરાનું વ્યવસ્થાપન કરી શકશે. વાણિજ્યિક એકમોમાં આ પ્રોજેક્ટને સફળતા મળ્યા બાદ હાઉસિંગ સોસાયટી સહિતના રહેણાક એકમોને પણ આવરી લેવામાં આવશે.