શ્રેષ્ઠ માનવના નિર્માણ માટે બાળકનું શ્રેષ્ઠ હોવું અનિવાર્ય છે. આ માટે પ્રયત્નશીલ ભારતની અને સંભવત: વિશ્વની પહેલી એવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ૧૪મા સ્થાપના દિવસ અને ચોથા દીક્ષાંત સમારોહનું આજે ગાંધીનગરમાં ભવ્ય આયોજન કરાયું હતું. સ્વર્ણિમ સંકુલ-૧ના સાબરમતી ખંડમાં યોજાયેલા આ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. શ્રેષ્ઠ માનવના સર્જન માટે પ્રયત્નશીલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સમગ્ર ટીમને તેમણે અભિનંદન આપ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, આ ધરતી પર સૌથી શ્રેષ્ઠ પ્રાણી મનુષ્ય છે, પણ જો તેમાં માનવતા અને મૂલ્યો હોય તો. અન્યથા મનુષ્યથી ક્રૂર અને દુષ્ટ પ્રાણી બીજું કોઈ નથી. શ્રેષ્ઠ મનુષ્ય શાંતિ અને સુખ આપે છે. મનુષ્ય જ સ્વર્ગ અને નરક સર્જે છે. આવા શ્રેષ્ઠ મનુષ્યનું નિર્માણ કઠિન છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણના વિઝન અને ચિંતનથી આ દિશામાં મહત્વનું કામ કરી રહી છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ સિગમન્ડ ફ્રાઇડનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, એમની છેલ્લી અવસ્થામાં કોઈએ એમને પૂછ્યું કે, “બાળકનું સારામાં સારું ઘડતર ક્યારે થાય છે?” ત્યારે તેમણે કહ્યું કે,” મા ના ખોળામાં સૂતેલું બાળક જ્યારે પોતાના પગનો અંગૂઠો મોઢામાં લેતાં શીખે છે ત્યારે તેનું શ્રેષ્ઠ ઘડતર થાય છે.” ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઋષિમુનિઓ સિગમંડ ફ્રાઇડથી પણ આગળ છે. આપણા શાસ્ત્રો કહે છે કે, ગર્ભમાં જ બાળકને સંસ્કાર અને શિક્ષણ મળે છે. ભારતીય જીવનમૂલ્યો અને પરંપરા પ્રમાણે વિવિધ પ્રકારના ૧૬ સંસ્કારોની ભઠ્ઠીમાં તપીને કુંદન તૈયાર થાય છે. મા ના ગર્ભમાં જ બાળક સાંભળવાનું શરૂ કરે છે. મા ના સંસ્કારો અને દિનચર્યાનો માનસિક પ્રભાવ ગર્ભસ્થ શિશુ પર પડે છે. ભારતીય ઋષિમુનિઓ રિસર્ચર હતા, સ્કોલર હતા. તે સમયે ઋષિમુનિઓએ જે જે સંશોધનો કરીને સમાજ સમક્ષ મૂક્યા છે એ સંશોધનો આજના રિસર્ચર્સ વૈજ્ઞાનિક પરીક્ષણો પછી સિદ્ધ કરી રહ્યા છે, એમ કહીને રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, આવા દીર્ઘદ્રષ્ટા ઋષિમુનિઓએ આ વાતો સાબિત કરી છે.
ખેડૂત ધરતીમાં બીજ વાવે છે ત્યારે બીજ અંકુરિત થાય તે પહેલાં નિંદામણ ઊગી જાય છે. દુનિયામાં પણ આવું જ છે, બાળકોને સારું શિક્ષણ અને સંસ્કારો મળે તે પહેલાં બુરાઈ પોતાનો પ્રભાવ દેખાડી દે છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માઇક્રોફોનનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, માઇક્રોફોનમાં પાંચ રૂપિયાની કિંમતનું લોખંડ અને પાંચ રૂપિયાની કિંમતનું પ્લાસ્ટિક; એમ જોઈએ તો ૧૦ રૂપિયાના મૂલ્યની વસ્તુઓ વપરાયેલી છે. છતાં આ માઇક્રોફોનની કિંમત ૩૫ હજાર રૂપિયા છે. એટલે મૂલ્ય હંમેશા ગુણોનું છે, સંસ્કારનું છે. આ સૃષ્ટિ પર અનેક મનુષ્યો આમ-તેમ ભટકે છે પરંતુ જેમણે સંસ્કારો મેળવ્યા છે, જેમણે શિક્ષણ મેળવ્યું છે તેઓ જ સન્માન મેળવે છે.
રાજ્યપાલ શ્રી આ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, અન્યના દુઃખો જોઈને જેની આંખો ભીંજાય છે, બીજાના ઘા પર પોતાના હૃદયથી મલમ લગાડી શકે છે એ જ મનુષ્ય મહાન છે. જેના હૃદયમાં દયા અને કરુણા છે એ જ મનુષ્ય મહાન છે.
પદવી પ્રાપ્ત કરનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષકની કારકિર્દી એક વ્યવસાય નહિ, પણ જીવન દર્શન સાથે વ્યક્તિ નિર્માણની સાધના છે. એટલે જ, રાષ્ટ્ર નિર્માણના પ્રજ્વલિત યજ્ઞમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન શિક્ષકોનું હોય છે. એક શિક્ષક બાળ માનસના વિકાસ થકી સમાજમાં સદભાવનાનું વાતાવરણ ઉભુ કરે છે. આજે પદવી પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થી પણ રાષ્ટ્ર નિર્માણ સહિત સમાજ કલ્યાણ માટે સમર્પિત રહી પોતાની ફરજનું પાલન કરે, તેવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પહેલાના સમયમાં શેરી રમતો હતી, જેના પરિણામે બાળકનો માનસિક અને શારીરિક વિકાસ યોગ્ય થતો હતો. આજના સમયમાં આ શેરી રમતોનું સ્થાન વિડીયો ગેમ્સે લીધું છે, જેની બાળ માનસ ઉપર ખુબ જ મોટી અસર જોવા મળી રહી છે. એટલા માટે જ, બાળપણથી જ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી વાલી સહિત શિક્ષકોની પણ છે. બાળકના માતા-પિતાએ સૌથી વધુ કાળજી લેવાની જરૂર છે, કારણ કે બાળક તેના માતા-પિતાનું જ પ્રતિબિંબ હોય છે. આજન સમયની માંગને ધ્યાને રાખીને જ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની સૌપ્રથમ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.
આ સમારોહ દરમિયાન વિવિધ વિદ્યાશાખાના અનુસ્નાતક ડિપ્લોમા, અનુસ્નાતક અને પીએચડીના ચાર તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીના હસ્તે સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ વિદ્યાશાખાના મળી કુલ ૯૧ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
બાળ વિશ્વવિદ્યાલયના ૧૪માં સ્થાપના દિવસ નિમિત્તે પ્રથમવાર ગિજુભાઈ બધેકા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શ્રેષ્ઠ બાળગુરુ કેટેગરીમાં અમદાવાદના નિવૃત્ત શિક્ષક શ્રી રમણલાલ સોની તેમજ શ્રેષ્ઠ બાલવાટિકા કેટેગરીમાં ભાવનગરના દક્ષિણામૂર્તિ વિનય મંદિરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ‘મજાનો ખજાનો’ કીટ તેમજ NCFECCEના ગુજરાતી સંસ્કરણ પુસ્તકનું પણ રાજ્યપાલશ્રીએ વિમોચન કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લેકચર સીરીઝ ‘યજ્ઞ’નો શુભારંભ કરાવ્યો હતો. જેના પ્રથમ મણકા અંતર્ગત ડૉ. ભદ્રાયુ વછરાજાનીએ દ્વારા વિદ્વતાસભર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે વ્યાખ્યાન દરમિયાન બાળકનો સુયોગ્ય વિકાસ અને તેનું તેજસ્વી ઘડતર કઈ રીતે થઇ શકે તે અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે બાળકોના ઉછેર સમયે માતા-પિતાએ શું કાળજી લેવી જોઈએ તે અંગે પણ વિગતવાર વાત કરી હતી.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા, જ્યારે રજીસ્ટ્રાર શ્રી અમિત જાનીએ અગ્રીમ વિધિ કરી હતી.