રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. ત્યારે કોંગ્રેસમાંથી કચરો સાફ થઈ રહ્યો છે અને ભાજપ જે બણગા ફૂંકે છે, કે કોંગ્રેસ મુક્ત ગુજરાત, પણ ભાજપ ભેળસેળયુક્ત અને તે પણ સૌથી વધારે સંખ્યામાં આખેઆખું ગૌત્ર ભાજપમાં રમાઈ ગયું છે. ત્યારે પૂર્વ સાંસદ એવા કિશન પટેલ મધપુડો છોડીને પ્રજા સાથે દ્રોહ કરનારા ધારાસભ્ય જીતુ ચૌધરીને ગધેડા પર બેસાડીને તેના ઘરે મુકવા જવું જોઈએ અને ચંપલના હાર પહેરાવીને ચંપલથી માર મારવો જોઈએ અને જીતુ ચૌધરી 50 કરોડમાં વહેંચાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.
રાજ્યસભાની ચૂંટણીના આડે હવે માત્ર સાત દિવસ બાકી હોય ત્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદનો બળાપો અને જે આક્ષેપો કરેલા છે તેમાં વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં આ ચર્ચા ચગડોળે ચઢી છે. પૂર્વ સાંસદ કિશન પટેલે જણાવ્યું છે કે વલસાડના કોંગ્રેસના નેતાઓ માફી માગે. એટલું જ નહીં, જીતુ ચૌધરીને ચૂંટણીમાં મદદ કરનાર લોકો પણ માફી માગે. કિશન પટેલે ગૌરવ પંડ્યાથી લઈ તમામ મોટા નેતાઓ પાસે માફીની માગ કરી છે. કિશન પટેલે વિરોધ દર્શાવી વિવાદ ઉભો કર્યો છે. જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યસભાની ચૂંટણી અગાઉ જ કપરાડાના કોંગી ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામું આપી દઇને કોંગી નેતાઓ-કાર્યકરોને આઘાત આપ્યો છે તેની અસર પણ હજી તીવ્ર હોવાનું જણાય રહ્યું છે. વલસાડના માજી સાંસદ અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે આજે પ્રજા અને પાર્ટી સાથે દ્રોહ કરનાર જીતુ ચૌધરીને લોકોએ તથા કાર્યકરોએ ગધેડા પર બેસાડીને ઘરે મૂકી આવવા જોઇએ, ચંપલનો હાર પહેરાવીને, ચંપલથી માર મારવા જોઇએ તેવી ઉગ્ર ટિપ્પણી કરીને વિવાદનો મધપૂડો છંછેડયો છે.
કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામું આપવાના કારણમાં માજી સાંસદ કિશન પટેલે લોકસભાની 2019ની ચૂંટણીમાં ગદ્દારી કરી હતી, તેમના માટે કામ કર્યુ નહોતું તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો. જેને લઇને રોષે ભરાયેલા કિશન પટેલે આજરોજ ધરમપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલાવેલી પત્રકાર પરિષદમાં, પૈસા સામે ભલભલા ઝુકી જાય છે તેવી ટકોર કરી, જીતુ ચૌધરી રૂપિયા 50 કરોડમાં વેચાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. કાર્યકરો-નેતાઓએ લોહી-પરસેવો એક કરીને, મહેનત કરીને, ભૂખે રહીને તેમજ સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાનું ટાળીને તો કોઇકે લાગણી રાખીને જીતુ ચૌધરીને ચૂંટણીમાં મદદ કરી હતી. આમ છતાં તેમણે પક્ષને અચાનક ધક્કો આપ્યો હતો. આ ઘટના કોંગ્રેસના નેતા-કાર્યકરોને શરમાવે તેવી ઘટના છે તેમ માજી સાંસદે જણાવ્યું હતું. કિશન પટેલે વધુમાં જણાવ્યું કે, જે માણસ વેચાઇ ગયો છે, તેને પ્રજા અને પાર્ટી મહત્ત્વ ન આપે. પાર્ટી સાથે દગો કરનાર માણસને ગધેડા પર બેસાડીને ઘરે મૂકવા જવું જોઇએ તેવી ટિપ્પણી તેમણે કરી હતી.