પીએમ-સ્વનિધિ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણમાં ગુજરાત ત્રીજા ક્રમે: રાજ્યમાં ત્રણ તબક્કામાં ૪,૧૨,૩૫૮ ફેરીયાઓની લોન મંજુર તે પૈકી ૩,૯૯,૭૩૬ ફેરીયાઓને લોન ચૂકવાઈ
ગાંધીનગર ખાતે ગુજરાત સહિત ત્રણ રાજ્યો – કેન્દ્ર શાસિત પ્રદેશની PM-સ્વનિધિ યોજના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
કોવિડ-૧૯થી અસરગ્રસ્ત શેરી ફેરીયાઓને તેમની આજીવિકા માટે વ્યવસાય શરૂ કરી શકે તે આશયથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ‘પી.એમ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મ નિર્ભર નિધિ (PM-SVAnidhi) યોજના’ શહેરી ગરીબો માટે આશિર્વાદરૂપ પૂરવાર થઈ રહી છે, તેમ કેન્દ્રીય રાજ્ય નાણા મંત્રી શ્રી ભાગવત કરાડે જણાવ્યું હતું.
તાજેતરમાં જ ગાંધીનગર ખાતે કેન્દ્રીય નાણા મંત્રી શ્રી કરાડના અધ્યક્ષ સ્થાને ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ગોવા, દમણ-દીવ તથા દાદરા નગર હવેલીના ઉચ્ચ અધિકારીઓ સાથે પીએમ-સ્વનિધિ યોજનાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગરીબમાં ગરીબ નાગરિકોની આજીવિકામાં મદદરૂપ થવા કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરાઇ છે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા COVID – 19 થી અસરગ્રસ્ત શેરી ફેરીયાઓ તેમની આજીવિકા માટે વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી શેરી ફેરીયાઓને વર્કીંગ કેપીટલ લોન અપાવવા ૧૦૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના પીએમ-સ્વનિધિ, જૂન-૨૦૨૦થી શરૂ કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું કે, આ યોજના હેઠળ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં લોન લેવા ઇચ્છુક શેરી ફેરીયાઓએ ઓન-લાઇન અરજી કરવાની હોય છે. આ યોજના હેઠળ શેરી ફેરીયાઓને રૂ.૧૦,૦૦૦/- સુધીની વર્કીંગ કેપીટલ લોન મળવા પાત્ર છે, જેમાં કોઇપણ પ્રકારની સિક્યુરિટી આપવાની રહેતી નથી. લોનની ભરપાઇ માસીક હપ્તાથી એક વર્ષ સુધીમાં કરવાની રહે છે. જે પૂર્ણ થયેથી દ્વિતીય લોન રૂ.૨૦,૦૦૦/- અને ત્યારબાદ તૃતીય લોન રૂ.૫૦,૦૦૦/-ની મળવાપાત્ર છે. સમયસર કે વહેલા લોનની ભરપાઇ પર વાર્ષિક ૭ ટકા વ્યાજ સહાય લાભાર્થીના બેંક ખાતામાં DBT મારફતે ત્રિમાસિક જમા કરવામાં આવે છે. આ યોજનાની ધિરાણ બેંકો દ્વારા કરવામાં આવે છે. શેરી ફેરીયાઓ દ્વારા કરવામાં આવતા ડીજીટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા આ યોજનામાં ફેરીયાઓને માસિક કેશબેક પ્રોત્સાહક સ્વરૂપે આપવામાં આવે છે. જેમાં દર માસે કુલ મહત્તમ ૧૦૦ ડીજીટલ ટ્રાન્જેક્શન પર મહત્તમ રૂ.૧૦૦/- કેશબેક મળે છે. જે મુજબ વાર્ષિક મહત્તમ રૂ. ૧,૨૦૦/- કેશબેક મળવાપાત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ-સ્વનિધિ યોજના અંતર્ગત તા. ૦૨/૦૮/૨૦૨૩ની સ્થિતિએ સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૪૧,૦૯,૩૬૦ શેરી ફેરીયાઓની પ્રથમ લોન મંજૂર થઇ છે. જેમાંથી કુલ ૩૯,૧૩,૮૦૬ શેરી ફેરીયાઓને લોનની ચૂકવણી કરવામાં આવી છે. જે અન્વયે ગુજરાતમાં કુલ ૩,૧૪,૩૪૬ શેરી ફેરીયાઓની પ્રથમ લોન મંજૂર થયેલ છે જેમાંથી કુલ ૩,૦૫,૦૩૩ શેરી ફેરીયાઓને લોન ચૂકવવામાં આવેલ છે. રાજ્યમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય લોન મળી કુલ ૪,૧૨,૩૫૮ ફેરીયાઓની લોન મંજૂર કરાઈ છે. જેમાંથી કુલ ૩,૯૯,૭૩૬ શેરી ફેરીયાઓને લોનની ચૂકવણી કરી દેવાઈ છે. ડીઝીટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા પીએમ-સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરીયાઓને માસિક મહત્તમ રૂ. ૧૦૦/- લેખે વાર્ષિક મહત્તમ રૂ.૧,૨૦૦/- કેશબેક મળવાપાત્ર થાય છે. જે અંતર્ગત રાજ્યમાં ૧,૫૦,૭૭૦ શેરી ફેરીયાઓ દ્વારા ડીઝીટલ ટ્રાન્જેક્શન કરી રૂ. ૩.૦૩/- કરોડ કેશબેક મેળવેલ છે. પીએમ-સ્વનિધિ યોજનાનાં લાભાર્થીઓ અને તેમના પરિવારને સરકારની અન્ય આઠ યોજનાઓ સાથે જોડી તેનો લાભ આપી શકાય તે હેતુથી “સ્વનિધિ સે સમૃધ્ધિ” કાર્યક્રમ અમલી બનાવાયો છે. ભારત સરકાર દ્વારા પીએમ-સ્વનિધિ યોજના અંતર્ગત રાજ્યોને આપવામાં આવતા ક્રમાંકમાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ કામગીરી સાથે ત્રીજા સ્થાન ઉપર છે.
આ બેઠકમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તમામ મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓ, સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના ચેરમેનશ્રીઓ તથા અગ્રણી બેન્કના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.