પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી સત્તા મંડળ ગાંધીનગર દ્વારા કુડાસણ અને સરગાસણ નગર રચનાના ૩૯૨ આવાસોની ફાળવણી માટે મહેસૂલ મંત્રીશ્રીના હસ્તે ડ્રો યોજવામાં આવ્યો. વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારે ઘનિષ્ઠ પ્રયાસો કર્યા છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ગમે અને રહેવાનું મન થાય તેવા આધુનિક સ્ટાન્ડર્ડ ધરાવતા આવાસોના નિર્માણનું આયોજન કરીને ૨૭૩૬ આવાસો ૩૩૩ કરોડના ખર્ચે નવ નિર્માણ પામ્યા છે. એમ રાજયના મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે આજે ગાંધીનગર શહેરી સત્તા મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેની આવાસ યોજનાના કુડાસણ અને સરગાસણમાં તૈયાર થનાર ૩૯૨ આવાસો માટે યોજાયેલ કોમ્પ્યુટર ડ્રો કરતાં જણાવ્યું હતું.
મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે,પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૬૯૦૮ ચોરસ મીટરમાં નિર્માણ પામેલ કુડાસણ નગર રચનાના ૩૩૬ અને સરગાસણ નગર રચનાના ૩૯૨ આવાસો મળી કુલ ૭૨૮ આવાસો માટે ૫૮.૩૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેની જરૂરિયાત મંદ લાભાર્થીઓને ફાળવણી કરવા માટે આ કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં લાગેલ ડ્રોના લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આર્થિક રીતે નબળા વર્ગો EWS ના આવાસો માટે ૩૪.૩૬ ચો. મી. કાર્પેટ એરિયાના બાંધકામમાં રાજય સરકારનો ૧.૫ લાખ અને કેન્દ્ર સરકારનો ૧.૫ લાખ ફાળો મળી કુલ ૩ લાખની સહાય પ્રાપ્ત થયેલ છે. આવાસની કિંમત રૂ.8.50 લાખ પૈકી લાભાર્થીએ ફકત ૫.૫૦ લાખ ચૂકવવાના થાય છે. તથા ૫૦ હજાર મેઇન્ટેન્સ ચાર્જ ચૂકવવાનો રહેશે.
શહેરી સત્તા મંડળના સચિવશ્રીએ માહિતી આપતાં જણાવ્યું કે, પ્રત્યેક આવાસનો કાર્પેટ એરિયા ૩૪.૩૬ ચો.મી.ના બાંધકામમાં લિવિંગ રૂમ, બેડ રૂમ કિચન, વોશ એરિયા, બાથરૂમ અને ડબલ્યુ સી.નો સમાવેશ થાય છે. આવાસની કિંમતમાં જમીનની કિંમત ન લેતાં ફાળવવામાં આવનાર પ્રત્યેક આવાસની કિંમત રૂા.૮.૫૦ લાખ છે. આ આવાસ ૭ મજલાનું આર.સી.સી. ફ્રેમ પ્રકારનું બાંધકામ ધરાવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS ના યોજાયેલ કોમ્પ્યુટરાઇઝ ડ્રો ના કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર શહેરી સત્તા મંડળના ચેરમેન અને મ.ન.પા.ના કમિશનર શ્રીમતી રતનકંવર ગઢવીચારણ, શહેરી ગૃહ નિર્માણના સચિવશ્રી લોચન શહેરા, મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ, તેમજ શહેરી સત્તા મંડળના સભ્યો, નાયબ કલેકટરશ્રી તેમજ લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ શ્રી સંજયભાઇ પટેલે કરી હતી.