પાટીદાર અનામત આંદોલનના મહિલા નેતા અને આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ લગ્નના બંધનથી જોડાયા છે. તેઓએ ગોંડલના ચિંતન સોજીત્રા સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા છે. ત્યારે રેશમા પટેલે રજિસ્ટર્ડ મેરેજની તસવીરો શેર કરી છે. સાથે જ સોશિયલ મીડિયા પોસ્ટમાં લગ્ન વિશેની ખુશી વ્યક્ત કરી છે.
જુનાગઢની હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર કચેરીમાં લગ્નની નોંધણી કરાવી છે. થોડા સમય પહેલા રેશમા પટેલે ચિંતન સોજીત્રા સાથે સગાઈની જાહેરાત કરી હતી. રેશમા પટેલે જણાવ્યુ હતું કે, ચિંતન સોજીત્રાને તેઓ એક સામાજિક ફંક્શનમાં મળ્યાં હતાં. મારો પરિવાર અને તેમનો પરિવાર બન્ને એકબીજાથી પરિચિત હતા.
રેશમા પટેલ હાલ આમ આદમી પાર્ટીના નેતા અને પાર્ટીમાં આપ ગુજરાત વુમન વિંગ્સના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળે છે. ઉલ્લેખનીય છે કે, તેઓ પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. તે સમયે તેઓ ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા.
તેના બાદ તેઓએ ભાજપમાં જોડાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના બાદ તેઓ એનસીપીમાં જોડાયા, અને એનસીપી સાથે છેડો ફાડીને આપ ગુજરાત સાથે જોડાયા હતા.ચિંતન સોજીત્રાની ઓળખ આપતા રેશમા પટેલે જણાવ્યુ હતું કે, તે ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. જૂનાગઢ અને ગોંડલ બિઝનેસ ધરાવે છે અને તેનું મૂળ વતન ગોંડલ છે.