ભગવાન શિવની પૂજા-અર્ચના કરવા માટેના શ્રેષ્ઠ એવા પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે. ત્યારે ગુજરાતના મંદિરોમાં આજે ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. ગુજરાતના મંદિરો જેટલા સમૃદ્ધ છે, એટલા જ સુવિધાના મામલે આગળ પડતા છે. ગુજરાતના મંદિરોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ જોવા મળે છે. જે આશ્ચર્ય પમાડે. ત્યારે આ માહિતી બહુ ઓછા ભક્તોને ખબર હશે કે, ઉત્તર ગુજરાતના 5 પ્રસિદ્ધ યાત્રાધામો સૌર ઊર્જા સંચાલિત છે. બહુચરાજી, અંબાજી, શામળાજી, મોઢેશ્વરી મંદિર અને ઊંઝા ઉમિયા ધામ સૌર ઊર્જા સંચાલિત છે. ઉત્તર ગુજરાતના આ 5 યાત્રાધામો 398 કિલો વોટ ક્ષમતાની સોલર રુફટોપ સિસ્ટમ લગાવાઇ છે. સૌર ઉર્જાથી આ યાત્રાધામો દર વર્ષે 21.60 કરોડની વીજ બચત કરે છે. મહેસાણા જિલ્લોએ દેશમાં પ્રથમ સોલર વિલેજના કારણે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે ત્યારે વધુ એક સોલર ક્ષેત્રે સમગ્ર ઉત્તર ગુજરાતે ઝળહળતી સિદ્ધી મેળવી છે. ખુશીની વાત એ છે કે, ગુજરાતના યાત્રાધામ પણ સોલાર સંચાલિત છે. જે બતાવે છે કે, ગુજરાતના યાત્રાધામો પણ કેટલા આધુનિક છે. દેશના પ્રથમ એવા મોઢેરા સોલર વિલેજનું હમણાંજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું. મોઢેરા દેશનું એવું પ્રથમ ગામ છે કે જ્યાં સૂર્ય મંદિર સાથે આખું ગામ સૌર ઊર્જા ઉતપન્ન કરી વીજ પુરવઠાની બચત કરી હાલની વીજળીની અછત વચ્ચે ઉત્તમ ઉદાહરણ આપી રહ્યું છે. ત્યારે આવું જ એક પ્રેરણાદાયી કામ બહુચરાજી મંદિરનું છે. શક્તિપીઠ બહુચરાજી સમગ્ર મંદિર સોલર રુફટોફથી સજ્જ બન્યું છે. મન્દિર પરિસર સૌર ઉર્જાથી સજ્જ થતા સમગ્ર મંદિરના લાઈટબીલ તો બચ્યું છે સાથે સાથે વધારા નું વીજ ઉત્પાદન થતા તેમાંથી આવક પણ થઈ રહી છે. હાલમાં વીજળી ઉત્પન્ન કરવા થતો અઢળક ખર્ચ અને કોલસાની અછત વચ્ચે વીજ કટોકટી સર્જાવાની ઘટનાઓ જોવા મળી રહી છે ત્યારે કુદરતની દેન એવા સૌર ઊર્જા ના વિકલ્પ થી આ સમસ્યા ચોક્કસથી નિવારી શકાય છે અને તે માટે માત્ર જરૂર છે પહેલની. બસ આજ બાબતે પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોલર રુફટોપ લગાવી બચત સાથે આવક મેળવી અન્ય સામાજિક સંસ્થાઓ તેમજ દેવસ્થાનો માટે પ્રેરણાદાઈ પહેલ પણ કરી છે. હાલમાં મંદિર હસ્તકના બહુચરાજી મંદિર, વલ્લભ ભટ્ટ વાવ, યાંત્રિક ભવન તેમજ ભોજનાલય પર 105 KG વોટ ધરાવતી સોલર રુફટોપ સિસ્ટમ ઉભી કરી સમગ્ર સંચાલન હાથ ધર્યું છે. અને વર્ષે 5 થી 7 લાખ વીજ ખર્ચની બચત પણ થઈ રહી છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. સોમનાથ, જૂનાગઢ, વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના સ્થળોએ આવેલા શિવજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તો વહેલી સવારથી જ મહાદેવના મંદિરે દર્શન માટે ઉમટ્યા. ભક્તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરે છે. તેમને દૂધ અને બિલિપત્ર ચઢાવે છે. લોકો ભગવાન શિવને રિઝવવા શ્રાવણ માસના ઉપવાસ પણ કરે છે. ત્યારે શ્રાવણ માસના સોમવારનો વિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ મહિનામાં આવતા સોમવારે વ્રત કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે એવું માનવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવ અને પાર્વતીની પૂજા-અર્ચના કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.