અમદાવાદ સોલા પોલીસે ગેરકાયદે હથિયારોના વેચાણમાં વધુ એક નિવૃત્ત આર્મી જવાન સહિત ત્રણ લોકોની જમ્મુ-કાશ્મીરથી ધરપકડ કરીછે. જમ્મુના ગનહાઉસના માલિક સાથે મળીને ગેરકાયદે હથિયાર અને ડુપ્લિકેટ લાઇસન્સ આપવાનું રેકેટ શરૂ થયું હતું. સોલા પોલીસે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા પહોંચી દિલધડક ઓપરેશન કરી નિવૃત્ત આર્મી જવાન રસપાલકુમાર ચદગાલ, ગનહાઉસનો માલિક ગૌરવ કોતવાલ અને તેના મેનેજર સંજીવકુમાર શર્માની ધરપકડ કરી લીધી છે. આ ઓપરેશન અતિજોખમી હોવાથી IPS અધિકારી લવિના સિન્હાએ સમગ્ર ઓપરેશન પર ચાંપતી નજર રાખી હતી.
આરોપીઓને ઝડપવા અમદાવાદ પોલીસ જમ્મુ-કાશ્મીર પહોંચી
દેશવ્યાપી હથિયારો વેચવાના કૌભાંડમાં આરોપીઓને ઝડપવા અમદાવાદની સોલા પોલીસની ટીમ જમ્મુ-કાશ્મીરના અતિજોખમી ગણાતા બારામુલ્લા ખાતે પહોંચી હતી. ગમે તે ઘડીએ કંઈપણ થાય એવી સ્થિતિમાં અમદાવાદ પોલીસે દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. સોલા પોલીસને સમગ્ર ઓપરેશન દરમિયાન સ્થાનિક પોલીસની મદદ મળી હતી. અતિજોખમી ઓપરેશન હોવાથી મહિલા અધિકારી રાઉન્ડ ધ ક્લોક જ્યાં સુધી ઓપરેશન ચાલ્યુ ત્યાં સુધી સોલા પોલીસની ટીમના સંપર્કમાં હતાં. ઓપરેશન દરમિયાન સોલા પોલીસની ટીમ એક સલૂનની પાસે પહોંચે છે. સલૂન બહારથી બંધ છે, પણ જેવું આ સલૂનનું શટર ખૂલે છે ત્યાં મોસ્ટ વોન્ટેડ આરોપી સોલા પોલીસની સમક્ષ દેખાય છે. ખૂનખાર આરોપી કંઇ હરકત કરે એ પહેલાં જ સોલા પોલીસની ટીમે તેને દબોચી લીધો.
નિવૃત્ત જવાનના નામે હથિયારો વેચવાનો કારોબાર ચાલતો
નિવૃત્ત આર્મી જવાનના નામે બારોબાર લાઇસન્સ રિસીવ કરીને હથિયારો વેચવાનો આખો કારોબાર ચાલી રહ્યો હતો, જેમાં ગુજરાતી યુવક પોતાની જાતે જ સ્ટેમ્પ, લાઇસન્સ અને દરેક વસ્તુ બનાવી લેતો હતો. નિવૃત્ત આર્મી જવાનો સિક્યોરિટીમાં નોકરી કરવા માટે લાઇસન્સ મેળવતા હોય છે એમ કહીને હથિયારો ખરીદતો હતો. બાદમાં જેવી વ્યક્તિ એવો ભાવ લઈને હથિયારો વેચતા ભેજાબાજને સૌથી પહેલા પોલીસે ઝડપ્યો હતો. બાદમાં કડીઓ જોડાતી ગઈ અને છેલ્લે આ કડી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રભાવિત વિસ્તારમાં પહોંચી હતી.
અમદાવાદ પોલીસની ત્રણ ટીમ લોડેડ વેપન સાથે ત્યાં પહોંચી
દિવ્ય ભાસ્કરે આ ઓપરેશનની સાથે સંકળાયેલાં મહિલા અધિકારી અમદાવાદ ઝોન વનનાં DCP લવિના સિન્હા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમારે જમ્મુ-કાશ્મીરમાં અલગ અલગ જગ્યાએ આરોપીઓને પકડવાના હતા. એ માટે અમારી પોલીસની ત્રણ ટીમ લોડેડ વેપન સાથે ત્યાં પહોંચી હતી. ત્યાં ગમે ત્યારે કશું પણ થઈ શકે એવી સ્થિતિ હતી. જ્યારે સામેવાળી વ્યક્તિઓ પણ હથિયારના વેપાર સાથે સંકળાયેલા હતા એટલે એ પણ ડર હતો કે કદાચ એસોલ્ટ થઈ શકે, પરંતુ આ માટે અમારી ટીમ એલર્ટ હતી. આરોપીઓ ક્યાં હશે અને કઈ રીતે તેમની મોમેન્ટ હશે એ જાણવા માટે અમે ટેક્નિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. આ સાથે ત્યાંના SSPનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સ્થાનિક સ્તરે પણ પૂરતી મદદ મળી હતી.
પ્રતીક ચૌધરી કરોડો રૂપિયાનો માલિક છે
હથિયારોના રેકેટમાં પોલીસે સૌથી પહેલા પ્રતીક ચૌધરીની ધરપકડ કરી હતી. પ્રતીક ચૌધરી ગર્ભશ્રીમંત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પરિવારે એક મંદિરને કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું. પ્રતીક ચૌધરી પાસે જે હથિયાર છે એ પણ ખોટા લાઇસન્સથી ખરીદાયુ હોવાની શંકા પોલીસને છે. તેથી એ દિશામાં પણ તપાસ શરૂ થઇ છે. હથિયારોનો શોખ ધરાવનાર લોકોને તે વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા સંપર્ક કરતો હતો, જેમાં તે હથિયારોના ફોટા અને અલગ અલગ વાતો કરતો હતો. જેવું કોઇ હથિયાર ખરીદવા રસ દાખવે તે તરત જ તેની ગરજ પ્રમાણે રકમ વસૂલતો હતો. સૂત્રો મુજબ પ્રતીક ચૌધરી મોજશોખ અને પોતાના મોંઘા શોખ પૂરા કરવા માટે હથિયારોના રવાડે ચડ્યો છે.
આર્મીના જવાનોની ખોટી સહી-એન્ટ્રી કરી ગેરકાયદે હથિયારો વેચવાનો પર્દાફાશ
આરોપી રસપાલકુમાર આસામ રાઈફલમાં સૈનિક તરીકે ફરજ બજાવતો હતો અને તે મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીના સંર્પકમાં આવ્યો હતો. આ બંને જમ્મુ ખાતે આવેલા મહેન્દ્ર કોતવાલ ગન શોપમાંથી હથિયારો ખરીદતા હતા. આરોપી પ્રતીક અહીંથી જ ગેરકાયદે હથિયાર ખરીદી ગુજરાતમાં લાવતો હતો. મહત્ત્વનું છે કે હથિયારના લાઇસન્સ સાથે હથિયાર ખરીદવા માટે જે-તે લાઇસન્સધારક હાજર હોવો જોઈએ, પણ ગન શોપના માલિક અને મેનેજર રજિસ્ટરમાં અલગ અલગ આર્મી જવાનોની ખોટી સાઈન અને એન્ટ્રી કરી હથિયારો ગેરકાયદે વેચતા હતા. સોલા પોલીસે જમ્મુ-કાશ્મીરમાં સર્ચ કરીને અલગ અલગ રજિસ્ટ્રાર અને ડોક્યુમેન્ટ પણ જપ્ત કર્યા છે.
હથિયારોનું ડુપ્લિકેટ લાઇસન્સ બનાવી ગુજરાતમાં વેચતાં
ગેરકાયદે હથિયારોની લે-વેચના કારોબારમાં મુખ્ય સૂત્રધાર પ્રતીક ચૌધરી છે, જે મૂળ ગાંધીનગરનો રહેવાસી છે. તે આર્મીમાં ફરજ બજાવતો હતો અને આસામમાં પોસ્ટિંગ થઈ ત્યારે તે જતીન પટેલના સંપર્કમાં આવ્યો હતો. બંને આરોપી આસામ રાઇફલ યુનિટમાં ફરજ બજાવતા હતા. આરોપી જતીન નિવૃત્ત થયા બાદ સચિવાલયમાં સિક્યોરિટી હેડ તરીકે ફરજ બજાવતો હતો. નિવૃત્ત થયા બાદ બંને આરોપીઓએ ગુજરાતમાં હથિયાર વેચવાનું નેટવર્ક શરૂ કર્યું, જેમાં આરોપી જતીન નિવૃત્ત આર્મી જવાનના સંપર્ક કરીને તેમના લાઇસન્સ રિન્યુ કરવાના બહાને હથિયાર અને લાઇસન્સ મેળવી લઈને આરોપી પ્રતીક ચૌધરીને આપતો હતો. જ્યારે પ્રતીક ચૌધરી આ લાઇસન્સના આધારે જમ્મુ-કાશ્મીરથી રસપાલકુમારના માધ્યમથી હથિયાર મેળવી ડુપ્લિકેટ લાઇસન્સ બનાવીને ગુજરાતમાં અલગ અલગ લોકોને વેચતો હતો. તેની સાથે આરોપી બિપિન મિસ્ત્રી હથિયાર ખરીદનાર ગ્રાહકોનો સંપર્ક કરાવતો હતો.
આરોપીઓએ 20થી વધુ લોકોને હથિયારો અને લાઇસન્સ વેચ્યાં
આરોપીઓએ 20થી વધુ લોકોને હથિયાર અને લાઇસન્સ વેચ્યાં હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. પોલીસે હથિયારના સોદાગરો બાદ હથિયાર ખરીદનાર 6 લોકોની ધરપકડ કરી છે. આરોપી પ્રતીક ચૌધરી જમ્મુથી 2થી 5 લાખમાં હથિયાર ખરીદીને 15થી 25 લાખમાં ગુજરાતમાં વેચતા હતા. આ હથિયાર જમ્મુથી બસમાં અમદાવાદ લાવતા હતા. આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના લોકોને હથિયાર વેચ્યા હોવાનું ખૂલ્યું છે.