જુગારધામ ઝડપાયું:ગાંધીનગરના પુન્દ્રાસણ ગામમાં ચાલતાં જુગારધામ પર પોલીસ ત્રાટકી, 17 હજારની મત્તા સાથે ત્રણની ધરપકડ, ચાર ફરાર
ગાંધીનગરના પુન્દ્રાસણ ગામ બસ સ્ટેન્ડની પાછળ આવેલ જારવાળા ખેતરમાં ચાલી રહેલા જુગારધામનો એલસીબી – 1 ની ટીમે પર્દાફાશ કર્યો હતો. એલસીબીની ટીમે 17 હજારના મુદ્દામાલ સાથે સાત પૈકી ત્રણ જુગારીઓની ધરપકડ કરી છે. આ અંગે પેથાપુર પોલીસ મથકમાં સાતેય જુગારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવી પોલીસ દ્વારા નાસી છુટેલા ચાર જુગારીને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર એલસીબી – 1નાં ઈન્સ્પેક્ટર દિવાનસિંહ વાળાની સૂચનાથી સ્ટાફના માણસો શ્રાવણ માસ દરમ્યાન જુગારની પ્રવૃતિઓ શોધી કાઢવાની દિશામાં કામગીરી કરી રહ્યા હતા. એ દરમ્યાન બાતમી મળી હતી કે, પુન્દ્રાસણ ગામના કિરણજી બબાજી ઠાકોર તથા રમેશજી ઉર્ફે ટીના દિવાનજી ઠાકોર બહારથી ખેલીઓ બોલાવીને બસ સ્ટેન્ડની પાછળ આવેલ જ્યંતીજી અરજણજી ઠાકોરના ઘરની બાજુમાં આવેલ જારવાળા ખેતરમાં જુગાર ધામ ચલાવી રહ્યા છે.
જે બાતમીના આધારે એલસીબીની અલગ અલગ ટીમો ખાનગી વાહનમાં પુન્દ્રાસણ ગામ પહોંચી હતી અને વાહનો દૂર મૂકીને ચાલતાં ચાલતાં બાતમી વાળા ખેતરમાં ત્રાટકી હતી. આ દરમ્યાન જુગાર રમતાં ચાર ઈસમો પોલીસને દૂરથી જોઈને નાસી ગયા હતા. જ્યારે ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડી પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ રમેશ ઉર્ફે ટીના દિવાનજી ઓખા ઠાકોર (રહે. ટીટોડા ગામ), વિજય જ્યંતી રામાજી ઠાકોર(રહે. સાણોદા, દહેગામ), રણજીત ઉર્ફે મકો પધાજી મથુરજી ઠાકોર (રહે. પુન્દ્રાસણ) હોવાનું જણાવ્યું હતું.
જ્યારે નાસી ગયેલ ઈસમો કિરણ બબાજી ઠાકોર, મનુજી જવાનજી ઠાકોર, રાકેશજી અજમલજી ઠાકોર તથા વિપુલજી સુધાજી ઠાકોર (તમામ રહે, પુન્દ્રાસણ) હોવાની વધુમાં કબૂલાત કરી હતી. બાદમાં એલસીબીએ ત્રણેય જુગારીઓની અંગ ઝડતી લઈ અને દાવ પરથી કુલ રૂ. 17 હજારની રોકડ તેમજ જુગારનું સાહિત્ય જપ્ત કરી પેથાપુર પોલીસ મથકમાં સાતેય જુગારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.