કલોલ ટાઉન બોરીસણા રોડ ઉપર ઓએનજીસીનાં ગેટની સામે પાન મસાલા – ચાની કીટલીની આડમાં છેલ્લા ઘણાં સમયથી બેરોકટોક વિદેશી દારૂની હાટડી પર કલોલ શહેર પોલીસે મનેકમને પણ રેડ કરી બુટલેગરને ઝડપી પાડી કુલ રૂ. ૯૨ હજારની કિંમતનો વિદેશી દારૃ – બિયરનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના રોષનો ભોગ બનવું ન પડે એ માટે કલોલ શહેર વિસ્તારમાં ફૂલી ફાલેલી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા કલોલ શહેર પોલીસ દોડતી થઇ ગઈ છે. જેનાં ભાગરૂપે કલોલ બોરીસણા રોડ ઉપર ઓએનજીસીનાં ગેટની સામે પાન મસાલા – ચાની કીટલીનાં ઓથાર હેઠળ વિદેશી દારૂની હાટડી ચલાવતાં બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે.
કલોલ ગાયનો ટેકરો ઠાકોર વાસમાં રહેતો રાકેશ ગલાજી ઠાકોર બોરીસણા રોડ ઉપર આવેલ ઓએનજીસીના જી.જી.એસ ગેટની સામે આવેલ પાન મસાલા/ચાની લાકડાની કેબીનની આડમાં છેલ્લાં ઘણાં સમયથી વિદેશી દારૃ – બિયરની બેરોકટોક હાટડી ચલાવતો હતો. ચાની કીટલીની આડમાં દારૂનો વેપાર કરવાં માટે બુટલેગર રાકેશ ઠાકોર પોતાના લાકડાના કેબીનવાળા ગલ્લાની પાછળ આવેલ ઝાડી ઝાંખળાવાળી જગ્યામાં જ દારૂનો જથ્થો સંતાડી રાખતો હતો. કલોલ શહેર પોલીસે ગઈકાલે મને કમને પણ બુટલેગર રાકેશ ઠાકોરની વિદેશી દારૂની હાટડી પર દરોડો પાડયો હતો. અને લાકડાની કેબીનવાળા ગલ્લાની પાછળ આવેલ ઝાડી ઝાંખળાવાળી જગ્યામાંથી વિદેશી દારૃ – બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. જેની ગણતરી કરતા વિદેશી દારૂની ૧૭૨ બોટલો તેમજ ૩૮૪ નંગ બિયરનાં ટીન કિંમત રૂ. ૯૨ હજાર હોવાનું સામે આવ્યું હતું. આ અંગે બુટલેગરની પૂછતાંછ કરતાં ઉક્ત દારૂનો જથ્થો કલોલના છત્રાલ લુણાસણ રોડ ખાતે રહેતા અન્ય બુટલેગર સુનીલ અમરતજી ઠાકોર પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.