એકતરફ દેશભરમાં ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસ થાય છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આવા વાહનોની ખરીદીમાં સબસિડી પણ ચૂકવવામાં આવે છે ત્યારે સબસિડીની પ્રક્રિયા ઘણી જટીલ અને અનેક કિસ્સામાં સબસિડી ચૂકવવામાં નિયમો આડે આવતા હોવાથી વાહન ખરીદી લીધા બાદ વાહનચાલકોને સબસિડી નહીં મળતા મુશ્કેલી પડે છે.
ગાંધીનગરમાં ચાલું વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન ૧૩૧૭ ઇલેક્ટ્રીક વ્હીકલ્સનું આરટીઓમાં રજિસ્ટ્રેશન થયું હતું. જે પૈકી ૩૧૦ વાહનચાલકોને હજુ સુધી સબસિડી મળી નથી. સૂત્રો મુજબ ૨૭૦ વાહનચાલકોએ સરકાર દ્વારા નિયત કર્યા સિવાયની કંપનીના કે બ્રાન્ડના વાહન ખરીદ્યા હોવાથી તેમને નિયમ મુજબ સબસિડી મળી શકે તેમ નથી જેથી તેમની અરજીઓ નામંજૂર કરવામાં આવી છે જ્યારે ૪૦ અરજીઓ હાલમાં ર્નિણય માટે પેન્ડીંગ છે જેનો આગામી દિવસોમાં નિકાલ કરવામાં આવશે.
ગાંધીનગર આરટીઓમાં ૨૦૨૨થી ઓગસ્ટ ૨૦૨૩ સુધી ૪૭૫૨ ઈલેક્ટ્રિક વ્હિકલનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં સૌથી વધુ ૩૩૨૭ ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સ, ૯૫૦ ફોર વ્હિલર્સ અને ૪૭૫ ઈલેક્ટ્રિક રીક્ષાનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૨માં કુલ ૩૪૩૫ ઈલેક્ટ્રિક વ્હિકલ્સ નોંધાયા હતા, જેમાંથી ૨૪૦૪ ટુ વ્હિલર્સ, ૬૮૭ ફોર વ્હિલર્સ અને ૩૪૩ ઈલેક્ટ્રિક રીક્ષાઓ છે. જ્યારે ૨૦૨૩માં અત્યાર સુધી કુલ ૧૩૧૭ ઈલેક્ટ્રિક વ્હિકલ્સ નોંધાયા હતા, જેમાંથી ૯૨૨ ટુ વ્હિલર્સ, ૨૬૩ ફોર વ્હિલર્સ અને ૧૩૨ ઈલેક્ટ્રિક રીક્ષાઓ છે. આમાંથી હજુ ૩૧૦ વાહનમાલિકોને સબસિડી ચૂકવાઈ નથી. કચેરીના સૂત્રોના કહેવા પ્રમાણે સબસિડીમાં વિલંબ થવા પાછળ અનેક કારણો હોય છે.જેમ કે, સબસિડીની અરજીમાં અધૂરી માહિતી હોવાથી અરજી પાછી મોકલાય છે. એકવાર અરજી પરત જાય પછી મહિનાઓ સુધી ફરી કરી શકાતી નથી. ઈલેક્ટ્રિક વ્હિકલનું મોડલ કેન્દ્ર સરકારના ફેમ-૨ પોર્ટલમાં એપ્રુવલ વાહન મોડલ તરીકે દર્શાવ્યું હોય તો જ સબસિડી મળે છે. જે મોડલની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી ના હોય, તેવા વ્હિકલને સબસિડી અપાતી નથી. ૩૧૦ ઈલેક્ટ્રિક વ્હિકલ્સમાંથી ૪૦ વ્હિકલ્સ જ એવા છે કે, જેને કેન્દ્ર સરકાર દ્વારા એપ્રુવ કરવામાં આવ્યા છે. બાકીના ૨૭૦ જેટલા વ્હિકલને નિયમ મુજબ સબસિડી આપવાની બનતી જ નથી. સરકાર દ્વારા ૬૨ જેટલી કંપનીઓના મોડલોને સબસીડી માટે મંજૂરી આપવામાં આવી છે. જે ૪૦ ઈલેક્ટ્રિક વ્હિકલને સબસિડી આપવાની બાકી છે. તેને પણ જલદી સબસિડીના પૈસા અપાશે.